વિષમ સંજોગો સર્જાય એમાં પહેલો વાંક કોનો?

07 Aug, 2017
12:01 AM

સૌરભ શાહ

PC: curriculum.com.br

માણસને પોતાના પર ભરોસો ન હોય ત્યારે એ બીજાના દોરવ્યે દોરવાઈ જતો હોય છે. એ જ્યારે પોતાની જિંદગીની દિશા જાતે નક્કી કરવા અસમર્થ બની જાય ત્યારે બીજાઓ જે તરફ આંગળી ચીંધે તે દિશામાં આગળ વધે છે. બીજાઓમાંના કેટલાક એને આ તરફ જવાનું કહેશે, કેટલાક પેલી તરફ તો વળી બાકીના કેટલાક તદ્દન જુદી જ દિશા તરફ આંગળી ચીંધશે. તમે મૂંઝાઈ જશો. કઈ દિશામાં જવું? સેલ્ફ કૉન્ફિડન્સ હોય તો આવી કોઈ મૂંઝવણ ના થાય. આત્મવિશ્વાસ હોય તો બીજાઓના દોરવ્યે દોરવાઈ જવાને બદલે તમે પોતે નક્કી કરેલા માર્ગે આગળ વધતા રહો છો.

અહીં પહેલાં ઈંડું કે પહેલાં મરઘી જેવી પરિસ્થિતિ છે. તમે જાતે નક્કી કરેલા માર્ગે વધતા હશો તો જ તમારામાં આત્મવિશ્વાસ આવશે અને આત્મવિશ્વાસ હશે તો જ તમે જાતે નક્કી કરેલા માર્ગે આગળ વધી શકશો.

આ કેચ-ટ્વેન્ટી ટુ જેવી પરિસ્થિતિમાં એક વાત કોમન છે – માર્ગ. બીજાઓ તમને એમને મનગમતા માર્ગે દોરી ન જાય એ માટે તમે તમારો માર્ગ પસંદ કરી લીધો હોવો જોઈએ. અવઢવમુક્ત થઈને, જોખમ ખેડીને પણ, તમારે તમારો માર્ગ નક્કી કરી લેવો પડે : મારે જીવનમાં શું કરવું છે, માટે અમુક પરિસ્થિતિ ઊભી થાય તો એને કેવી રીતે ડીલ કરવી છે, મારી જિંદગીમાં અમુક-અમુક વ્યક્તિઓનું સ્થાન ક્યાં છે, એમનું મહત્ત્વ મારા માટે કેટલું છે... આ અને આવા અનેક પ્રશ્નો જે મનમાં ઉદ્દભવતા હોય તે દરેક વિશેની સ્પષ્ટતા એટલે જીવનનો માર્ગ નક્કી કરવો પડે. આ નિર્ણયો તમે કોઈના દબાણવશ ન લઈ શકો. આ નિર્ણયો લેવા તમારે ભયમુક્ત બનવું પડે.

આત્મવિશ્વાસ કેળવવા માટે ટેઈક ઑફ લીધા પછી જે પહેલું કામ કરવાનું તે ભયમુક્ત બનવાનું. આ કામ સહેલું નથી અને રાતોરાત કોઈ ભયમુક્ત થઈ શકવાનું પણ નથી. સંપૂર્ણપણે ભયમુક્ત કોઈ હોઈ શકે પણ નહીં. આપણો પ્રયત્ન બને એટલા જલ્દી અને બને એટલી વધુ બાબતમાં ભયમુક્ત થવાનો હોવો જોઈએ. માટે હિસાબે વ્યવહારુ જગતમાં આપણને સૌથી મોટો ડર ખોટા પડવાનો હોય છે. મારું આ પગલું નિષ્ફળ જશે તો લોકો મને ફોલી ખાશે. મારો આ અભિપ્રાય, ઓપિનિયન, મત ખોટો પુરવાર થયો તો મારી માનહાનિ થશે. ખોટા પડવાનો ડર મનમાંથી કાઢી નાખવા માટે લોકો પાસેથી સતત તમને માનપાન મળ્યા કરે એવી ઈચ્છાને ભોંયમાં દાટી દેવી પડે. લોકો તમારા પ્રત્યેક વિચારને, પ્રત્યેક વ્યવહારને સમર્થન આપે, સતત તમારી સામે રહે એવી ઈચ્છામાંથી મુક્તિ એટલે ભયમુક્તિની દિશામાં ભરેલું પ્રથમ વિરાટ પગલું.

