કોઈ ઉપકાર કરે ત્યારે અને કોઈના પર ઉપકાર કરો ત્યારે

25 Jan, 2016
12:05 AM

mamta ashok

PC:

‘સમયનું વહેણ ફરી વળે છે ત્યારે ઉપકાર એમાં પહેલો તણાઈ જાય છે. સૌંદર્ય કરતાં પણ પહેલો.’

મારિયો પૂઝોની જગવિખ્યાત બેસ્ટ સેલર નવલકથા ‘ધ ગૉડફાધર’નું આ વાક્ય છે : ટાઈમ ઈરોડ્સ ગ્રેટિટ્યુડ મોર ક્વિકલી ધેન ઈટ ડઝ બ્યૂટિ.

બહુ ઊંડાણભરી ફિલસૂફી આમાં ભરેલી છે. આ વાક્ય નવલકથામાં કયા તબક્કે આવે છે તેની બહુ ઈન્ટરેસ્ટિંગ વાત તમને કહું.

અમેરિગો બૉનાસેરા નામનો એક ઈટાલિયન ફ્યુનરલ પાર્લરનો માલિક છે. ફ્યુનરલ પાર્લર એટલે જેની પાસે કૉફિન બનાવવાથી માંડીને મૃતદેહનું એમ્બામિંગ કરીને એને કેટલાક વધુ કલાક/દિવસ સાચવવા માટેની સગવડો હોય, તેમ જ અંતિમદર્શન વખતે મૃતદેહનો ચહેરો વિકૃત ન લાગે એ માટે એની સાજસજ્જા કરી શકે એવી નિપૂણતા હોય એવો ઘોરખોદિયો. જોકે, ઘોરખોદિયો અપમાનજનક શબ્દ કહેવાય પણ ડૉન કૉલીઓન એના માટે આ જ શબ્દ વાપરે છે જ્યારે એ ડૉન પાસે મદદ માગવા આવે છે. અમેરિગોની દીકરી, ડૉન અને એનાં પત્નીની માનેલી દીકરી જેવી છે છતાં અમેરિગોએ ક્યારેય ડૉનને પોતાને ત્યાં કૉફી પીવા પણ નથી બોલાવ્યો. છતાં એક દિવસ એ ડૉનની પાસે મદદ માગવા જઈ પહોંચે છે કારણ કે એની દીકરી પર બે છોકરાઓએ બળાત્કાર કરવાની કોશિશ કરી અને દીકરી જ્યારે એ મવાલીઓને વશ ન થઈ ત્યારે બંનેએ એને એવી મારી એવી મારી કે બિચારીનું જડબું તૂટી ગયું અને બે મહિના હૉસ્પિટલાઈઝ્ડ થવું પડ્યું. પોલીસ કેસ થયો પણ પેલા બે શ્રીમંત-વગદાર બાપના નબીરાઓ છૂટી ગયા. દીકરીના અપમાનનો બદલો લેવા અમેરિગો ગૉડફાધર ડૉન કૉર્લીઓનના શરણે ગયો. ડૉન અમેરિગોથી નારાજ હતો કે તું તો શરમનો માર્યો અમારી સાથે સંબંધ રાખતો નથી, છતાં ડૉને એનું કામ કરી આપ્યું. પોતાના માણસો દ્વારા બેઉ છોકરાઓને જિંદગી આખી યાદ રહી જાય એવો અચ્છોખાસો પાઠ ભણાવ્યો.

ડૉને તે વખતે અમેરિગો બોનાસેસને કહ્યું હતું કે, ‘ભલે, તને ઈન્સાફ મળશે, કોઈક દિવસ, અને એવો દિવસ કદાચ ક્યારેય નહીં આપે, પણ કોઈક દિવસ તારું કામ પડશે ત્યારે હું તારી પાસે આવીશ. ત્યાં સુધી ઈન્સાફને મારી વાઈફ તરફથી, તારી દીકરીની ગૉડમધર તરફથી મળેલી બક્ષિસ માનજે.’

પણ કમનસીબે ડૉનની જિંદગીમાં એવો દિવસ આવ્યો, જેનો ધંધો માનવ મૃતદેહ સાથે પનારો પાડવાનો હતો તે અમેરિગો બોનાસરાને ડૉન વતી ડૉનના કૉન્સિલિયરી ઊર્ફે ધંધાના સલાહકાર ટૉમ હેગનનો ફોન આવે છે. કઠોર અને ટેન્શનવાળા અવાજે સામેના છેડેથી બોલાય છે : ‘ટૉમ હેગન વાત કરું છું.. ડૉન કૉર્લીઓનના કહેવાથી એમના વતી ફોન કર્યો છે.’

