અવિનાશી શું હોય છે જગતમાં અને જીવનમાં
તમે ગયા સોમવારનો લેખ ન વાંચ્યો હોય તો એ વાંચ્યા પછી જ આ અઠવાડિયાનો લેખ વાંચશો.
વનસ્પતિ સજીવ છે. છતાં ગુલાબનું ફૂલ કરમાઈને ખરી પડે છે ત્યારે બીજાં ગુલાબો એકબીજાંને પૂછતાં નથી કે પેલા ખરી પડેલા ગુલાબનો આત્મા ક્યાં ગયો? કીડીમાં પણ જીવ છે છતાં એક કીડીનો મૃતદેહ જોઈને બાકીની કીડીઓને આત્મા વિશે સવાલ થતો નથી. આત્મા વિશેના પ્રશ્નો માણસને જ થાય છે કારણ કે એ વિચારી શકે છે.
આત્મા વિચારને કારણે જન્મે છે. આત્માનું અસ્તિત્વ માત્ર વિચારના સ્તર પર છે. આત્મા એક કન્સેપ્ટ છે અને કન્સેપ્ટને એક પ્રતીકરૂપે સમજવાની હોય, એને એક રૂપક ગણીને જીવનના તત્ત્વજ્ઞાનમાં ઊંડા ઉતરવાનું હોય.
એને બદલે થયું છે શું? આત્માની આગળપાછળ એક મસમોટી જાળ ગૂંથી લેવામાં આવી. આત્માની કન્સેપ્ટને વૈચારિક સ્તરેથી ઉપાડીને એને લગભગ લગભગ ભૌતિક સ્તરે લઈ ગયા અને પછી તો એનાં વર્ણનો, ક્યારેક તો ચિત્રાત્મક વર્ણનો થવાં લાગ્યાં. આત્માનું તેજ બતાવવા ચિત્રમાં આભામંડળ મૂકાય અને મૃત્યુ પછી આત્મા શરીર છોડીને જતો હોય એવું દર્શાવવા શરીરમાંથી અવકાશ ભણી જતો તેજલિસોટો દેખાડાય. મારે ખૂબ નમ્રતાપૂર્વક કહેવું છે કે આત્મા વિશેની આવી ભ્રમણામાંથી બહાર આવ્યા વિના કોઈ પણ વ્યક્તિનો ખરો વિકાસ થવો શક્ય નથી.
આત્મા એટલે માણસના વિચારો તથા એના અનુભવોમાંથી ઘડાયેલું એનું અંગત માનસિક વિશ્વ. હૃદયનું કામ યાંત્રિક રીતે શરીરના સંચાલનમાં ભાગ લેવાનું. મનુષ્ય માત્ર હૃદય નામના શરીરના એક અગત્યના અવયવને લીધે કે માત્ર અન્ય તમામ અવયવોને લીધે જીવતો નથી. એ પોતાની પાસેના માનસિક વિશ્વને કારણે પણ જીવે છે.
કોઈના મૃત્યુ પછી આપણે જ્યારે એમને શ્રદ્ધાંજલિ આપતાં કહીએ છીએ કે એમનો આત્મા બહુ ઊંચી કોટિનો હતો ત્યારે એમ કહેવા માગીએ છીએ કે એમણે જીવનના અનુભવો દ્વારા તથા પોતાના વિચારો દ્વારા એક એવા અંગત માનસિક વિશ્વનું સર્જન કર્યું, જેને કારણે એમને પોતાને તો જીવવાનો આનંદ-સંતોષ મળ્યો જ, એમણે તો પોતાનું જીવન સાર્થક કર્યું જ, ઉપરાંત એમને કારણે એમની આસપાસની દુનિયાના લોકો પણ આનંદ-સંતોષનો સ્પર્શ અનુભવતા થયા.
માણસના સ્વભાવ તથા એના અસલ વ્યક્તિત્વના સરવાળામાંથી આ આત્મા સર્જાય છે. સ્વભાવના અર્થાત્ વ્યક્તિત્વના ઘડતરના પાયામાં માણસના જીવનના અનુભવો/વિચારો હોય છે. માણસના આ અનુભવો તથા વિચારો દ્વારા ઘડાતા સ્વભાવનું અને વ્યક્તિત્વનું કાઠું એટલું મજબૂત હોવું જોઈએ કે બહારનું કોઈપણ પરિબળ એને નાનો સરખો ઘસરકો ય ન કરી શકે. કોઈના દબાણ હેઠળ ઝૂકી જતા વ્યક્તિત્વની કે કોઈના ડરને લીધે ઢંકાઈ જતા મનુષ્યના અસલી સ્વભાવની જ્ઞાનીઓએ તથા મનીષીઓએ દયા ખાધી છે. એમણે ભગવદ્દ ગીતાના સાંખ્યયોગમાં કહ્યું કે આત્માને શસ્ત્ર છેદી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતું નથી, વાયુ સૂકવી શકતો નથી :
નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવક:
ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુત:
અને મહર્ષિ વેદવ્યાસે જ્યારે કહ્યું કે ન હન્યતે હન્યમાને શરીરે, આ આત્મા કદી જન્મતો નથી અને મરતો પણ નથી અર્થાત્ એ નિત્ય છે, અવિનાશી છે ત્યારે એમને શું અભિપ્રેત હતું? અવિનાશી શું હોઈ શકે જીવનમાં? જીવનનાં મૂલ્યો, જીવન જીવવામાં હોકાયંત્રની જેમ કામ લાગતા સિદ્ધાંતો તથા જીવનની ગુણવત્તા માપવાની ફૂટપટ્ટી જેવી નીતિમત્તા. અવિનાશી આ મૂલ્યો, સિદ્ધાંતો, નીતિમત્તા છે. પૃથ્વી પર જ્યાં સુધી મનુષ્ય વસે છે ત્યાં સુધી આ સઘળું રહેવાનું કારણ કે એના (આ મૂલ્યો, નીતિમત્તા, સિદ્ધાંતો) દ્વારા જ જગતનું સંચાલન ઠીક રીતે થઈ શકે એમ છે, એવું આપણે જોઈ લીધું છે, આપણા પૂર્વજોએ પણ જોઈ લીધું, આપણા પછીની પેઢીઓને પણ એ જ અનુભવ થવાનો છે. એક આખી જનરેશન વૃદ્ધ થઈ જાય, મૃત્યુ પામે, નવી પેઢી દુનિયાને ભોગવતી થઈ જાય, સંભાળતી થઈ જાય તો પણ આ મૂલ્યો, નીતિમત્તા, સિદ્ધાંતોનું મહત્ત્વ નામશેષ નથી થવાનું. હા, જમાના મુજબ એમાં ફેરફારો જરૂર આવે છે, પણ એ ફેરફારો એટલે કેવા ફેરફારો? ચાર પગે ચાલતો મનુષ્ય ઉત્ક્રાંતિ દરમિયાન બે પગે ચાલતો થઈ જાય એ પછી એને વાંદરાની જેમ એક ડાળીએથી લટકીને બીજી ડાળીએ જવા માટે પૂંછડીની જરૂર ન રહે ત્યારે ક્રમશ: એ અવયવ શરીરમાંથી નામશેષ થઈ જાય. બસ, એવો ફેરફાર થાય, એ સિવાયનો નહીં.
આત્મા અમર છે એનો અર્થ એ કે આ મૂલ્યો, સિદ્ધાંતો, નીતિમત્તા જેવાં સદ્દગુણો અમર છે. કોઈ પ્રામાણિક વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે આ જગતમાંથી પ્રામાણિકતા મરી પરવારતી નથી. ગાંધીજીના ગયા પછી જગતમાંથી સત્ય નામશેષ થઈ જતું નથી. શાશ્વત તથા અવિનાશી એવા સદ્દગુણોથી ઘડાતા સ્વભાવમાંથી અને વ્યક્તિત્વમાંથી સર્જાતા વિચારોને ધાકધમકીથી કોઈ ડરાવી શકતું નથી. એને કોઈનાય શસ્ત્રનો ડર નથી હોતો, ન તો અગ્નિ-પાણી જેવાં નૈસર્ગિક તત્ત્વો એનું કશું બગાડી શકવાનાં. મનુષ્યના જીવનમાં કુદરતે સર્જેલા સંજોગો દરમિયાન પણ આ સદ્દગુણો અડીખમ રહે છે. માટે જ કોઈ મૃત્યુ પામે છે ત્યારે શોક ન કરવા માટે જે સાંત્વન અપાય છે તેમાં કહેવાય છે કે એનો માત્ર દેહ ગયો, આત્મા નહીં, એના સદ્દગુણો મરી પરવારવાના નથી. એ સદ્દગુણો હવે તમને કોઈક અન્ય વ્યક્તિમાં અનુભવવા મળશે. આત્માની સમજને આવા વ્યવહારુ તથા તદ્દન સરળ સ્તરે લઈ ગયા પછી જિંદગીની ગૂંચ ઓછી થાય છે અને જીવનની ગંભીરતા વધે છે.
મને એક બીજો વિચાર આવે છે આત્મા વિશે. આત્મા અમર છે એ વાતને આપણે આ રીતે પણ સમજી શકીએ કે કાલ ઊઠીને હું મૃત્યુ પામીશ ત્યારે મારા વિચારો, મારા સ્વભાવની લાક્ષણિકતાઓમાંથી પ્રગટતું મારું વર્તન, આ બધું જ એક નાનકડા અંશરૂપે તમારામાં તો જીવતું રહેવાનું જ છે. તમે એટલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મારી નિકટ રહેલી તમામ વ્યક્તિઓ. જેમ અત્યારે મારામાં એવા બધા જ લોકોના વિચારો-વર્તનોનો અંશ જીવે છે જેમની હું નિકટ હતો. મારા પિતા, મેં વાંચેલા લેખકો, મેં સાંભળેલા સંગીતના સર્જકો વગેરે - આ બધાનો નાનકડો અંશ એમના સ્વર્ગસ્થ થયા પછી પણ મારામાં જીવે છે.
મારા ગયા પછી તમારામાં જે મારો એક અંશ જીવતો રહેશે એમાં આ બધાનો અંશ પણ હોવાનો. અર્થાત્ તમારામાં મારા ઉપરાંત મારા પિતા, એ લેખકો, એ સંગીતકારો વગેરેનો અંશ પણ જીવવાનો અને ભવિષ્યમાં તમે સો વર્ષનું આયુષ્ય પૂરું કરશો ત્યારે તમારી નિકટની વ્યક્તિઓમાં તમારો એક અંશ જીવવાનો જે અંશમાં મારો પણ એક અંશ હશે, જે અંશમાં મારા પિતા વગેરેના અંશો છે.
આમ પિતા, લેખકો, સંગીતકારો વગેરેનો આત્મા મારામાં જીવે છે. ભવિષ્યમાં તમારામાં અને લાંબા ભવિષ્યમાં તમારા નિકટના લોકોમાં જીવશે. તેઓનો આત્મા આ અર્થમાં અમર છે, અને આ જ અર્થમાં મારો, તમારો, આપણા સૌનો આત્મા અમર છે.
આત્માની આટલી સાદી સરળ સમજ અપનાવવાને બદલે આપણે જ્યારે બીજાઓના દોરવ્યા દોરવાઈ જઈએ છીએ ત્યારે જીવન ગૂંચવાઈ જાય છે.
આવતા અઠવાડિયે મોક્ષની વાત કરીને પૂરું કરીએ.
લાઈફ લાઈન :
તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે?
તો લખો.
તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે?
તો લખો.
તમને કંઈ પણ આવડતું નથી એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે?
તો લખો.
- સુરેશ દલાલ
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર