અંડરવર્લ્ડના ઉપદેશો
ગયા મહિને જ અમેરિકામાં ‘ગૉડફાધર’ની ટ્રિયોલૉજીની સિલ્વર જ્યુબિલી ઉજવાઈ. મારિયો પૂઝોએ લખેલી નવલકથા પરથી ફ્રાન્સિસ ફોર્ડ કૉપૉલાએ બનાવેલી ફિલ્મનો ત્રીજો અને અંતિમ ભાગ ડિસેમ્બર 1990માં રિલીઝ થયો હતો. ફિલ્મનો ફર્સ્ટ પાર્ટ 1972માં રિલીઝ થયો હતો અને મૂળ નવલકથા માર્ચ 1969માં પ્રગટ થઈ હતી.
દરેક મહાન નવલકથા જીવન વિશેનાં ઘણાં બધાં સત્યો સમજાવતી હોય છે - પ્રગટપણે કે અપ્રગટપણે. ‘ગૉડફાધર’ તો ક્રાઈમ નૉવેલ છે, એમાંથી શું વળી જીવન જીવવાના પાઠ મળવાના? એવું જો તમને લાગે તો આ લેખ વાંચ્યા પછી તમે મૂળ નવલકથા વાંચી જજો. એમાં અનેક ઠેકાણે ડહાપણની, દુનિયાદારીની અને ઘડીભર અટકીને વાંચવું પડે એવી વાતો લખવામાં આવી છે જે જીવનમાં સફળ બનવા માટે, કારકિર્દી કે ધંધા-વ્યવસાયમાં આગળ વધવા માટે ઉપયોગી થાય.
‘ગૉડફાધર’ ડૉન કૉર્લીઓન એના દીકરા સની ઊર્ફ સેન્ટિનોને એક સલાહ આપે છે. રાઈવલ ગેન્ગસ્ટર સાથેની ડૉનની મુલાકાત વખતે આ દીકરો હાજર હોય છે અને કોઈક વાતે એ પિતા સાથે અસંમત છે એવી ઝલક પ્રગટ થઈ જાય છે અને સોલોત્ઝો નામનો ગેન્ગસ્ટર આ વાત પામી જાય છે.
મિટીંગ પૂરી થયા પછી બાપ-દીકરો એકલા પડે છે ત્યારે ડૉન સનીને સલાહ આપે છે : ‘સેન્ટિનો, ફેમિલિની બહારના માણસને કોઈ દિવસ ખબર ન પડવી જોઈએ કે તું પોતે શું વિચારે છે. આપણા હાથમાં કયા પત્તાં છે એ કોઈને દેખાડવાનાં ન હોય.’
ડૉન કૉર્લીઓનની આ સલાહ માત્ર અંડરવર્લ્ડના કામકાજ સાથે જ સંકળાયેલા લોકો માટે નથી. આપણા સૌ માટે છે. ફેમિલિમાં મતભેદ રહેવાના - પિતા-પુત્ર વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે, ઈવન પતિ-પત્ની વચ્ચે. પણ આ મતભેદોની જાણ બહારની કોઈ વ્યક્તિને સીધી યા આડકતરી રીતે પણ ન થવી જોઈએ. તમારી આપસી તકરારનો ફાયદો આજે નહીં તો કાલે બહારની ત્રીજી વ્યક્તિ લેવાની જ છે. તોરમાં આવીને કે પછી ક્યારે ફસ્ટ્રેટ થઈને ને કોઈ વખત સાવ અનાયાસ આપણે પારિવારિક તિરાડો બીજાને દેખાડી દેવાની ભૂલ કરી બેસીએ છીએ. આને કારણે કોઈ વખત તમને બીજાની મદદ મળી જાય અને ફાયદો થતો હોય એવું લાગે તો તે ટૂંકા ગાળાનો ફાયદો હોવાનો. લાંબા ગાળે તો તમને ને તમારા પરિવારને નુકસાન જ થવાનું.
આવી જ બીજી એક વાત ડૉન કૉર્લીઓને દીકરા સનીને કહી છે. ડૉનની દીકરીનાં લગ્નનો ભવ્ય સમારંભ ચાલી રહ્યો છે. ડૉનને સનીનું કામ પડ્યું છે. પરણેલો અને બાળબચ્ચાવાળો સની એ સમયે પોતાની ગર્લફ્રેન્ડ લ્યુસી સાથે ઘરના કોઈ અવાવરુ ઓરડામાં બિઝી છે. ડૉનના બોલાવવાથી એ ઝટપટ પાટલૂન ચડાવીને હાજર થઈ જાય છે. ડૉનને તો ખબર જ છે કે દીકરો શું ગુલ ખિલાવતો હતો. પણ ઠપકો આપવાને બદલે એ વાતનો ઉલ્લેખ પણ કર્યા વિના ડૉન સનીને પૂછે છે :
‘તું તારા ફેમિલિ સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે કે નહીં? (‘સની ‘હા’માં માથુ ધુણાવે છે.) સરસ. કારણ કે જે માણસ પોતાના ફેમિલિ પર ધ્યાન ન આપતો હોય તે રિયલ મૅન નથી.’
ફેમિલિ એટલે માત્ર પરિવારજનો જ નહીં, પોતાની નજીકનાં, પોતાના અંગત હોય એવા તમામ સંબંધો, મિત્રો વગેરે. માણસ જો પોતાની પર્સનલ લાઈફ અસ્તવ્યસ્ત કરી નાખે કે થવા દે તો એની અસર સીધી એના કામકાજ પર પડતી હોય છે. નવલકથામાં ડૉનના દીકરા સનીએ એ સહન કર્યું અને સિન્સ ડૉન કૉર્લિયોને પોતે પોતાની કૌટુંબિક લાઈફ સાચવેલી એટલે એ પોતે પણ છેવટ સુધી સચવાઈ ગયા. ડૉનના સૌથી નાના દીકરા માઈકલને પણ કુટુંબનું ધ્યાન રાખવાનું ફળ મળે છે જ્યારે વચલા દીકરા ફ્રેડોએ ન તો ડૉનની આ સલાહ માની, ન આગલી. નાનો ભાઈ માઈકલ લાસ વેગાસમાં રાઈવલ ગેન્ગસ્ટર સાથે વાટાઘાટ કરતો હતો ત્યારે ફ્રેડોએ પેલાનો પક્ષ લીધો. પછીથી માઈકલે એને પિતાની જેમ ઠપકો આપ્યો. ‘કુટુંબની વિરુદ્ધ જઈને કોઈ બહારના માણસનું ઉપરાણું નહીં લેવાનું.’ ડૉનની પહેલી સલાહનું જ આ એક્સ્ટેન્શન હતું. ફ્રેડોએ કામકાજના સમયે કસિનોની વેઈટ્રેસો સાથે ધીંગામસ્તી કરી અને પોતાના જ પરિવારની વિરુદ્ધ થયેલા કાવતરામાં પણ એ શામેલ થયો. બહુ બૂરો અંજામ આવ્યો એનો.
ડૉન કૉર્લીઓનની બીજી એક સલાહ છે : ‘કીપ યૉર ફ્રેન્ડ્ઝ ક્લોઝ, યૉર એનિમીઝ ક્લોઝર.’
બે વાત છે આમાં. મિત્રોને ટેકન ફૉર ગ્રાન્ટેડ નહીં ગણો. એમને તમારી નજીક રાખો અને તમે એમની પડખે રહો. ડૉન કોર્લીઓને આજીવન મિત્રો માટે જાન પાથરી દીધો છે. કોની સાથે કેવો વિવેક રાખવો એ તો કોઈ ડૉન કૉર્લીઓન પાસે જ શીખે. રિયલ લાઈફના સિંગર ફ્રેન્ક સિનાત્રા જેવો જ સેલિબ્રિટી ગાયક જૉની ફોન્ટેન ડૉનને પોતાનો ગૉડફાધર ગણી શકે એટલા બધા અને એટલા મોટા ઉપકારો ડૉને એના પર કર્યા છે. પોતાની દીકરીના લગ્નમાં જૉની ફૉન્ટેન આવે છે ત્યારે ડૉન એમને પોતાની નીજી ઑફિસમાંથી બહાર આવીને છેક બગીચામાં જૉની ફોન્ટેનને આવકારવા પહોંચી જાય છે. ડૉનની ઉંમર, દરજ્જો બધું જ જૉની કરતાં મોટું છે અને વળી જૉન ડૉનના ઉપકારો તળે તો દબાયેલો છે જ. આમ છતાં ડૉનને જૉની ફૉન્ટેનનું સેલિબ્રિટી સ્ટેટસ કેટલું તોતિંગ છે એની ખબર છે અને અમેરિકામાં એનું કેટલું મોટું ફેન ફોલોઈંગ છે એની પણ જાણ છે, એટલે જ ડૉન એને માન આપવા સામે ચાલીને બગીચામાં પહોંચી જાય છે. ડૉન કૉર્લીઓનની આ નમ્રતા, આ ઉષ્મા એના મિત્રોને એની નજીક રાખે છે.
