કેટકેટલાયે ઉપકારો તળે જીવાય છે આ જિંદગી

22 Jun, 2015
12:00 AM

mamta ashok

PC:

નવમું સૂત્ર તમારી આગળ રજૂ કરતાં પહેલાં મારા દિલમાં વર્ષોથી ઘૂંટાતી આવતી આ વાત કહી દઉં.

કેટકેટલા ઉપકારો હેઠળ આપણે જીવીએ છીએ, આપણને ખબર પણ નથી હોતી. નાનામોટા ઉપકારો કરનારા જાણીતા અને અજાણ્યા માણસો દરેકના જીવનમાં હોવાના. ક્યારેક તો આપણને હજુ સુધી ખબર ન પડી હોય એવા ઉપકારકો પણ જીવનમાં રહેવાના. કદાચ આજીવન આપણને એમના ઉપકાર વિશે ખબર નથી પડવાની. અને એટલે જ જ્યારે જ્યારે તક મળે જીવનમાં, આ ઋણભાર ઓછો કરવાની તક ક્યારેય જતી કરવી નહીં. આવી તક ઝડપવામાં મોડું થઈ ગયું છે એવું પણ માનવું નહીં. દેર આયે દુરસ્ત આયે...

શિક્ષકો અને અધ્યાપકોથી માંડીને સહાધ્યાયીઓ, મિત્રો, સગાં, સાથે કામ કરનારાઓ અને મારા જેવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે વાચકો. આ બધાના ઋણ હેઠળ હું જીવું છું એવો અહેસાસ મને વર્ષોથી થઈ રહ્યો છે. આ લાગણી વ્યક્ત કરવામાં કોઈ ઉદારતા, નમ્રતા કે મોટાઈ નથી - સચ્ચાઈ છે. હું જેન્યુઈનલી માનું છું કે મારા પર થયેલા અસંખ્ય ઉપકારો વિના આજે હું જે કંઈ છું તે ન હોત.

થોડાં વર્ષ પહેલાં દંતાલી-પેટલાદવાળા સ્વામી સચ્ચિદાનંદે, એમણે લખેલા પુસ્તક ‘મારા ઉપકારકો’ની નકલ મને ભેટ આપી ત્યારે મેં કૌતુકભાવથી એમને આ પુસ્તક લખવાનું કારણ પૂછ્યું હતું. એમણે કહ્યું કે ‘બસ, હવે ક્યારે જવાનું થાય કંઈ કહેવાય નહીં. મારે જતાં જતાં આ સૌનો ઋણસ્વીકાર કરતાં જવું છે.’

સ્વામીજી તો હજુ ઘણું લાંબું જીવવાના છે (અને હું પણ). ભવિષ્યમાં શક્ય છે કે મને પણ એ પ્રકારનું પુસ્તક લખવાનું મન થાય તો હું લખીશ, પુસ્તક લખાય ત્યારની વાત ત્યારે. મારા તમામ ઉપકારકોને યાદ કરીને એમાંથી માત્ર એકની વાત અહીં કરું.

પ્રથમ નોકરી લીધી ત્યારે મારા પિતા અશ્વિન શાહ સાથે ઝઘડો કરીને મેં ઘર છોડી દીધું. હૉસ્ટેલમાં રહ્યો અને ‘ગ્રંથ’ છોડીને વરસ પછી ‘જન્મભૂમિ-પ્રવાસી’ દૈનિકમાં તંત્રી હરીન્દ્ર દવે તથા મદદનીશ તંત્રી હસમુખ ગાંધીના હાથ નીચે કામ કરવાનું શરૂ કર્યું. ઘરે પાછો આવી ગયો. એ પછી ‘નિખાલસ’ સાપ્તાહિકનું સંપાદન કર્યું. એ પછી ‘ચિત્રલેખા’માં ફ્રીલાન્સિંગ શરૂ કર્યું અને 24-25 વર્ષની ઉંમરે મારી સૌપ્રથમ નવલકથા ‘વેરવૈભવ’ ‘ચિત્રલેખા’માં ધારાવાહિક શરૂ થઈ. એ ગાળામાં એક દિવસ મોડી સાંજે ઘરે આવીને પપ્પાએ મને કહ્યું કે, એમના એક એન્જિનિયર મિત્રે આજે કોઈની ઓળખાણ કરાવતાં કહ્યું કે : આ 'વેરવૈભવ'ના લેખક સૌરભ શાહના ફાધર છે.

તે દિવસે મેં પહેલીવાર પપ્પાની આંખમાં મારા કામ માટે સંતોષનો ચમકારો જોયો હતો. પછીનાં વર્ષોમાં હું મારા ક્ષેત્રમાં નવાં નવાં કામ કરતો રહ્યો. ક્યારેક ભૂલો કરતો, ક્યારેક સિદ્ધિઓ મેળવતો. મારી પર્સનલ લાઈફ અને મારી પ્રોફેશનલ લાઈફમાં જ્યારે જ્યારે ડિસ્ટર્બન્સ આવતાં ત્યારે પપ્પા સાથે બેસીને મારી મૂંઝવણો કે વ્યથાઓ ઠાલવીને એમનું ગાઈડન્સ લેવાને બદલે હું મારા કોચલામાં ભરાઈ જતો. એમની સાથે વગર કારણે ઝઘડો કરી નાખતો. એ મને કંઈક કહેવા જાય તો સામે બોલતો. અમારી વચ્ચે કંઈક એવી અદૃશ્ય દીવાલ ઊભી થઈ જતી કે પપ્પા અને હું એકબીજાની સાથે ડાયરેક્ટ કમ્યુનિકેશન કરવાને બદલે મમ્મી થ્રુ કે મારી પત્ની થ્રુ, જે કહેવાનું હોય તે એકબીજાને કહેતા.

‘મુંબઈ સમાચાર’માં મારી ‘ગુડ મૉર્નિંગ’ દૈનિક કૉલમની પહેલી સિઝન શરૂ થઈ અને ‘મિડ-ડે’માં હું તંત્રી તરીકે જોડાયો એ વચ્ચેના ગાળામાં મેં ઘર કાયમ માટે છોડી દીધું.

પછીનાં વર્ષોમાં હું થોડાં વર્ષ મુંબઈ છોડીને અમદાવાદ રહ્યો. આ બાજુ પપ્પા-મમ્મી પણ મુંબઈ છોડીને વડોદરા રહેવા આવી ગયા. પપ્પા વડોદરામાં અને હું અમદાવાદમાં. વર્ષો સુધી એમની સાથે રહ્યા પછી અલગ-અલગ ઘરમાં જ નહીં, અલગ-અલગ શહેરમાં. મને વારંવાર એમની સાથેના વ્યવહારની મારી ભૂલો યાદ આવતી. આય વૉન્ટેડ ટુ સે હિમ સૉરી. પણ મારો અહમ્ આડે આવતો. હું એમને મળવા જતો નહીં, મમ્મી સાથે ક્યારેક ફોન પર વાત કરતો. એ બોલાવતી. પણ જતો નહીં.

એક દિવસ મને રિયલાઈઝ થયું કે હું આ શું કરી રહ્યો છું? પપ્પા ઑલરેડી 70 વર્ષના છે. એમણે ક્યારેય મારું કશું બગાડ્યું નથી. ઊલટાનું મારી ભૂલોને સ્વીકારીને હંમેશાં મારા માટે સારી ભાવના રાખી છે. અમદાવાદ ગયા પછી હું પ્રેક્ટિકલી દર મહિને ડાકોર રણછોડજીનાં દર્શને જતો. એક દિવસ ડાકોરથી પાછા આવતાં મેં અમદાવાદને બદલે વડોદરાનો રસ્તો પકડ્યો. ઘરે ગયો, મમ્મીને મળ્યો. બહુ પ્રેમથી મળ્યો. મમ્મી ખુશ થઈ ગઈ. પપ્પાના ચહેરા પર કોઈ ઉમળકો નહોતો. હું સમજી શકતો હતો કે અમારા અબોલા પછી આમ અચાનક મારું ઘરે આવવું એમને નવાઈભર્યું લાગતું હશે. મમ્મીએ મને એના હાથની મને સૌથી વધારે ભાવતી વાનગી બનાવીને જમાડ્યો. રાત્રે અમદાવાદ પાછા જતી વખતે હું મમ્મીને પગે લાગ્યો. મમ્મીએ ભેટીને મને ખૂબ આશીર્વાદ આપ્યા. પપ્પાને પગે લાગવા ગયો અને એમણે પોતાના પગ પાછા લઈ લીધા. મેં મમ્મી સામે જોયું. એની આંખમાં આંસુ હતાં. મેં પણ ભરેલી આંખે ઘરેથી વિદાય લીધી.

એ પછી લગભગ છ મહિના સુધી આ ક્રમ નિયમિત ચાલ્યો. ડાકોર જઉં. ત્યાંથી વડોદરા. ઘરે જમું. મમ્મી સાથે ખૂબ વાતો થાય. નીકળતી વખતે મમ્મી આશીર્વાદ આપે, પપ્પા દર વખતે પોતાના પગ પાછા લઈ લે. પણ એક વખતે હું ડિટરમાઈન્ડ હતો. મારે હું પપ્પાનો સારો દીકરો છું એ પુરવાર કરવું હતું. એમણે મારા પર કરેલા ઉપકારો પછી મેં કરેલા ગેરવર્તનોનો પશ્ચાતાપ કરવો હતો. મારી પાસે આ માટે ઝાઝો સમય નથી તે હું જાણતો હતો. એમની તબિયતમાં કોઈ જ પ્રોબ્લેમ નહોતો પણ એમની વધતી જતી ઉંમર મારા મનમાં ધ્રાસકો પેદા કરતી હતી.

એ દિવસે ડાકોરથી વડોદરા જઈને મેં ઘરે પ્રસાદનું પડીકું આપ્યું.  અને પૂછ્યું, 'તમારા સબુરદાદા નિયમિત પૂનમ ભરતા ને...' પપ્પાએ પ્રસાદ મોઢામાં મૂકીને કહ્યું, ‘મને ગમે છે કે તું દર મહિને ડાકોરજીનાં દર્શને જાય છે.’ પછી તો એ વાતોએ વળગ્યા. એ પોતે નાના હતા, સ્કૂલમાં, ત્યારે એમના દાદા એમને દેવગઢ બારિયાથી કેવી રીતે પૂનમના રોજ ડાકોર લઈ જતા એની વાતો કરી. દર્શન પછી મંદિરના પરિસરમાં પ્રદક્ષિણા બાદ મંદિરની બહારથી એમના દાદા રૂપિયાનું પરચૂરણ લેતા-પાઈ પાઈની ઢગલીઓ મળતી અને એમાંની એક ઢગલી પપ્પાના હાથમાં આપીને બધા યાચકોને અપાવતા.

મારી અને પપ્પાની વચ્ચેનો આઈસ-બ્રેક થઈ ગયો. અમે ફરી બોલતા થઈ ગયા, એક દિવસ મેં હિંમત કરીને કહ્યું, ‘મારે તમને ને મમ્મીને ડાકોર લઈ જવા છે. આવશો મારી સાથે?’ આવ્યા. પછી મેં કહ્યું, ‘અમદાવાદ આવો ને રોકાવા.’ કોઈ પ્રસંગ હતો. આવ્યા.

મારા જીવનનો આ એમની સાથેનો બેસ્ટ ગાળો હતો. પછી મને ખબર પડી કે તે વખતે ઈ-ટીવી ગુજરાતી પર મેં જે ‘સંવાદ’ નામનો ડેઈલી ટૉક શૉ શરૂ કરેલો તે એ રોજ જોતા. રિપીટ ટેલીકાસ્ટ પણ જોતા. મમ્મીએ મને કહેલું. મને ખબર નહોતી. અબોલા તૂટ્યા પછી પપ્પા જૂના જૂના એપિસોડ્સ યાદ કરીને એના પર ચર્ચા કરતા. અમારી વચ્ચે વાતો માટે વિષયોની તો ક્યારેય કમી હોય જ નહીં. ઘણી વખત હું ડાકોરની ટ્રિપની રાહ જોયા વગર અમદાવાદથી બપોરે નીકળીને વડોદરા આવી જતો. માત્ર એમની સાથે રહેવા.

એક દિવસ મને ખબર પડી કે એમને હાર્ટની તકલીફ ઊભી થઈ છે. સ્ટેન્ટ મૂકાવાની જરૂર ઊભી થઈ. મેં એમને અમદાવાદ બોલાવી લીધા. વર્ષો પછી મને અઠવાડિયાઓ સુધી એમની ને મમ્મીની સાથે રહેવાનું મળ્યું. અમદાવાદમાં મારા ડૉક્ટર મિત્રોએ એમની ખૂબ સારવાર કરી. દિવસ દરમિયાન હું ઑફિસે હોઉં ત્યારે એમને મેઘાની કંપની મળતી. બેઉને ફિઝિક્સના વિષયમાં ખૂબ રસ પડે અને ઊંડી જાણકારી પણ ખરી. હું વિજ્ઞાનના વિષયમાં ઔરંગઝેબ. પપ્પા અમદાવાદ રહ્યા એ ગાળામાં હું મારાં પાપ ધોયા કરતો હોય એવું મને લાગતું. એમણે મારા પર કરેલા ઉપકારોનો બદલો વાળી શકું એવું તો હતું જ નહીં પણ પપ્પાને મારે કારણે ખુશ અને સ્વસ્થ જોઈને મને લાગતું કે ભગવાને પપ્પાને માંદગી આપી તેની પાછળ આ જ કારણ હોવું જોઈએ - મને એમની સાથે રહીને એમની સેવાનો મોકો મળે.

સ્ટેન્ટ મૂકાવ્યા પછી એ પાછા વડોદરા ગયા. અમારી નિયમિત મુલાકાતો ચાલુ રહી. દોઢ-બે વર્ષમાં જ ખબર પડી કે એમને મોટા આંતરડાનું કેન્સર છે અને ગાંઠ કઢાવવા ઑપરેશનની જરૂર છે.

સારવાર માટે પપ્પા અમદાવાદ આવી ગયા. અમદાવાદના બેસ્ટ ઓન્કોલોજિસ્ટને મળ્યા. ઑપરેશનની વિગતો નક્કી થઈ. એ સાંજે મેં હિંમત કરીને પપ્પાને કહ્યું કે, ‘મને લાગે છે કે ઑપરેશન કરાવતાં પહેલાં આપણે સેકન્ડ ઓપિનિયન લેવો જોઈએ.’

પપ્પા કહે, ‘વડોદરામાં ડૉક્ટરને બતાવ્યું, અહીં ફરી રિપોર્ટસ કરાવ્યા, બીજા મોટા ડૉક્ટરે પણ કન્ફર્મ કર્યું. કેટલી જગ્યાએ ફરવાનું.’

મેં આગ્રહ કર્યો કે એક જ દિવસનો સવાલ છે. કાલે સવારે મુંબઈ જઈએ, રાત્રે પાછા આવી જઈશું. પછી તમે ને ડૉક્ટરો જે કહેશો તે પ્રમાણે જ થશે.

પપ્પાએ રિલક્ટન્ટલી સંમતિ આપી. મુંબઈમાં હું મારા વડીલમિત્ર અને કેન્સર સંશોધનના અભ્યાસ માટે આંતરરાષ્ટ્રીય રેક્ગ્નિશન પામી ચૂકેલા ડૉ. મનુ કોઠારી પાસે પપ્પાને લઈ આવ્યો. બે-અઢી કલાક ડૉ. મનુભાઈએ પપ્પા સાથે વાતો કરી. પછી રિપોર્ટ્સ જોયા. કેન્સરની ગાંઠ તો હતી જ. ડૉ. મનુભાઈ કહે કે ઑપરેશન કરાવશો તો કેન્સર નાબૂદ નહીં થાય, થોડા વખત પછી બીજે સ્પ્રેડ થશે.

એમણે સલાહ આપી કે અત્યારે આ ગાંઠને કારણે તમારી નૉર્મલ શૌચક્રિયાને કોઈ તકલીફ નથી ને તમને દુખાવો પણ નથી થતો તો ઑપરેશન ન કરાવો તો સારું અને બાકી જે ખાતાપીતા હો તો મોજથી ખાઓ. બીજી કોઈ તકલીફ નથી તમને.
ડૉ. મનુભાઈની સલાહ પપ્પાને ગળે ઊતરી. અમદાવાદ પાછા જતાં એમણે મને કહ્યું કે સારું થયું તું મને ડૉ. મનુભાઈ પાસે લઈ આવ્યો. ઑપરેશન કૅન્સલ.

પછી ડૉ. મનુભાઈના કહેવા મુજબ જ થયું. બે-એક વર્ષ પછી ગાંઠને કારણે તકલીફો વધવા લાગી. ઑપરેશન અનિવાર્ય બની ગયું. છેવટે ઑપરેશન કરાવ્યું અને ડૉ. મનુભાઈએ જે કહ્યું હતું તે જ થયું - ઑપરેશન પછી એમની આવરદા દોઢ-બે વર્ષમાં પૂરી થઈ.

ડૉ. મનુભાઈની મુલાકાત અને ઑપરેશન વચ્ચેના બે-એક વર્ષના ગાળામાં પપ્પાને મેં ખૂબ ખુશ જોયા. બહુ સરસ જીવ્યા. ડૉ. મનુભાઈને લીધે એમનું આયુષ્ય બે વર્ષ સુધી લંબાયું એટલું જ નહીં પણ એ બે વર્ષની ક્વૉલિટી લાઈફ એમને મળી. પપ્પાના અવસાન પછી મને સંતોષ એ વાતનો રહ્યો કે કુદરતે અને ડૉ. મનુભાઈએ પપ્પાને જે આ બે વર્ષની ભેટ આપી તેમાં હું નિમિત્ત બની શક્યો.

હું નથી કહેતો કે પપ્પાના ઉપકારોનો હું બદલો વાળી શક્યો છું. એમના ઋણમાંથી તો હું ક્યારેય મુક્ત થઈ શકવાનો નથી. પપ્પાની જેમ મારી જિંદગીમાં એવી અસંખ્ય વ્યક્તિઓ છે અને હોવાની જેમના ઉપકારનો બદલો હું ક્યારેય ચૂકવી શકવાનો નથી. માટે જ જિંદગી જીવવાનાં મારાં દસ સુવર્ણ સૂત્રોમાંનું નવમું સૂત્ર છે :

દુનિયામાં કંઈકનો હું કરજદાર છું ‘મરીઝ’
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે

જિંદગીમાં જ્યારે જ્યારે કંઈક સારું બનતું રહ્યું છે ત્યારે મને ‘મરીઝ’ની આ પંક્તિઓ યાદ આવી છે. માણસ ગમે એટલા મોટા અહમમાં રહે એ, એકલો કશું જ કરી શકતો નથી. એની નનામી ઊંચકવા માટે જેમ બીજાઓના ખભાની જરૂર પડે છે એમ એની હસ્તી દરમિયાન પણ એને બીજાઓના સહારાની જરૂર પડવાની જ છે.

આવતા સોમવારે આ સિરીઝ પૂરી. લાંબુ થઈ ગયું જરા.

લાઈફલાઈન

જનાજો જશે તો જશે કાંધે કાંધે
જીવન પણ ગયું છે સહારે સહારે
                               - ‘મરીઝ’

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.