સફળતા ભણી પ્રયાણ કરવાનો ફાઈનલ તબક્કો : થિન્ક બિગ

02 Nov, 2015
12:00 AM

mamta ashok

PC:

થિન્ક બિગ. આ બે શબ્દોમાં સફળતાનું આખું વિશ્વ સમાયેલું છે. થિન્ક બિગનો મતલબ એ નથી કે તમે બીજાઓ કરતાં મોટું વિચારો. તમારી સરખામણી તમારે બીજાઓની સાથે કરવાની જ નથી. તમારી પોતાની સાથે કરવાની છે. બીજાઓની સાથે સરખામણી કરવા જશો તો એક લિમિટ આવી જશે. પેલાની પાસે આટલા પૈસા છે, આટલી પ્રસિદ્ધિ છે, એ આવું કામ કરે છે - તો હું એના કરતાં મોટું કામ કરીને વધારે પૈસા, વધારે પ્રસિદ્ધિ મેળવીશ : આવું વિચારવા જશો તો તમારી કલ્પનાની ઉડાન સીમિત થઈ જવાની. તમારો હેતુ ‘પેલા કરતાં મોટા’ બનવાનો થઈ જશે. આ દુનિયામાં કંઈ એ એકલો જ નથી જે મોટો હોય. પણ તમે જે ક્ષેત્રમાં છો એમાં તમને એ મોટો લાગે છે એટલે તમે એની સફળતાને માપદંડ તરીકે સ્વીકારી લીધી. એના કરતાં હું આગળ નીકળી જાઉં એટલે હું સફળ એવું માની લીધું. ધારો કે તમે એના કરતાં આગળ નીકળી ગયા. પછી શું? પછી તો આગળ વધવાનો કોઈ માર્ગ તમને દેખાતો જ નથી. તમે સ્થગિત થઈ જવાના, બંધિયાર થઈ જવાના. તમને ખબર જ નથી કે હવે તમારે તમારી ટેલન્ટનું, તમારી શક્તિઓનું શું કરવું.

તમે જો તમારી જ સાથે સ્પર્ધા કરતા હશો તો સફળતાની તમારી કેડી અનંત સુધી લંબાવાની. સફળતાના કોઈ એક પગથિયે તમે આવી ગયા, કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. આગળ શું? આગળ તમારે તમારા કરતાં વધારે મોટા બનવાનું છે, અત્યારે જે છો, જ્યાં છો એના કરતાં ઉપર જવાનું છે. થિન્ક બિગનું સૂત્ર તમને હવે કામ લાગશે.

તમને ખબર છે કે રૉકેટ જ્યારે પૃથ્વી પરથી અદ્ધર થાય છે ત્યારે બે તબક્કામાં અવકાશમાં પહોંચે છે. પહેલું રૉકેટ તમને પૃથ્વી પરથી ઊંચકે છે અને ઉપર ગયા પછી, પૃથ્વીના વાતાવરણની બહાર નીકળવા બીજા તબક્કાના રૉકેટનો ધક્કો જરૂરી બને છે. થિન્ક બિગ આ બીજો ધક્કો છે. ઑલરેડી તમે તમારી ભૂમિ પરથી ઉપર ઉઠ્યા હો ત્યારનો તબક્કો છે. તમારી જાતને વાતાવરણની બહાર મોકલવાનો તબક્કો છે.

થિન્ક બિગ વખતે તમારે તમારા વાતાવરણની બહાર નીકળવું પડે. તમારા ક્ષેત્રમાં બીજાઓ જે કંઈ કરી ગયા છે એનાથી કંઈક જુદું, કંઈક મોટું કામ વિચારવું પડે. થિન્ક બિગ માત્ર ક્વૉન્ટિટી નથી, ક્વૉલિટી છે. એટલે કે કોઈકના કરતાં બમણી-ત્રણગણી પ્રસિદ્ધિ કે દૌલત પ્રાપ્ત કરવી છે એનું નામ થિન્ક બિગ નથી. કોઈએ પણ ન કરેલાં કામ કરવાનું વિચારવું એ થિન્ક બિગનો ભાવાર્થ છે.

બમણું-ત્રણગણું કામ વિચારવાનું તો આસાન છે. માત્ર આંકડા સાથે મગજમારી કરી એટલે પૂરું થઈ ગયું. પણ કંઈક જુદું વિચારીને કંઈક નેત્રદીપક કામ કરવું એમાં તમારી ખરી કસોટી થતી હોય છે. આવો વિચાર બધાને ન આવે. જેનામાં પોતાના ક્ષેત્ર માટેની પેશન હોય, જેને પોતાની ટેલન્ટમાં શ્રદ્ધા હોય અને જેની રગરગમાં હાર્ડ વર્ક કરવાની ટેવ હોય તે જ વિચારી શકે, તે જ થિન્ક બિગના તબક્કા સુધી પહોંચી શકે.

થિન્ક બિગના તબક્કાએ તમારે તમારી આસપાસના વાતાવરણને એટલા માટે ત્યજી દેવું પડે કેમ કે તમારા વિઝનને લોકો હસી કાઢવાના છે, તમને હતોત્સાહ કરવાના છે. તમે અત્યારની તમારી સલામતીઓ છોડીને એક હરણફાળ ભરવા માગો છો તે જાણીને તેઓ તમારા માટે ઈન્સિક્યોર્ડ થઈ જવાના છે. તેઓ તમને સાથ નહીં આપે એટલું જ નહીં, તમને એવું નહીં કરવા માટે સમજાવવાના છે.

આ ગાળો બહુ ડેન્જરસ ગાળો હોય છે. તમે એકલા પડી જશો. ભવિષ્ય ધૂંધળું દેખાશે. ભવિષ્યમાં તમારા થિન્ક બિગનું સુરસુરિયું થઈ ગયું તો તાના સાંભળવાના છે : ‘અમે તો પહેલેથી જ કહેતા હતા.’ તમે હાંસીપાત્ર બનવાના છો. પણ જો આ વેક્યુમમાં તમે તમારી જાતને સાચવી લીધી તો જંગ જીત્યા. આ શૂન્યાવકાશ જેવા બિહામણા ગાળામાં લોકોની સાથે દલીલો કરીને સમય બગાડવો નહીં. આ તબક્કે એમને સમજાવવાની તનતોડ મહેનત કરીને તમારી એનર્જી વેડફવી નહીં. તમારે તમારું કામ કર્યે રાખવું. શૂન્યાવકાશ આપોઆપ દૂર થઈ જશે. એટલું જ નહીં તમારા માટે જે લોકો સ્કેપ્ટિકલ હતા એ સૌ એક પછી એક તમને સામેથી સાથ આપવા તૈયાર થઈ જશે. કારણ કે હવે એમને તમારા માટે ધીરે ધીરે શ્રદ્ધા પ્રગટી છે. તમારી જીદ, તમારી અડીખમ તાકાત માટે માન થવા માંડ્યું છે. એટલું જ નહીં તમારી જિંદગીમાં આવી રહેલી મસમોટી સફળતાનું પહેલું કિરણ તેઓ પણ જોવા લાગ્યા છે. મનના કોઈ છૂપે ખૂણે એમને પણ તમારી આ બિગ સફળતાના એક હિસ્સા બનવાની ઈચ્છા છે. તમારી પ્રસિદ્ધિમાં પોતે પણ મહાલી શકશે એવી લાલચ છે. તમારા માટે બની રહેલી કેકનો એક ટુકડો એમની પ્લેટમાં મૂકાશે એવી લાલચ છે.

આવા વખતે કોઈને તરછોડવા નહીં, પાછા આવવા દેવા. મારા પર એક જમાનામાં તમે હસતા હતા, હવે શું કામ સાથ આપવા આવ્યા છો એવું વિચારીને કોઈને ધુત્કારવા નહીં. સબ્ર રાખીને કામ લેવું. સમજવું કે આ દુનિયામાં કોઈ વ્યક્તિ સેલ્ફમેડ નથી હોતી. દરેકે દરેક વ્યક્તિ બીજા કેટલાક લોકોની મદદથી ઉપર આવે છે. લોકોના સાથ વિના થિન્ક બિગનું વિઝન પાર પડવાનું નથી. જે લોકો તમારી સાથે જોડાવા માગે છે કે જોડાય છે એમને પણ તમારી સફળતાનો સ્વાદ ચાખવા મળે એ જોવાની જવાબદારી તમારી છે. તો જ તેઓ તમારી સાથે રહેશે. તો જ તમે થિન્ક બિગમાંથી થિન્ક બિગરમાં અને થિન્ક બિગેસ્ટ ભણી પ્રયાણ કરી શકશો.

સફળતાની સીડી સડસડાટ ચઢતા હો ત્યારે મૂંગા મોઢે કરવાનું. બહુ બણગાં નહીં ફૂંકવાનાં કે હવે તો હું આમ કરવાનો છું, ને તેમ કરવાનો છું. બડાશ પણ નહીં હાંકવાની : જોયું, બતાડી દીધું ને બધાને.... બિલકુલ ચૂપ રહેવાનું. બોલવામાં જે એનર્જી વાપરવાનું મન થાય તેને કામમાં વાળી દેવાની.

અને આમ છતાં તમારા ટીકાકારો જ નહીં તમારા જાની દુશ્મનો પણ ઊભા થવાના. મોટી સફળતા પામી ચૂકેલા લોકો સાથે બાખડવાનું લોકોને ગમતું હોય છે. નાની-મોટી સફળતા વખતે એમને વિચાર પણ નહોતો આવ્યો તમને નડવાનો. પણ હવે તમે એમને નડી રહ્યા છો - એમના ઈગોને, કદાચ એમના અસ્તિત્વને. કદાચ ખોટેખોટે પણ એમણે માની લીધું છે કે તમે એમના ધંધા માટે ડેન્જર બની ગયા છો.

કેટલાક ઈર્ષાળુઓ પણ વગર-અમસ્તા પેદા થઈ જવાના. ફિલ્મલાઈન જેવા જાહેર માધ્યમમાં કામ કરતા હશો તો દેશના કોઈ ખૂણામાં સબડતો માણસ પબ્લિસિટી મેળવવા તમારા પર સાચો-જૂઠો કેસ કરીને એક દિવસ પૂરતો ન્યૂઝમાં છવાઈ જશે. તમારે આ બધી તૈયારી રાખવી પડશે, જ્યારે તમારું થિન્ક બિગનું વિઝન સાકાર થઈ રહ્યું હશે ત્યારે, તમારી કમાણીનો એક નાનકડો હિસ્સો જેમ તમે તમારી મેડિકલ ઈમરજન્સી માટે જુદો ફાળવી રાખો છો એ જ રીતે એક બીજો હિસ્સો દુશ્મનો સામે લડવા, લીગલ ઈમરજન્સી માટે, અલાયદો ફાળવવો પડશે.

પણ આ બધા દરમિયાન તમારે ત્રણ વાત ત્યજવી નહીં : તમારી પ્રામાણિકતા, તમારી વિનમ્રતા અને તમારી મહેનત.

સફળતા મેળવવી સહેલી નથી. હોત તો આજે સૌ કોઈ સફળ હોત. દુનિયા તો સફળ માણસોને જ પૂજે છે એવી ફરિયાદ કરીને ફસ્ટ્રેટ થવાની જરૂર નથી. દુનિયા જો નિષ્ફળ લોકોની પૂજા કરતી હોત તો સૌ કોઈ નિષ્ફળ બનવાની કોશિશ કરતું હોત અને એવા સંજોગોમાં દુનિયાની જે અત્યાર સુધી જે પ્રગતિ થઈ છે તે થઈ હોત? વિચાર કરો. દુનિયા જાલિમ છે અને ક્રૂર છે એ જ સારું છે. દુનિયા કોઈનું નોન-સેન્સ ચલાવી લેતી નથી કારણ કે દુનિયાએ આગળ વધવાનું છે. વીસમી સદીમાંથી એકવીસમી સદીમાં અને એકવીસમીથી બાવીસમી સદી સુધી પ્રગતિ કરવાની છે. દુનિયાનાં આ બાબતનાં માપદંડ સ્વીકારી લીધાં પછી જે માણસ વિચારી શકે છે કે સફળતા માટેનાં અત્યાર સુધી સ્વીકારાયેલાં ધારાધોરણો મને મંજૂર નથી, હું નવી રીતે સક્સેસફુલ થઈશ, તે જ વ્યક્તિ આસમાનની ઊંચાઈઓને છુઈ શકે છે.

ઑલ ધ બેસ્ટ.

લાઈફ લાઈન

કોઈપણ પ્રોબ્લેમને તરત સોલ્વ કરવા બેસી જવાને બદલે એ પ્રૉબ્લેમનાં તમામ પાસા વિશે સ્પષ્ટ વિચાર કરવો, અડધી સમસ્યાઓ તો ઉકેલ શોધતાં પહેલાં જ હલ થઈ જશે.

- વિલિયમ ફીધર્સ

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.