આટલું સાંભળતાં જ અમેરિગો બોનાસેરાના હોશકોશ ઊડી જાય છે, પોતે રિસ્પેક્ટેબલ સોસાયટીમાં રહેતો હોવાથી ડૉન કૉર્લીઓન સાથે ઊઠબેસ તો શું લટકસલામના સંબંધોય નહોતા રાખ્યા. પણ એક વર્ષ પહેલાં દીકરીની હાલતનો બદલો લેવા કર્જ માથે લીધું હતું અને વીતેલા બાર મહિનામાં એ સાવ ભૂલી ગયો હતો કે ક્યારેકને ક્યારેક આ ઋણ ઉતારવાનું રહેશે. દીકરીને ચૂંથી નાખનાર પેલા બે બદમાશોના ચૂંથાયેલા ચહેરાના ફોટા છાપામાં જોયા ત્યારે એ ડૉનનો એટલો અહેસાનમંદ થઈ ગયો હતો કે એમના માટે એ કંઈ પણ કરવા તૈયાર હતો, પણ જિંદગી પર જ્યારે સમયનું વહેણ ફરી વળે છે ત્યારે ઉપકાર એમાં પહેલો તણાઈ જાય છે, સૌંદર્ય કરતાં પણ વહેલો. બોનાસેરાને પોતાનો સર્વનાશ દેખાતો હોય એમ એનું મગજ ભમી જાય છે. એ લથડિયા ખાતા અવાજે ટૉમ હેગનને જવાબ આપે છે, ‘હા, હું સમજું છું, સાંભળું છું.’

ટૉમ હેગન કહે છે : ‘ડૉનનું દેવું તારા માથે છે... એમને વિશ્વાસ છે કે તું એમનો કરજો ચૂકતે કરવાનો છે. અહેસાન ઉતારવાની તને આ તક મળી છે એ જાણીને ખુશી થશે એની પણ એમને ખાતરી છે એક કલાકમાં..., ડૉન તારા ફ્યૂનરલ પાર્લર પર તારી મદદ માગવા આવવાના છે. એમને આવકારવા તું હાજર રહેજે. તારા કોઈ માણસોને ત્યાં રાખતો નહીં, બધાને ઘરે મોકલી દેજે. તને કોઈ વાંધો હોય તો અત્યારે જ કહી દે, હું ડૉન કૉર્લીઓનને જણાવી દઈશ. મદદ માટે એમની પાસે બીજા પણ મિત્રો છે.’

અમેરિગો બોનાસેરા ભયનો માર્યો લગભગ ચિલ્લાઈને બોલી ઊઠે છે, ‘ગૉડફાધરને હું ના પાડીશ એવું તમે વિચાર્યું પણ કેવી રીતે? હું કરીશ, એમનું જે કામ હશે તે કરીશ. મારા માથે એમનું અહેસાન છે, હું ભૂલ્યો નથી.'

અને વાત આગળ ચાલે છે.

આપણે મુસીબતમાં હોઈએ ત્યારે ડેસ્પરેટ બનીને ગમે તેની મદદ લઈ લેવા તૈયાર હોઈએ છીએ. ક્યારેક એ સારું પણ હોય છે અને ક્યારેક એમાં આપણી ખોટી ઉતાવળ હોય છે. ક્ષણિક આવેશના સમયે આપણે જેની મદદ લેવા નથી માગતા એવા વ્યક્તિની આગળ હાથ લાંબો કરીએ છીએ ત્યારે આપણે એના ઉપકાર હેઠળ દબાઈ જતા હોઈએ છીએ. ભવિષ્યમાં વિચારતાં એવું લાગે કે શું કામ આ મદદ લીધી. નહીં લીધી હોત તો થઈ થઈને કેટલું નુકસાન થયું હોત. જે નુકસાન થયું હોત તે જો તે વખતે સહન કરી લીધું હોત તો અત્યારે આવી કફોડી પરિસ્થિતિમાં મૂકાયા ન હોત.

બીજા એક એન્ગલથી જોઈએ. કોઈના પર ઉપકાર કરીને ભૂલી જવું જોઈએ. એ ઉપકારને આપણે એ વ્યક્તિમાં કરેલા ઈન્વેસ્ટમેન્ટ તરીકે યાદ ન રાખવાનું હોય. કારણ કે એ વ્યક્તિ પોતાની ગમે એવી સારી દાનત હોવા છતાં સમય વીતી જશે એમ તમારા એ ઉપકારને યાદ નથી રાખવાની. યાદ નથી રાખવાની એનો મતલબ એ કે એ ઉપકારનું તે વખતે કેટલું મહત્ત્વ હતું, પરિસ્થિતિની ગંભીરતા કેટલી મોટી હતી, કેવી ગ્રોવિટી હતી એ બધું એને યાદ નથી રહેવાનું. અને તમે જો યાદ રાખ્યા કરશો કે મેં એને અણીને વખતે આટલી મોટી મદદ ન કરી હોત તો એ તે જ વખતે ડૂબી ગયો હોત, જિંદગીમાં ક્યારેય ઉપર ન આવ્યો હોત તો ભવિષ્યમાં તમે પસ્તાવાના, તમને ખોટું લાગવાનું જ્યારે તમે એ ઉપકારના બદલારૂપે એની પાસે કોઈક કામ કરાવવા જશો ત્યારે.