ડૉનની સલાહનો ઉત્તરાર્ધ છે કે દુશ્મોને વધારે નજીક રાખવા. ડૉન કૉર્લિઓન ચોકન્નો માણસ છે, ચોવીસે કલાક આંખ-કાન ખુલ્લાં રાખીને જીવનારો આદમી છે. એની પાસે એના દુશ્મનોની હિલચાલ પર નજર રાખવા માણસો છે. સોલોત્ઝો ડૉનની સાથે સોદાબાજી કરવા આવે છે ત્યારે ડૉન એને પૂછે છે કે ‘આમાં મારો ફાયદો શું?’ સોલોત્ઝો ગણાવે છે કે આટઆટલો ફાયદો. ડૉન પૂછે છે : ‘અને તતાલ્યાનો ફાયદો કેટલો?’ તતાલ્યા ડૉનનો કટ્ટર દુશ્મન છે. સોલોત્ઝો પામી જાય છે કે પોતે તતાલ્યા સાથે હાથ મિલાવ્યા છે એની જાણ ડૉનને થઈ ગઈ છે.
દુશ્મનો કે પછી અ-મિત્રો પર નજર નહીં રાખવાની લાપરવાહી જેઓ જિંદગીમાં મોટાં કામ કરવા માગે છે તેમને ના પોસાય. તમારી વિરૂદ્ધ કોણ શું રાંધી રહ્યું છે અને ભવિષ્યમાં તમારા કામકાજમાં કોણ કેવી રીતે વિઘ્નો ઊભાં કરી શકે એમ છે એની આગોતરી જાણકારી રાખવા દુશ્મનોને તમારી વધુ નજીક રાખવા. અર્થાત્ એમની સાથેનો સંપર્ક સાવ તોડી નહીં નાંખવાનો. કારણ કે અજાણ્યાઓ તો તમારું કશું બગાડવા આવવાના નથી. દુશ્મનાવટ માટે કોઈક પ્રકારનો પરિચય હોવો જરૂરી છે. જો તમને લાગે કે આ માણસમાં મારા દુશ્મન બનવાનું પોટેન્શિયલ છે તો એની સાથે સતત સંપર્ક રાખવો જેથી એની દરેક ચાલથી તમે માહિતગાર હો.
આ જ બાબતે ડૉનની બીજી એક સલાહ છે : ડૉન્ટ હેટ યૉર એનિમિ, ઈટ ક્લાઉડ્સ યૉર જજમૅન્ટ.’
દુશ્મનને ધિક્કારવાથી તમારું ફોકસ હટી જાય છે. એનો અર્થ એ નથી કે દુશ્મનને પ્રેમ કરવો. પણ એના માટેના ધિક્કારની લાગણીને લીધે તમને એની ખરી તાકાતનો અંદાજ નથી આવતો. કાં તો તમે એને એ છે એના કરતાં વધુ શક્તિશાળી માની બેસો છો, કાં પછી એ છે એના કરતાં વધારે નબળો માની લેવાની ભૂલ કરો છો.
દુશ્મનને તટસ્થતાપૂર્વક મૂલવવાને બદલે ધિક્કારની લાગણીથી એના તરફ જુઓ છો ત્યારે એણે શાંત કલેજે ઘડેલી તમને મ્હાત કરવાની ચાલબાજીનાં બારીકમાં બારીક પગલાં જોવાનું તમે ચૂકી જાઓ છો. ધ્યાન એ રાખવાનું કે એનું નુકસાન કરવા જતાં તમારું પોતાનું નુકસાન ન થાય, પહેલાં તમારું નુકસાન થતું અટકાવો, પછી એનું નુકસાન કરો.
મારિયો પૂઝોની નવલકથા ‘ગૉડફાધર’ને હું ક્રાઈમ ફિક્શનના રામાયણ અને મહાભારતનો દરજ્જો આપું છું તે એમાં રહેલી આવી આવી ઊંચા માયલી વાતોને કારણે. થોડીક વાતો હજુ જડવાની છે એમાંથી. નેક્સ્ટ વીક.
લાઈફ લાઈન :
માણસ પાસેથી જ્યારે એ જે રીતની જિંદગી જીવવા માગે છે એ રીતે જીવવાનો હક છિનવી લેવામાં આવે છે ત્યારે એની પાસે બગાવત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી.
- નેલ્સન મન્ડેલા
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર