જે જીતે એ જ સિકંદર એ વળી કેવું?
મને યાદ છે કે એ વરસો પણ કંઈક સખળડખળનાં જ હતાં. વીસ-પચીસ વર્ષ પહેલાંની વાત. મારા ત્રણ અંગત મિત્રો સાથે મલાડના કોઈ ઊંચાઈએ આવેલા પાર્કમાં હું મોડી સાંજે વાતો કરતો હતો. મેં એક નવું કામ શરૂ કરેલું અને એમાં વારંવાર અડચણો આવ્યા કરતી હતી. દોસ્તારો આગળ હું મારી વ્યથા ઠાલવતો હતો. મને એમ કે મિત્રો મને ટેકો આપશે, માર્ગદર્શન આપશે, સહાનુભૂતિ આપશે. ત્રણેય દોસ્તારો પોતપોતાની રીતે ધંધામાં સેટ હતા, અનુભવી હતા. મારી તે વખતની નિષ્ફળતાઓની પરંપરાથી વ્યથિત પણ હતા.
એક મિત્રની સલાહ હતી કે મારે હવે એ નવા કામ માટે વધારે પ્રયત્નો કરવાના છોડી દેવા જોઈએ. મારું કહેવું એમ હતું કે આપણે કરોળિયાને પણ છ વારની નિષ્ફળતા પછી સાતમો ચાન્સ આપીએ છીએ, તો મારે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. મારી જીદ સાંભળીને એ કહે, ‘આ દુનિયામાં તું કેટલીવાર ટ્રાય કરે છે ને કેટલીવાર નિષ્ફળ થઈને ફરી ઊભો થઈને ફરી પ્રયત્ન કરે છે એની કોઈ નોંધ લેવાનું નથી. અહીં તો જો જીતા વો હી સિકંદર છે...’
હું સહમી ગયો. એ પછી મોડી રાત સુધી હું ભાગ્યે જ કંઈ બોલ્યો હોઈશ. દોસ્તારોને લાગ્યું કે મને ખોટું લાગ્યું. એક્ચ્યુલી હું મારા વિચારોમાં ડૂબી ગયો હતો. અંગત દોસ્તોની કોઈ વાતનું ક્યારેય ખોટું ન લાગે. મારું વિચારમંથન શરૂ થઈ ગયું હતું. બીજે દિવસે ‘સમકાલીન’ની મારી કૉલમ માટે મેં લેખ મોકલ્યો જેનું શીર્ષક હતું : ‘જે જીતે એ જ સિકંદર શા માટે?’ પાછળથી મારા કોઈ પુસ્તકમાં પણ મેં એ લેખ લીધો હશે. અત્યારે મને યાદ નથી કે મેં એમાં શું લખ્યું હતું. પણ એટલું હું જરૂર કહી શકું કે મારામાં આવી રહેલા બદલાવનો, મારા ટ્રાન્સફૉર્મેશનનો એ પહેલો તબક્કો હતો. જિંદગીના ત્રણ -સવા ત્રણ દાયકા પછી મારો ખરા અર્થમાં જનમ થઈ રહ્યો હતો.
આગળ વધવું હશે, તમારી રીતે આગળ વધવું હશે તો તમારી સૌથી નિકટની વ્યક્તિઓને પણ અવગણવી પડશે. અવગણવી એ અર્થમાં કે એ લોકો લાઈફ માટેના એમના પોતાના દૃષ્ટિકોણને લઈને તમારા વિચારો સાથે સંમત ન થાય તો ન થાય. તમારે એમને ખુશ કરવાના કે પછી તમારી જાતને ખુશ કરવાની છે?
જિંદગીમાં બીજાઓની દૃષ્ટિએ તમારી સફળતાનું જ મૂલ્ય હશે પણ તમારા પોતાના માટે તમારી સફળતા કરતાં પણ વધારે મૂલ્ય તમે કરેલા પ્રયત્નોનું છે. સફળતાનું તો શું છે કે રાઈટ ટાઈમે, રાઈટ પ્લેસ પર હોય એવી ઘણી વ્યક્તિઓને અનાયાસે કે પછી ઓછા પ્રયત્નોથી પણ સફળતા મળી જતી હોય છે. તમે જે પ્રયત્નો કરો છો, તમે જે અનુભવોમાંથી પસાર થાઓ છો એ તમને ઘડે છે, તમારું ટિમ્બર બનાવે છે, તમને અડીખમ રહેતાં અને માથું ઊંચું રાખીને જીવતાં શીખવાડે છે.
દુનિયા માટે સફળતાનો એકમાત્ર માપદંડ પૈસા છે. અમિતાભ બચ્ચન ગમે એટલા મોટા સ્ટાર હોય, ગમે એટલા સારા એક્ટર હોય, પણ જો એ હાઉસિંગ બોર્ડના મકાનમાં વન-રૂમ કિચનમાં રહેતા હશે તો આ જ બચ્ચનજીને તમે નિષ્ફળ માનશો. પૈસો સફળતાનો માપદંડ છે એવું માન્યા પછી આપણે માની લઈએ છીએ કે પૈસો અને માત્ર પૈસો જ સફળતાનો માપદંડ છે. અહીં જ આપણી ભૂલ થાય છે. પૈસો જરૂરી છે, અનિવાર્ય છે એવું માની લઈને જિંદગીમાં પૈસાની પ્રાયોરિટી નંબર વન છે એવું માની લેવામાં આવે છે.
પૈસાની પ્રાયોરિટી લાઈફમાં નંબર વન નહીં પણ નંબર ટુની કે એની પણ પછીની છે. આજના જમાનામાં કોઈપણ મહેનતુ, પ્રામાણિક અને થોડીઘણી ટેલન્ટ ધરાવતી વ્યક્તિ માટે બે ટંકની રોટી મળે એટલું કમાવવું મુશ્કેલ નથી. મુશ્કેલી ઊભી થાય છે એ પછીની, એ ઉપરાંતની ચીજવસ્તુઓ પામવાનાં ખ્વાબ પાછળ દોડીએ છીએ ત્યારે. વધારે સારું ઘર, વધારે સારું વેહિકલ, વધારે સારી લાઈફસ્ટાઈલ - આ બધા પાછળ જાત ખર્ચાઈ જાય છે. અને ઉંમરના એક તબક્કે તમને રિયલાઈઝ થાય છે કે દુનિયાની દૃષ્ટિએ સિકંદર બનવાના પ્રયત્નોમાં તમે તમારી અસલી જાતથી કેટલા અળગા થઈ ગયા.
મેં ઘણા પૈસાદારોને ખૂબ નિકટથી જોયા છે. એમના પોતાના સર્કલમાં તેઓ સફળ ગણાય છે. બધું જ હોય છે એમની પાસે. પણ અંદરથી તેઓ સુખી નથી હોતા, આનંદી નથી હોતા, બેચેન હોય છે. જિંદગીમાં બધું જ મળી ગયા પછી પણ સતત કંઈક ખૂટતું હોય એવો અભાવ એમને સાલ્યા કરતો હોય છે.
ચંદ્રકાંત બક્ષીનું એક વાક્ય ‘ફૂટપાથ પર બેસીને રડવા કરતાં હું ફિયાટમાં બેસીને રડવાનું વધારે પસંદ કરીશ’ ઘણાને ખૂબ ગમતું હોય છે. ટીન એજમાં વાંચેલું ત્યારે હું પણ આ વાક્ય પર મુગ્ધ થઈને ઓવારી ગયો હતો. પણ હવે મને આ ફિલસૂફી, જીવવાનો આ રસ્તો ફાલતુ લાગે છે. (આમાં બક્ષીસાહેબ માટેના કોઈ અપમાનની વાત નથી. આ પ્રકારની વિચારસરણીની વાત છે.) તમને ખબર નથી કે તમારે ફિયાટ (આજની હૉન્ડા સિટી) ખરીદવી હોય છે ત્યારે એ પૈસા કમાવવા માટે તમારા સમયનો કેટલો અને કેવો ભોગ આપવો પડતો હોય છે. જિંદગીમાં તમારો ગોલ કંઈ ફિયાટ ફેરવવાનો કે પૈસા કમાવવાનો ન હોઈ શકે.
કલ્પના કરો કે તમે આયુષ્ય પૂરેપૂરું ભોગવી ચૂકવ્યા છો અને હવે મરણપથારીએ છો. તમારી જિંદગીનાં છેલ્લા 24 કલાક છે અને તમે સુધબુધ ખોઈ બેઠા નથી. પણ મૃત્યુ નિશ્ચિત છે. તો આ છેલ્લા કલાકોમાં તમને કઈ વાતો સંતોષ આપશે? તમે કઈ કઈ ગાડીઓ વસાવી હતી તે? તમે કઈ કઈ મોંઘી રેસ્ટોરાંમાં જમ્યા હતા તે? તમે કઈ કઈ મોંઘી ખરીદીઓ કરી હતી તે? તમે કેવી કેવી છોકરીઓ ફેરવી હતી તે? તમે બેન્કમાં કે તિજોરીમાં કેટલા પૈસા મૂકી રાખ્યા છે તે?
ના.
જિંદગીની એ આખરી પળોમાં આ બધી ભૌતિક કે દુન્યવી ચીજો યાદ નથી આવવાની. તમને સંતોષ આ બધું વિચારીને નથી મળવાનો. તમને શાતા એ વિચારીને થશે કે જિંદગી દરમિયાન તમે જે જે કામ કર્યા એમાંથી કયાં કયાં કામ દિલ લગાવીને કર્યાં, તમારી પેશન તમે આ બધાં કામ દ્વારા સંતોષી કે નહીં, તમારો સમય તમે એવી પ્રવૃત્તિઓમાં ગાળ્યો કે નહીં જે કરતાં કરતાં અને કર્યા પછી પણ તમને ટાઢક આપતી હતી. એ પ્રવૃત્તિઓમાંથી તમને પૈસા, પ્રસિદ્ધિ કે એવું કંઈક કદાચ ઓછું મળ્યું હશે પણ તમારા આત્માના અવાજને તમે અનુસર્યા એનો આનંદ હશે. જિંદગીના છેવાડે તમને અફસોસ થાય કે હું નકામાં સપનાંને સાર્થક કરવામાં મંડી પડ્યો હતો પણ હવે તો જિંદગી પૂરી થઈ ગઈ, ફરી મળવાની નથી, તો તમે ગમે એટલી ભવ્ય જીતો મેળવીને સિકંદરના પણ બાપ બન્યા હશો તો ય તમને લાગશે કે જીવતર ધૂળમાં ગયું.
થોડા દિવસ પહેલાં જ મેં મારા વૉટ્સએપ માટે એક સ્ટેટસ બનાવ્યું : નેવર એલાઉ પીપલ અરાઉન્ડ યુ ટુ પુલ યુ ડાઉન ટુ ધેર લેવલ.
આમાં આસપાસની વ્યક્તિઓનું અપમાન નથી. જોવાનું એ છે કે બીજાઓ હંમેશાં તમે કંઈક નવું કરવા જશો, જુદું કરવા જશો તો તમને રોકવાના જ છે. એમને કદાચ તમે નિષ્ફળ જશો એવો ભય લાગતો હશે એટલે તમારા સારા માટે કરીને તમને રોકવાની કોશિશ કરશે. તમારું વિઝન, જિંદગી માટેનો તમારો દૃષ્ટિકોણ બીજા કોઈને ગળે ન ઉતરે તો ન ઉતરે. શું થાય? તમારે કંઈ એમની તમારા માટેની અસલામતી દૂર કરવા એમના જેવા થઈ જવાની જરૂર નથી.
લાઈફલાઈન
મારી આસપાસના બધા જ અવાજો અને મારું મન પણ મને કહી રહ્યું છે કે હું ખોટો નિર્ણય લેવા જઈ રહ્યો છું. પણ ભૂલો કરવી એ તો જિંદગીનો એક હિસ્સો છે. દુનિયાને શું જોઈએ છે મારી પાસેથી? શું જગત એમ ઈચ્છે છે કે હું કોઈ જોખમ, કોઈ પડકાર ન ઉઠાવું અને જ્યાં હતો ત્યાં પાછો જતો રહું કારણ કે મારી પાસે હિંમત નથી જિંદગીને બે હાથ પહોળા કરીને આવકારવાની?
- પાઉલો કોએલો
(‘એડલ્ટરી’ નવલકથામાં)
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર