લીડરશિપ એટલે

28 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

આમ તો આ વિષય પર બજારમાં અઢળક પુસ્તકો ઉપલબ્ધ છે અને એના પરથી લખાયેલાં ગુજરાતી પુસ્તકો પણ ઢગલાબંધ મળે છે. મારે અહીં મારા અનભવો પરથી, મેં નજીકથી જાણેલાં ઉદાહરણો પરથી તેમ જ મેં મનમાં સંઘરી રાખેલી કેટલીક કન્સેપ્ટ્સ પરથી લીડરશિપ વિશે વાત કરવી છે.

એક પછી એક મારા મુદ્દા કહેતાં પહેલાં થોડી પાયાની વાત. બાળક નાનું હોય અને એનો ભાઈ કે બહેન જન્મે ત્યારથી એનામાં લીડરશિપનાં ગુણ કેળવાવા માંડે. મોટા થયા પછી જો આ ગુણો પ્રોપર્લી ખીલે તો દોસ્તો-ફ્રેન્ડસર્કલમાં સોર્ટ ઑફ લીડર બને, તોફાની બારકસ હોય તો રિંગ લીડર બને. ભણી ગણીને નોકરી-ધંધો કરતી વખતે પણ એનામાં આ ગુણ દૃઢ થયા હોય તો કામ લાગે.

મારા મુદ્દા:

  • સૌથી મોટી મિસકન્સેપ્ટ એ છે કે ટીમના લીડર બનવું હોય તો જ લીડરશિપના ગુણો કેળવવા પડે, ટીમ-મેમ્બર તરીકે લીડરશિપના ગુણોની કોઈ જરૂર નથી કારણ કે તમને લીડ કરનારી વ્યક્તિ તો ઓલરેડી છે જ, લીડ કરવાની જવાબદારી, ભવિષ્યનું આયોજન એ બધું એના હાથમાં છે. તો પછી નૉર્મલ ટીમ-મેમ્બરમાં નેતૃત્વનાં ગુણોની શું જરૂર છે -આ એક ખોટી માન્યતા છે, લીડરશિપ વિશે વાંચતાં, જાણતાં પહેલાં આ વાત મનમાંથી કાઢી નાખવી કે જે નેતા હોય એનામાં જ નેતાગીરીના ગુણ જોઈએ.

  • આવું એટલા માટે કે, આદર્શ લીડર જ્યારે લીડર બને છે તે પહેલાં એનામાં આદર્શ ફૉલોઅરનાં ગુણો હોવા જરૂરી છે. કોઈનો આદેશ માથે ચડાવવાની ટેવ હોય તો જ ટીમમાં રહીને સહકારની ભાવના સાથે કામ કરવાની ટેવ પડે. ફૉલોઅર તરીકે જો તમે તમારા ટીમ લીડરનું કહ્યું ન માનતા હો, વારેવારે રિબેલ થઈને જીભાજોડી કરતા હો (નક્કર ચર્ચા કે ડિસ્કશન એક વાત છે, એ જરૂરી છે. પણ દલીલબાજી કે આર્ગ્યુમેન્ટેટિવનેસ અલગ વાત છે, એ હાનિકારક છે) તો થઈ રહ્યા તમે આગળ વધીને લીડર. આવા લોકો ન તો સારા ફૉલોઅર બની શકે એટલે કે ન સારા ટીમ પ્લેયર બની શકે છે અને ન તો સારા લીડર બની શકે છે. એમણે પછી એકલો જાને રેનું ગાણું આખી જિંદગી ગાવું પડે. જીવનમાં નવ્વાણું ટકા ક્ષેત્રોમાં માણસ પોતાના એકલપેટા સ્વભાવ સાથે કશું ઉકાળી શકતો નથી.

  • લીડર બનવા માટે સૌથી મોટી જરૂર સહનશક્તિની પડે. તમારું ધાર્યું દર વખતે થવાનું નથી એ સ્વીકારી લેવું પડે, છતાં હિંમત રાખીને આગળ વધતાં રહેવું પડે. સહનશક્તિની સૌથી પહેલી પરીક્ષા તમારે ટીમ-મેમ્બર તરીકે આપવાની હોય છે. તમે ઈચ્છતા ન હો તે છતાં લીડરના નિર્ણયોને તન-મન-ધનથી સ્વીકારીને એનો અમલ કરવાની ટેવ પડે તો જ આગળ વધીને ટીમ લીડર તરીકે તમારી સામે આવી પરિસ્થિતિ આવીને ઊભી રહે ત્યારે તમે એમાંથી સફળતાપૂર્વક પાર પડો.

  • લીડરશિપ એટલે તમારી ટીમના સૌથી નબળા મેમ્બરને પણ સાથે લઈને ચાલવાની કળા, ટીમના બધા જ મેમ્બર્સ એક સરખી યોગ્યતા ન ધરાવતા હોય એ શક્ય છે. આવા સંજોગોમાં નબળા સભ્યોને કોસવાને બદલે, એને ઉતારી પાડવાને બદલે કે એની ખામીઓને તમારી ખૂબીઓથી ઢાંકી દેવાની તમારામાં આવડત હોવી જોઈએ.

  • લીડર તરીકે તમારી ટીમના સૌથી શક્તિશાળી મેમ્બરને ટેકલ કરવાની આવડત  હોવી જોઈએ. શક્ય છે કે એ સભ્ય ટેલન્ટમાં તમારા કરતાં પણ આગળ હોય. આને લીધે એનામાં ઈગો પણ મોટો હોય એવું બને. પોતે લીડર નથી, ફૉલોઅર છે એનું ફ્રસ્ટ્રેશન પણ હોય. ક્યારેક એ જાણી જોઈને, લીડર એના મિશનમાં નિષ્ફળ જાય એવા પેંતરા કરતો હોય એવું પણ બને. આવા સમયે લીડરે પેંતરાબાજી કે ઈન્ટરનલ પોલિટિક્સનો આસાન તરીકો અપનાવવાને બદલે એની આવી બીહેવિયરનાં કારણે સમજવાં જોઈએ. એની વર્તણૂકને લીધે માત્ર લીડરના જ નહીં આખી ટીમના પરફૉર્મન્સ પર કેવી અને કેટલી અવળી અસર પડી શકે છે તે ખુલ્લા દિલે, કોઈ આકરી ભાષા વાપર્યા વિના એને સમજાવવું જોઈએ. એના જેન્યુઈન વાંધા સ્વીકારવા જોઈએ અને સોલ્વ કરવા જોઈએ અને એના ઉપયોગી સૂચનોને, લીડર તરીકેનો પોતાનો ઈગો વચ્ચે લાવ્યા વિના અમલમાં મૂકવાં જોઈએ - આ સૂચનો એનાં છે એવું આખી ટીમ વચ્ચે જાહેરમાં સ્વીકારીને, એને જશ આપવો જોઈએ.

  • લીડર પાસે માત્ર ભવિષ્યનો નકશો જ હોવો જરૂરી નથી, ભવિષ્યમાં આવનારાં વિઘ્નોને પહોંચી વળવાનું પ્લાનિંગ હોવું પણ અનિવાર્ય છે. જિંદગીમાં કોઈ પણ કામ ક્યારેય ધાર્યા મુજબ પાર પડતું નથી. આગળ વધતાં જાઓ એમ એ કામમાં પ્રેક્ટિકલ ડિફિકલ્ટીઝ દેખાવા માંડે જેને પ્લાનિંગના સ્ટેજ પર તમે કદાચ અવગણી હોય. અને કદાચ ધ્યાનમાં રાખી પણ હોય તો એના ઉકેલ તમે કાગળ પર જે વિચારી રાખ્યા હતા તેના કરતાં વ્યવહારમાં કંઈક જુદા જ હોય એવું બને. લીડર બનવા માટે દીર્ઘદૃષ્ટિની જરૂર છે એવું જ્યારે કહેવામાં આવે છે ત્યારે એનો મતલબ એ કે એની પાસે થ્રી સિકસ્ટી ડિગ્રીનો વ્યૂ હોવો જોઈએ.

  • લીડરશિપ હાથમાં આવી એટલે બધી જ વાતોએ તમે એક્સપર્ટ થઈ ગયા એવું જરૂરી નથી. જે જે પેટા વિષયોમાં તમારી નિપુણતા ન હોય તે ક્ષેત્રોના નિષ્ણાતો પાસેથી તમારા વિઝન મુજબ યોગ્ય સૂચનો મેળવતાં આવડવું જોઈએ. ક્યારેક એવું બને કે કોઈ પેટા વિષયમાં તમારી સહેજ પણ ચાંચ ન ડૂબતી હોય. એવા વખતે એ વિષયની પાયાની જાણકારી મેળવવી જોઈએ - યોગ્ય વ્યક્તિને પ્રશ્નો પૂછી પૂછીને કોઈની પાસે સૉલ્યુશન માગતાં પહેલાં તમને સારી રીતે ખબર હોવી જોઈએ કે તમારો પ્રોબ્લેમ કયો છે, એ પછી નિષ્ણાતને તમારા મિશન વિશે સમજાવવું પડે, તો જ એ તમારા પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવીને તમને તમારા ગોલ સુધી પહોંચવામાં મદદરૂપ થઈ શકે.

  • ટીમ લીડરની બીજી સૌથી મોટી કસોટી મિશન જ્યારે સફળતાપૂર્વક પાર પડે ત્યારે થતી હોય છે. સ્વાભાવિક છે કે આખા મિશનનો ચહેરો તમે હો એટલે લોકો તમને જ અભિનંદન આપવા દોડી જવાના. તમને ખબર છે કે આ મિશન તમે એકલા હાથે પાર નથી પાડ્યું. ટીમ મેમ્બર્સને તમારી સફળતાના ભાગીદાર નહીં બનાવ્યા હોય તો ભવિષ્યમાં બીજી કોઈ ટીમના લીડર તરીકે કામ કરવાનું આવશે ત્યારે તમારો એ સ્વભાવ નવા ટીમ-મેટ્સને ખૂંચવાનો. બીજાઓનો જશ લેવાની કોશિશ તો કરવી જ નહીં. તમારું વિઝન કેટલું મોટું છે, તમારામાં કેટલી બધી દીર્ઘદૃષ્ટિ છે, તમારા વિના તમારી ટીમના મેમ્બર્સ એકડા વિનાના મીંડાં જેવા છે એવી ભાવના જાગે ત્યારે વિચારવાનું કે તમારી કેપેસિટીને 1ને બદલે 10 કે 100 કે 1000 જેટલી કરનારાં આ મીંડાં જ છે, એ ન હોત તો તમે માત્ર 1 જ ગણાતા હોત.

  • મિશન ફેલ જાય કે ગોલ સુધી પહોંચવામાં તમે નિષ્ફળ જાઓ ત્યારે બ્લેમગેમમાં પડવાને બદલે ફેઈલ્યોરની તમામ જવાબદારી લીડરે પોતાના માથે લઈ લેવી પડે. ભલે એમાં પોતાનો જરા સરખો વાંક ન હોય. પણ ટીમ મેમ્બર્સ પર દોષારોપણ ન થાય એટલે ન જ થાય, તમને લીડરશિપ ઑફર થઈ કે મળી અને તમે એ સ્વીકારી ત્યારથી જ નક્કી થઈ ગયું હતું કે ધાર્યું કામ પાર નહીં પડે તો અપયશનો ટોપલો તમારા પર જ ઢોળાવાનો છે. જે લીડર પોતાની ટીમની નિષ્ફળતા માટે પોતે જવાબદાર છે એવી નૈતિક ફરજ બજાવવાનું ચૂકી જાય છે તેની લીડરશિપના દહાડા પૂરા થઈ ગયા સમજો.  જે લીડર આવી જવાબદારી સ્વીકારી લે છે તેને બીજી એક તક આપવા દુનિયા તૈયાર જ હોય છે.

  • છેલ્લી વાત એ કે પર્વતારોહકોમાં જે કહેવત છે તે યાદ રાખવાની : ઉપર જવું કમ્પલસરી નથી પણ નીચે ઊતરવું ફરજિયાત છે. અર્થાત્ શિખર ભણી પ્રયાણ કરવું કે ન કરવું એ તમારા હાથમાં છે, તમારી પાસે વિકલ્પ છે. પણ જો તમે શિખર પર જવાનો નિર્ણય લઈ લીધો તો નીચે આવવું કે નહીં એવો વિકલ્પ તમને મળવાનો નથી, તમારે આવવું જ પડશે.

જે લીડર આ ફિલસૂફીને પચાવીને લીડરશિપનાં વર્ષો ગાળે છે એ લીડરને ભવિષ્યમાં પોતે લીડર ન હોય ત્યારે પણ જિંદગીનો, કામનો આનંદ માણતાં કોઈ રોકી શકતું નથી.

લાઈફ લાઈન:

જિન્હેં શૌક થા, અખબાર કે પન્નોં મેં બને રહને કા,
સમય બીતા ઔર વો રદ્દી કે ભાવ બિક ગયે.

- વૉટ્સ એપ પર વાંચેલું.

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.