પર્સનલી મને લાગે છે કે ઉપકારની કે અહેસાસની કન્સેપ્ટમાં ઘણી બધી અતિશયોક્તિભરી ગેરસમજો રહેલી છે. સમજાવું તમને.

ધારો કે તમે ઉપકાર માગનાર છો. તે સમયે તમે ડેસ્પરેટ થઈ જાઓ છો. કારણ કે તમે એવી પરિસ્થિતિમાં મૂકાયા છો જ્યાં બુદ્ધિ બહેર મારી જાય. તમે લાંબું વિચારી શકતા નથી. તમારી સામે જે દેખાય તેની પાસે તમે ઝોળી ફેલાવી દો છો. એની કોઈપણ શરત તમને માન્ય હોય છે, જો તમે સ્વસ્થ રહ્યા હોત તો એના કરતાં બીજી ઘણી એવી વધુ પાત્રતા ધરાવતી વ્યક્તિ પાસે જઈને તમે મદદ માગી હોત. પણ તમે ડેસ્પરેટ હતા, અધીરા બની ગયા હતા એ સિચ્યુએશનમાંથી બહાર નીકળવા.

કબૂલ, કેટલીક પરિસ્થિતિઓ એવી જ હોવાની જેમાં તમારે તત્કાળ જેની મદદ મળે, જે શરતે મદદ મળે તે લઈને એમાંથી ઉગરી જવાનું હોય. પણ જીવનમાં બધી જ પરિસ્થિતિઓ આટલી અર્જન્સીવાળી નથી હોતી. લાઈફ એન્ડ ડેથનો સવાલ હોય એવી પરિસ્થિતિ બહુ ઓછી હોવાની, માટે મદદ માગતી વખતે કોની મદદ લઈએ છીએ, કોના ઉપકાર તળે રહેવાનું પસંદ કરીએ છીએ તે સમજી વિચારી લેવું. કોઈ સામેથી મદદ આપવા આવે તો પણ ફટ દઈને લઈ ના લેવાય.

અને હવે ધારો કે તમે મદદ કરનારા છો. તમારી સમક્ષ પેલી વ્યક્તિ એટલી કાકલૂદી કરશે, આજીજી કરશે કે તમને લાગવા માંડશે કે મારી મદદને કારણે જ એ ઊગરી જશે. તમે તમારી જાતને એના તારણહાર માનવા માંડો છો. હકીકત એ છે કે ડેસ્પરેશનમાં વ્યક્તિ કંઈ પણ બોલે : તમે મારા ભગવાન છો, તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું, મારી ચામડીનાં જૂતાં કરાવીને તમને પહેરાવું તોય તમારું આ ઋણ ફેડી નહીં શકું વગેરે...

તમારે સાંભળી લેવાનું : આવા ડેસ્પરેટ શબ્દોમાં વિશ્વાસ રાખીને ભવિષ્યમાં એ ખરેખર તમને પોતાની ચામડીનાં જૂતાં કરાવીને પહેરાવશે એવું માની નહીં લેવાનું. યાદ રાખવાનું કે સમયના વહેણમાં સૌંદર્ય તણાઈ જાય છે એના કરતાં પણ પહેલાં ઉપકાર તણાઈ જતો હોય છે.

દુનિયામાં જીવવાની કેટલી બધી જડીબુટ્ટીઓ અંડર વર્લ્ડની આ કથામાંથી મળે છે, નહીં? બીજી કેટલીક ઘણી ઊંડી વાતો રહી ગઈ છે. આવતા સોમવારે એ જોઈ લઈએ. પછી નવો ટૉપિક હાથમાં લઈશું. - બિઝનેસ બુક્સ વિશેનો. ‘મરીઝ’ના આ શેર સાથે આજની વાત મમળાવતાં રહીએ :

દુનિયામાં હું કંઈકનો કર્જદાર છું ‘મરીઝ’
ચૂકવું બધાનું લેણ જો અલ્લાહ ઉધાર દે.

લાઈફ લાઈન :

છેવટે તો જિંદગીમાં ન કોઈ બહાનાં જોઈએ, ન ખુલાસાઓ ન અફસોસો.

- સ્ટીવ મૅરાબોલિ (પ્રવચનકાર, લેખક)

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.