લોક-સમર્થનની ખ્વાહિશમાંથી મુક્તિ મેળવવા માટે એક જ નિર્ણય કરી લેવો કાફી છે – મારા વિચારો, મારા વર્તન, મારા વ્યવહારો બદલ મારે જો કોઈ પછડાટ સહન કરવો પડશે તો તે માટે હું તૈયાર છું. ઊંધે માથે પટકાઈશ તો પટકાઈશ, મારી તૈયારી છે. લોહીલુહાણ હાલતમાં પણ લડવાની ખુમારી રાખનારાઓમાં જ આત્મવિશ્વાસ ઉછરી શકે. જરાક અમથો ઘા થયો અને તરત પાટાપીંડી કરવા માટે જે રણમેદાન છોડીને તંબુભેગો થઈ જાય છે, તેનામાં ક્યારેય વીરતાનો ગુણ જન્મી શકતો નથી. સેલ્ફ કૉન્ફિડન્સ કેળવવા માટે વીરતા જરૂરી છે. સંઘર્ષોનો જેણે સામી છાતીએ સામનો કરવાની ટેવ કેળવી હોય તે જ સેલ્ફ કૉન્ફિડન્ટ બની શકે.

હવે આના પરથી હવે બીજા પગથિયે જવું આસાન બનશે. સંઘર્ષોનો સામી છાતીએ સામનો કરવાની વૃત્તિ તમારામાં ક્યારે જન્મે? જ્યારે તમે તમારી કપરી પરિસ્થિતિ બદલ બીજાઓને દોષિત ગણવાનું છોડી દો ત્યારે. જિંદગીમાં સર્જાતી કોઈપણ વિષમ પરિસ્થિતિ વખતે સૌથી પહેલું આપણું રીએક્શન શું હોવાનું? આને કારણે આવું થયું. આ વ્યક્તિએ સાથ ન આપ્યો, આ વ્યક્તિઓ આડે આવી, આણે મારા વિરુદ્ધ કાવતરું રચ્યું એટલે આ બધી ગરબડ ઊભી થઈ. ક્યારેક વ્યક્તિ નહીં પણ સંજોગોનો વાંક કાઢીશું, કુદરતનો કે નસીબનો દોષ કાઢીશું. દરેક વિષમ પરિસ્થિતિ સમયે આપણે પોતાની જાત સિવાય બીજા તમામ લોકોનો, સંજોગોનો વાંક કાઢવા માટે આતુર હોઈએ છીએ. આવું કરવાને લીધે આપણી પોતાની ભૂલ કે ભૂલો ઢંકાઈ જાય છે એટલે આપણે ગિલ્ટ ફીલ કરવામાંથી ટેમ્પરરી ઊગરી જઈએ છીએ. પણ આ કામચલાઉ રાહત લાંબા ગાળે મોંઘી પુરવાર થાય છે. આપણે કરેલી ભૂલ શું કામ થઈ, કેવી રીતે એને ભવિષ્યમાં સુધારી શકાય – એવા અમુલ્ય બોધપાઠમાંથી આપણે વંચિત થઈ જઈએ છીએ.

આપણી જિંદગીમાં કશુંક ખોટું થાય છે ત્યારે સૌથી પહેલી અને સૌથી મોટી જવાબદારી આપણી પોતાની હોય છે. બીજાઓને તમારી વિષમ પરિસ્થિતિ વકરાવવાનો ચાન્સ ત્યારે જ મળે છે જ્યારે તમે ગાફેલ બનો છો, જ્યારે તમે ઓવર કૉન્ફિડન્ટ બનીને કેટલીક ઝીણી સંભળાતી સાયરનોને સાંભળવાનું ભૂલી જાઓ છો. સામે જ દેખાતા સ્પીડ લિમિટના પાટિયાને નજરઅંદાજ કરીને તમે ભલે સલામત ડ્રાઈવિંગ કરો છો એવા વિચારમાં ફુલ સ્પીડે આગળ વધતા હો પણ કોઈ બીજાની ભૂલને કારણે અકસ્માત થાય તો પણ પહેલો વાંક તમારો હોય છે. સ્પીડ લિમિટને અવગણવાની ભૂલ તમે પહેલાં કરી.

જિંદગીમાં કશુંક સારું થાય છે ત્યારે મનોમન સૌથી પહેલી પીઠ તમે કોની થાબડો છો? તમારી પોતાની. મારી મહેનત ફળી. મેં આટલું આટલું કર્યું તેને લીધે મને આ પરિણામ મળ્યું. વિષમ પરિસ્થિતિ સર્જાય ત્યારે પણ દોષનો ટોપલો પોતાના માથે ઊંચકી લેતાં શીખીએ. મારી ભૂલને લીધે આ પરિણામ આવ્યું. જે વ્યક્તિ બ્લેમગેમમાં સરી પડ્યા વિના ખુલ્લી છાતીએ પોતાની નિષ્ફળતાનો અપજશ ભોગવવા તૈયાર છે તેને જ કુદરત સેલ્ફ કૉન્ફિડન્ટ બનાવે છે.

લાઈફ લાઈન - 

જે ઘડીએ તમને વિચાર આવ્યો કે હું ઊડી શકીશ કે નહીં, તે જ ઘડીએ નક્કી થઈ ગયું કે તમે ક્યારેય ઊડી શકવાના નથી.

જે.એમ.બેરી (‘પીટરપાન’ના સર્જક)

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.