કઈ જમીન પર કેવી ખેતી કરવી?
‘શેક્સપિયર સૈનિક બનવા ગયો હોત તો પહેલી જ લડાઈમાં કમોતે મર્યો હોત અને નેપોલિયન નાટક લખવા ગયો હોત તો પહેલા જ શોમાં પ્રેક્ષકોએ એનો હુરિયો બોલાવ્યો હોત’
શું કરવું છે આ જીવનમાં એ નક્કી કરવાનું કામ સહેલું લાગતું હોય કે અઘરું, નક્કી તો કરવું જ પડે. અને તેય બને તેટલું જલદી. સૂનર ધ બેટર.
પોતાનામાં રહેલી પ્રતિભાને ઓળખવાનું કામ સહેલું નથી. અનેક દિશાઓમાં ખૂબ બધું કામ થઈ શકે છે એવા ખ્વાબમાં રાચી ન શકાય. વિકલ્પો ઓછા કરી નાખવાથી જ નક્કર પ્રગતિ થાય્ એકાદ–બે ક્ષેત્રમાં એક કરતાં વધુ કામ થઈ શકે પણ મગજમાં ડઝન ક્ષેત્રોના વિકલ્પ રમતા હોય ત્યારે વારાફરતી એક પછી એક બારી બંધ કરતાં જવું પડે . એકાગ્રતા અને એકનિષ્ઠા માટે આ જરૂરી. જિંદગીમાં શું શું નથી જ કરવું એની યાદી તૈયાર કરી લેવાથી શું શું કરવું છે એ વિશેની સ્પષ્ટતા થઈ શકે.
સંતાનની પ્રતિભા ખુદ મા – બાપ ન ઓળખી શકે એવું બને. બાળક મોટું થાય, પુખ્ત વયનું નાગરિક બને અને કામધંધો કરતું થાય એ પછી પણ એ પોતાનામાં રહેલી ખરી ટૅલન્ટને ઓળખી ન શકે એવું બને. દરેક માણસમાં એક યા બીજા પ્રકારની કુનેહ કેટલી છે તે જાણવાનો એક માત્ર માર્ગ અંત:સ્ફૂરણા જ છે. પડી-આખડીને સમજ પડે કે એ અંત:સ્ફૂરણા ખરી હતી કે ખોટી. ટ્રાયલ ઍન્ડની એરરની કસોટી પછી મોટાભાગની અંત:સ્ફૂરણાઓ સાચી પૂરવાર થાય છે . બસ, થોડી ધીરજનો સવાલ છે.
અમિતાભ બચ્ચનને નાનપણથી અભિનયનો શોખ, પારિવારિક ઉજવણીઓ વખતે કે સ્કૂલ–કૉલેજના સમારંભોમાં તેઓ ઘણા ઉત્સાહથી નાટકમાં ભાગ લેતા, ઈનામો પણ જીતતા. પરંતુ ન તો એમણે પોતે, ન એમના માતાપિતાએ ક્યારેય વિચાર્યું હતું કે અમિતાભમાં અભિનયને કારકિર્દી તરીકે સ્વીકારી શકવાની ક્ષમતા છે. અમિતાભની પ્રતિભા નાનાભાઈ અજિતાભે ઓળખી હતી. અમિતાભ તો ઍંન્જિનિયર બનવા માગતા હતા અને એમના મા-બાપે પુત્ર લશ્કરમાં અફસર બનશે એવું ક્યારેક વિચાર્યું હતું. અમિતાભ ન ફૌજી બન્યા, ન ઈજનેર. બી.એસ.સી. સેકન્ડ ક્લાસ પાસ થઈને કલકત્તાની એક કંપનીમાં નોકરી કરવા જતા રહ્યા. છ વર્ષ નોકરી કરી.
આ દરમિયાન પિતા હરિવંશરાય સોવિયેત લૅન્ડ–નહેરુ પારિતોષિકના ફળ સ્વરુપે રશિયા ગયા. અજિતાભે એમની પાસે એક મુવી કેમેરા મગાવ્યો. પિતાએ જેટલા રુબલ બચ્યા હતા તે તમામ વાપરી કાઢી ને અજિતાભની ઈચ્છા પૂરી કરી. મનમાં એક મૂંઝવણ : અજિતાભ શું કરશે આટલા મોંઘા કેમેરાને?
અજિતાભે બડે ભૈયાની ફિલ્મ ઉતારી. અન્ય અભિનેતાઓની સરખામણીએ એના પ્લસ–માઈનસ દેખાડ્યા. પછી ફરીથી મુવી ઉતારી. થોડાક ફોટોગ્રાફ પાડ્યા. અજિતાભ તે વખતે મદ્રાસ નોકરી કરતા. મુંબઈ આવીને એમણે જ્યેષ્ઠ બંધુની તસવીરો ફિલ્મ પ્રોડ્યુસરોને દેખાડી. ખ્વાજા અહમદ અબ્બાસના હાથમાં એક તસવીર આવી અને તરત એમેને પ્રતીતિ થઈ– મારા સાત હિન્દુસ્તાનીઓમાંનો એક આ જ છે. અને? રેસ્ટ ઇઝ ધ હિસ્ટરી.
અજિતાભને પોતાની પ્રતિભા ક્યાં છુપાયેલી છે તેની જાણ હતી. નાનપણથી જ તેઓ પોકેટમની બચાવતા, કંજૂસી કરીને મૂડી ભેગી કરતા. કુટુંબમાં બધા એને ‘બનીયા’ કહીને ચીડવતા. મોટા થઈને અજિતાભે વેપાર ઉદ્યોગ ક્ષેત્રે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું. એટલું જ નહીં, બિગ બ્રધરની ખરી પ્રતિભા કઈ છે તે પણ દુનિયાને દેખાડી આપ્યું. શરુના વર્ષોમાં એમણે મોટાભાઈની અભિનય કારકિર્દીનો બિઝનેસ–પાર્ટ પણ સંભાળ્યો.
કહેવાનો મતલબ કે જિંદગીમાં કોઈક એવું જોઈએ જે તમને કહે કે તમારું ખરું કૌશલ્ય ક્યાં છૂપાયેલું છે. તમે જાતે જ જો ઓળખી શકો તો ઉત્તમ , પણ તમારું ય જો અમિતાભ જેવું હોય તો જીવનમાં કોઈક એવું પાત્ર જોઈએ, કોઈક એવો સંબંધ જોઈએ જે તમારા માટે અજિતાભકર્મ કરી શકે.
પ્રતિભાવંત લોકો વિશે હરિવંશરાય બચ્ચને એક બહુ સરસ વાત લખી છે કે પ્રતિભાનો પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ ગુણ એ છે કે એ પોતાને ઓળખી લે છે. પ્રતિભાવાન વ્યક્તિ શરુઆતથી જ પોતાની રૂચિ, પોતાની પ્રગતિ, પોતાનો ઝુકાવ, પોતાનો સ્વભાવ, પોતાની ક્ષમતા, પોતાની સંભાવના, પોતાના વિકાસની દિશા ઓળખી લે છે અને એ જ તરફ પોતાની સમગ્ર શક્તિને કામે લગાડી દે છે. જોતજોતામાં એ ઉન્નતિનાં શિખરે પહોંચી જાય છે.
હરિવંશરાય કબૂલ કરે છે કે અમિતાભે પોતાની પ્રતિભાને જલદી ઓળખી નહીં. એનાં મા–બાપે પણ ન ઓળખી. ખેર, હરિવંશરાયજીની વાતમાં એક ઉમેરો કરવાનો કે પ્રતિભાવાન વ્યક્તિઓ પોતાની મર્યાદાઓથી પણ સભાન હોય છે. શું કરવાનું પોતાનું ગજું નથી એની એમને જાણ હોય છે અને ભૂલેચૂકેય એ દિશામાં પગલું ભરાઈ ગયું તો વેળાસર અને એટલા જલદી ત્યાંથી પાછા હટી જવામાં એમને સંકોચ નથી થતો. દાખલા તરીકે અમિતાભ રાજકારણમાંથી પાછા હટી ગયા એ જ સારું થયું. એમના માટે, રાજકારણ માટે પણ.
હરિવંશરાયે આ સંદર્ભમા એક મજાની વાત કરી હતી કે શેક્સપિયર પામી ગયો હતો કે પોતાનામાં નાટકકાર બનવાની પ્રતિભા છે, એ નાટકો લખતો ગયો અને દુનિયાનો સર્વશ્રેષ્ઠ નાટકકાર બન્યો. નેપોલિયન સમજી ગયો હતો કે પોતે એક ઉમદા સૈનિક તેજસ્વી સેનાપતિ બની શકે એમ છે અને એ જ દિશામાં એણે પોતાની સમગ્ર શક્તિ દાવ પર લગાડી દીધી. વિશ્વના સૌથી કુશળ, સૌથી સાહસિક સેનાનાયકમાંનો એક એ બની શક્યો.
આની સામે જો શેક્સપિયર સૈનિક બનવા ગયો હોત તો પહેલી જ લડાઈમાં માર્યો ગયો હોત અને નેપોલિયન જો નાટ્યકાર બનવા ગયો હોત તો એના પહેલા જ નાટકનો પ્રેક્ષકોએ હુરિયો બોલાવ્યો હોત.
મોટાભાગના લોકો પોતાની જાતને ઓળખી શકતા નથી. હરિવંશરાયજી ઉમેરે છે કે ક્ષમતા હોય ક્લાર્ક બનવાની અને કરવા જાય કવિતા, પછી જોડકણાકાર બનીને જ રહી જાય ને. લાયકાત સિપાઈ બનવાની હોય ને બની જાય ડૉક્ટર તો દર્દીઓના જાનને માથે ખતરો ઊભો ન થાય તો બીજું શું થાય.
અંગ્રેજીમાં જેમ કહેવાય છે એમ, ગોળ કાણામાં ચોરસ ભેરવવાની કે ચોકઠામાં વર્તુળ ભેરવાની પ્રવૃત્તિમાં લોકો પોતાનું આખું આયખું વિતાવી દે છે. પોતાની સીમાઓને તેમ જ પોતાના વિસ્તારને ઓળખી લેવાનું કામ બહુ મુશ્કેલ છે. એટલે જ પ્રતિભાવંત માણસો વિરલ હોય છે.
ખોટી દિશામાં કૃત્રિમ પ્રયત્નોથી આગળ વધાય તોય જીવનમાં પાછલી ઉંમરે એક સવાલ કોરી ખાય છે : મેં જિંદગી વેડફી તો નથી નાખી ? આવો સવાલ પોતાનું વિકરાળ મોં ફાડીને સામે આવીને ઊભો રહે એ માટે પાછલી ઉંમર સુધી રાહ જોવી જરૂરી છે? એ વખતે જવાબ હાથવગો હશે અને જિંદગી દરેક રીતે સાધન સંપન્ન હશે તો પણ એક વાતની જીવનમાં ઓછપ હશે – સમય.
[‘સૌરભ શાહના ક્લાસિક કલેકશન’માંથી]
લાઈફલાઈન
કોઈ પણ માણસ કામના બોજથી થાકી જતું નથી, એ બોજને ઉઠાવતાં નથી આવડતું એટલે એ ભાંગી પડે છે.
- લાઉ હોલ્ટ્ઝ (અમેરિકન ફૂટબોલ પ્લેયર જન્મઃ 1937)
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર