જીવવા માટેની બેસ્ટ ઉંમર કઈ

15 May, 2017
12:00 AM

સૌરભ શાહ

PC: firstredeemer.org

જાવેદ અખ્તરની કવિતાના આ શબ્દો છે : રાત સર પર હૈ ઔર સફર બાકી / હમકો ચલના ઝરા સવેરે થા.

અને એક નવલકથામાં હીરોના મોઢે આ સંવાદ બોલાય છે : પાછળ નજર કરતાં વિચારું છું કે મારે જિંદગીમાં જે કંઈ કરવું હતું એમાંથી કેટલું હું કરી શક્યો છું અને આગળ નજર કરતાં વિચારું છું કે જે જે નથી થઈ શક્યું તે કરવા માટે હવે કેટલો સમય મારી પાસે બચ્યો છે.

આ એક ઈટર્નલ ફોલિંગ છે. તમારી ઉંમર કંઈ પણ હોય, એક વાત રહી રહીને મગજમાં ચકરાવો લેતી રહેવાની. પાસ્ટમાં ઘણો ટાઈમ મેં બગાડ્યો. લાઈફમાં એ વર્ષો સાવ નક્કામાં ગયાં. એ સમયનો સારો ઉપયોગ કર્યો હોત તો અત્યારે હું ક્યાંનો ક્યાં હોત!

જાતને ઘડીભર આશ્વાસન આપવા માટે આવું વિચારવું ઓકે. બહુ ઘા લાગ્યા હોય ત્યારે મલમ ચોપડવાથી જે રાહત મળે તે મળી જાય. પણ આ કંઈ આપણી સમય વેડફવાની સમસ્યાનું કાયમી નિરાકરણ નથી. જિંદગીના દરેક તબક્કે આવું જ વિચારતા રહીશું કે : છે રાત માથે ને યાત્રા હજુ અધૂરી છે / જો નીકળ્યા હોત સવારે જરા તો સારું થાત (અનુવાદ : રઈશ મનીઆર) તો આખી જિંદગી અફસોસ કરવામાં જ ગુજારીશું.

વીતેલો સમય પાછો નથી આવતો એ સમજવા છતાં આપણે વીતેલા સમયની બાબતમાં અફસોસ કરવાનું છોડતા નથી. વીતેલો સમય પાછો મળે તો કેવું સરસ એવી પલાયનવૃત્તિ, એવા રોમેન્ટિક ખ્યાલો, આપણને અત્યારના આપણા સમયની અવગણના કરવા પ્રેરે છે. 40 કે 50 વર્ષની ઉંમરે તમે વિચારો કે કાશ, મારી ઉંમર 25 વર્ષની હોત તો! આપણને પંદર-વીસ વર્ષ પહેલાંની એ યુવાવસ્થા આકર્ષક લાગે છે કારણ કે 40-50ની ઉંમરે તમને લાઈફ વિશે, તમારા ભવિષ્ય વિશે કોઈ ઈન્સિક્યોરિટીઝ રહી નથી. વિચાર કરો કે વીસ-પચ્ચીસ વર્ષ તમે તમારા વિશે કેટલા અન્શ્યૉર હતા? તમે જે દિશામાં આગળ વધી રહ્યા છો તે દિશા તમને જ્યાં જવું છે ત્યાં લઈ જશે કે નહીં એની તમને ખબર નહોતી. 40 વર્ષે તમને ખબર છે કે આ જ દિશાએ તમારે આગળ વધવાનું હતું.

40 વર્ષની ઉંમરે તમે એમ વિચારો કે 20 વર્ષની ઉંમરે જો મને કોઈકે સાચું માર્ગદર્શન આપ્યું હોત તો મારી જિંદગી અત્યારે સાવ જુદી જ હોત – તો એ અફસોસ તદ્દન નકામો છે, મનને બહેલાવવા સમો છે. ચાલો, વાત સાચી કે તમને સાચું માર્ગદર્શન આપવા માટે તે વખતે કોઈ નહોતું. પણ એય ખરું ને કે તે વખતે તમને જો કોઈ એવું ભટકાઈ ગયું હોત તો આજે તમે જ્યાં છો, જે છો એના કરતાં પણ સાવ તળિયે હોત, ખાનાખરાબી હોત તમારા જીવનમાં. એ વર્ષોમાં આવું થયું હોત તો અત્યારે મારી જિંદગી આવી હોત એવા વિચારો માત્ર પલાયનવૃત્તિ છે, અત્યારની જિંદગીની જવાબદારીનો ઉલાળિયો કરવાની છટકબારી છે.

સાઠ વર્ષે પહોંચીને જો તમને એમ લાગે કે 40 વર્ષની ઉંમરે મારામાં કેટલી એનર્જી હતી, કેટલી શારીરિક શક્તિ હતી તો જસ્ટ વિચારો કે 80 વર્ષના થયા પછી તમને સેમ આ જ વિચાર આવવાનો : 60 વર્ષે મારામાં કેટલી શક્તિ હતી, કેટલી એનર્જી હતી.

40 વર્ષની ઉંમરે તમને 25 વર્ષના લોકો યંગ લાગતા હોય અને 60 વર્ષની ઉંમરે તમને 40 વર્ષના લોકો યંગ લાગતા હોય અને 80 વર્ષની ઉંમરે તમને 60 વર્ષના લોકો યંગ લાગતા હોય તો એનો અર્થ એ કે મોટી ઉંમર અને નાની ઉંમર સાપેક્ષ છે. ઉંમર તો માત્ર એક માનસિક અવસ્થા છે, એવું કહેવામાં આવે છે ત્યારે એનો અર્થ એ નથી કે 40 વર્ષે તમારું શરીર 25 વર્ષની વ્યક્તિ જેવું કે 60 વર્ષે 40 વર્ષની વ્યક્તિ જેવું કે 80 વર્ષે 60 વર્ષની વ્યક્તિ જેવું દેખાય, કે એવી શારીરિક એનર્જી તમારામાં હોય. માનસિકતાથી મતલબ એવો પણ નથી કે તમારાથી 20 કે 40 વર્ષ નાની હોય એવી યુવાન વ્યક્તિઓ જે કંઈ કરે, જે કંઈ વિચારે અને જે રીતે જીવે એ જ રીતે તમે વિચારો, કે જીવો. ઉંમર એક માનસિક અવસ્થા છે એનો અર્થ એ થયો કે તમે 25 વર્ષના હો ત્યારે ટિપિકલ 25 વર્ષના લોકો જે વિચારે છે તેવું જ તમારે વિચારવાનું છે એવા માનસિક બંધનથી તમે મુક્ત રહો. 60 વર્ષની ઉંમરે તમારી આસપાસના હમઉમ્ર મિત્રો-પરિચિતો-સગાંઓ પોતાના રિટાયર્મેન્ટની, વેવાઈ-વેવલાની અને ગાર્ડનમાં ચાલતી બુઢિયા ક્લબોની કે ભજન મંડળીઓની વાતો કરતા હોય તો તમે એ ઉંમરની આવી ટિપિકલ વાતોથી બચીને રહો. તમારી માનસિકતાને તમારા આસપાસના વાતાવરણથી ખરડાવા ન દો, અભડાવા ન દો એ જરૂરી છે.

આયુષ્યમાં ઉંમરનો કોઈપણ તબક્કો નકામો નથી હોતો. કોઈપણ ઉંમર અફસોસ કરવા જેવી નથી હોતી. હા, ક્યારેક વિચાર આવે કે રાત પડવાને હવે થોડી જ વાર છે અને હજુ તો કેટલી બધી સફર બાકી છે, મળસકે જરા વહેલા જાગીને યાત્રા શરૂ કરી લીધી હોત તો સારું થાત. પણ આ વિચાર માત્ર બે ઘડીના વિચાર પૂરતો જ બરાબર છે. આવો અફસોસ પકડીને બેસી રહેવાય નહીં.

મને ઘણી વખત વિચાર આવી જાય કે જિંદગીની કિતાબનું પ્રૂફ રીડિંગ થઈ શકતું હોત તો મેં કેટલી બધી જોડણીની ભૂલો, વાક્યરચનાની ભૂલો, વ્યાકરણની ભૂલો સુધારી લીધી હોત! કેટલા બધા ફકરા રિટાઈપ કર્યા હોત, કેટલાં બધાં પ્રકરણો એડિટ કર્યા હોત અને કેટલા બધાં પાનાં ફાડીને ફેંકી દીધાં હોત! આવું થઈ શકતું હોત તો અઢાર વર્ષની ઉંમરથી શરૂ કરેલી આ 40 વર્ષની કારકિર્દીની કિતાબ હેવી લીન, ટ્રિમ, ફુલ ઑફ સરપ્રાઈઝીસ અને ભરપૂર એક્સાઈટમેન્ટવાળી બની હોત. નેવર અ ડલ મોમેન્ટ. પણ આવું તો કંઈ બનવાનું નથી. એટલે એવો અફસોસ પણ કરવાનો ન હોય. હા, એવો અફસોસ કરવાને બદલે મને એક નવો વિચાર કરવાનું મન જરૂર થાય. વીતેલા ચાર દાયકામાં મારે શું શું નહોતું કરવું, ક્યાં મેં સમય વેડફ્યો, કેવા લોકો સાથે નહોતું ભળવું, કઈ વાતોમાં વધારે નિષ્ઠાપૂર્વક કામ કરવું જોઈતું હતું અને કઈ ટેલન્ટને વધારે શાર્પન કરવી જોઈતી હતી એ બધી સ્પષ્ટતાઓ છે ને મારા મનમાં, સારું છે. કઈ કઈ ભૂલો મારે ઈરેઝરથી ભૂંસી કાઢવી છે ને એની જગ્યાએ મારે શું લખવું છે એ પમ સ્પષ્ટતા છે ને? સારું છે.

તો પછી લેટ્સ થિન્ક કે પાછા જઈને બે-ચાર દાયકા નવેસરથી જીવીએ એને બદલે હવે પછીના ચાર દાયકાને પાછલા ચાર દાયકાની નવી, સુધારેલી, સંવર્ધિત આવૃત્તિ બનાવીએ તો કેવું! અત્યારે મને જેમ લાગે છે કે મારે છેલ્લા ચાર દાયકાની જિંદગી જેવી રીતે જીવવી જોઈતી હતી તે રીતની જીવવાનો ઑપ્શન હજુય મારી પાસે છે જ – આવતા જ દાયકા હું એ રીતે જીવી શકું એમ છું. કબૂલ કે 18 વર્ષની ઉંમરે મારી પાસે જે શરીર વગેરે હોય તે 57 વર્ષની વયે ન હોય. તો માઈનસ પૉઈન્ટની ભલે અવગણના ન કરો પણ એની સાથે પ્લસ પૉઈન્ટ કેટલા બધા! આંગડિયાથી ઈમેલ સુધી હું આવી ગયો છું! ટ્રન્ક કૉલથી સેલ ફોન સુધી આવી પહોંચેલો ટેકનોલોજીનો ફાયદો મને, મારા કામને મળી રહ્યો છે. અને સૌથી મોટો ફાયદો તો એ કે 18 વર્ષની ઉંમરે જ્યારે કામ શરૂ કર્યું ત્યારે મારી પાસે ઝીરો એક્સ્પીરિયન્સ હતો અને કદાચ એટલે જ પછી તો ચાર દાયકામાં મેં ચિક્કાર લોચાલાપસી વિટનેસ કર્યા. હવે જ્યારે હું નેકસ્ટ 40 વર્ષનું પહેલું વરસ શરૂ કરી રહ્યો છું ત્યારે મારી પાસે વીતેલા ચાર દાયકાના અનુભવનું ભાથું છે! લાઈફમાં જીવવા માટેની બેસ્ટ ઉંમર જો કોઈ હોય તો તે એક જ છે : અત્યારે તમને કેટલાં થયાં?

લાઈફ લાઈન

ગ્રો ઑલ્ડ વિથ મી! ધ બેસ્ટ ઈઝ યટ ટુ બી.

રૉબર્ટ બ્રાઉનિંગ

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.