જીવનની સાદીસીધી વાતોને કોણે ગૂંચવી નાખી
જૈન નથી હું, પણ પર્યુષણ શરૂ થવાના હોય એ પહેલાં એક સ્ટ્રેન્જ લાગણી ઉમટતી હોય છે મનમાં. સ્ટ્રેન્જ એટલે વિચિત્રના અર્થમાં નહીં, અજાણ્યાના અર્થમાં. એ દિવસ બરાબર યાદ છે જ્યારે આવી અજાણી લાગણી થઈ હતી. અગાઉ એવું ક્યારેય નહોતું બન્યું કારણ કે આવો કિસ્સો મારી જિંદગીમાં પહેલવહેલી વાર બન્યો હતો. પંચોતેર વર્ષનું સંતોષજનક આયુષ્ય પૂરું કરીને કાયમ માટે પોઢી જનારી વ્યક્તિએ પોતાના મૃત્યુના આગલે દિવસે મને પૂછ્યું હતું : આત્મા એટલે શું?
વીસેક વર્ષ પહેલાંના પર્યુષણ દરમિયાન મહાવીર જન્મવાચનના દિવસે વહેલી સવારે મુંબઈની ચોપાટી પાસે આવેલા બિરલા ક્રીડા કેન્દ્રના સભાગૃહના બેકસ્ટેજમાં એ સદ્દગૃહસ્થ મળ્યા હતા. મારું વ્યાખ્યાન શરૂ થવાને થોડી જ મિનિટોની વાર હતી. મને સહેજ દૂર લઈ જઈને કહે : આ બધા મોટામોટા લોકો આત્મા અને પુદ્દગલ અને એવા એવા ભારેખમ શબ્દો વાપરીને અમને ગૂંચવી નાખે છે તો જો શક્ય હોય તો તમે પ્રવચનમાં સમજાવજો ને કે આત્મા એટલે શું? પછી એમણે ઉમેર્યું, હસતાં હસતાં, કે : મારા એક મિત્ર કહેતા હતા કે આત્મા જેવું કંઈ છે જ નહીં. એ તો જેમ એન્જિન ખોટકાય અને ગાડી બંધ પડી જાય એમ શરીરનું યંત્ર બંધ પડે એટલે માણસ મરી જાય, સાચી વાત?
આ સવાલ પૂછી રહેલા ચીમનલાલ જે. શાહના નામની આગળ ચોવીસ કલાકમાં જ સ્વર્ગસ્થ વિશેષણ ઉમેરાઈ જશે એવો કોઈનેય ખ્યાલ નહોતો. અગ્રણી શહેરી, સાહિત્યપ્રેમી અને આનંદી એવા સ્વ. ચીમનભાઈના અવસાનના સમાચાર જાણ્યા પછી જ્યારે જ્યારે આ વિષય પર વાંચું છું, ચિંતન કરું છું કે લખું છું ત્યારે એમનો ચહેરો આંખ સામે આવી જાય છે.
બાબાગુરુઓ અને પ્રોફેશનલ પોથીપંડિતોની પકડ આપણા સમાજની માનસિકતા પર કેટલી મોટી હશે કે માણસ આયુષ્યના 75મા વર્ષે પણ આત્મા શું છે એવા સવાલના જવાબની શોધમાં રહે છે. શોધ ખોટી નથી પણ જે શોધવાનું છે તે જ ખોટું છે. જિજ્ઞાસાની તીવ્રતામાં કોઈ ખામી નથી, પરંતુ જે બાબત માટે જાણવું છે તે બાબતની કન્સેપ્ટ જ આપણા મનમાં ખોટી છે, કહો કે ખોટી રીતે ઠોકી બેસાડવામાં આવી છે આપણા પર. ‘khabarchhe.com’ માટેની આ કૉલમ હું 75 નહીં 25 વર્ષના વાચકો માટે લખું છું. તમારે 50 વર્ષ પછી ચીમનભાઈની જેમ આવો કોઈ સવાલ તે વખતના કોઈ લેખકને પૂછવો ન પડે એ માટે થોડીક વાતો અત્યારથી જ તમે જાણી લો એવી મારી ઈચ્છા છે.
આટલા બધા ધર્મગ્રંથો ખોટા અને તમે જ એકલા સાચા? આવું પૂછવાનું કોઈને જરૂર મન થશે. મહાન જ્ઞાનીઓ, ઋષિઓ અને તેજસ્વી ચિંતકોની, આદર્શ ધર્મગુરુઓની વાતો નકામી અને એક તમારી જ વાત કામની? કોઈને પૂછવું હોય તો આવો પ્રશ્ન પણ પૂછી શકે. જવાબમાં મારે માત્ર એટલું જ કહેવાનું કે કોઈ ખોટું છે એવું કહેવાનો મારો જરા સરખો આશય નથી. આશય માત્ર એટલું જ સમજાવવાનો છે કે હું પણ ખોટો નથી. મારો જ કક્કો સાચો ને બીજાનો ખોટો એવી કોઈ જીદ મારી નથી તો પછી હું ખોટો જ છું એવી જીદ બીજા કોઈએ પણ મારા માટે ન રાખવી જોઈએ.
ધર્મ-તત્ત્વજ્ઞાન-અધ્યાત્મની બાબતમાં કોઈપણ વ્યક્તિ કોઈ નિશ્ચિત ફૉર્મ્યુલાથી જીવી ન શકે. શારીરિક સ્વાસ્થ્ય જાળવવા જેમ એલોપથીની કે નેચરોપથીની જ સારવાર લેવી એવી જીદ રાખવાને બદલે આ બે ઉપરાંત આયુર્વેદ, હોમિયોપથી આદિ વિવિધ ચિકિત્સા પદ્ધતિઓના સંમિશ્રણથી ઊભી કરેલી મલ્ટીપથીથી તંદુરસ્તી વધુ સારી રીતે જળવાય એમ આ ક્ષેત્રનું પણ એવું જ છે. જ્યારે જે માફક આવે અને યોગ્ય જણાય અને સમયનો તકાદો જે હોય તે મુજબની સારવાર લેવાની. કોઈ એક જ ચિકિત્સા પદ્ધતિનું પૂંછડું પકડીને બેસી જવાથી બીજા કોઈને નહીં, આપણને પોતાને જ નુકસાન થતું હોય છે.
જેવું શારીરિક આરોગ્યની બાબતમાં, એવું જ માનસિક સ્વાસ્થ્યની બાબતમાં. કોઈ એક જ વિચારસરણીની કંઠી બાંધીને બેસી જઈએ તો આપણું ધાર્મિક, આધ્યાત્મિક તથા તત્ત્વજ્ઞાન વિષયક વિશ્વ કુંઠિત થઈ જાય, બંધિયાર થઈ જાય. ધીમે ધીમે એ હવડ જગ્યામાં રહેલા ઉત્તમ વિચારો પણ કોહવાઈ જાય અને વખત જતાં આપણું સમગ્ર મનોવિશ્વ દુર્ગંધમય બની જાય. આ બાબતમાં મગજની હવાબારીઓ જેટલી ખુલ્લી એટલું વધુ સારું.
અમુક ધર્મગ્રંથમાં આવું કહ્યું એટલે એ જ સાચું અને બીજું બધું જ ખોટું એવું માનીને ન ચલાય. આપણને જેમનામાં શ્રદ્ધા હોય એ સાધુ-સંત કે મુનિ-મહારાજની વાણી કે એમના લેખિત શબ્દો સિવાયનું બીજું બધું જ નકામું છે એવું માનીને પણ ચાલી શકાય નહીં. સત્ય સામેના છેડે પણ હોઈ શકે છે એવું સ્વીકારવાથી આ છેડા પરની વાતને વધુ નિષ્પક્ષ રીતે તમે જોઈ શકો છો. સામે છેડે પણ સત્ય હોઈ શકે છે એવી ધારણાનો સ્વીકાર કરવાથી આ છેડો છોડીને કશુંક વિશેષ પામવા માટેની માનસિક યાત્રાનું સાહસ કરવાનું મન થઈ શકે છે.
અહીં પથ્થર એટલા પૂજે દેવ જેવું નથી કરવાનું. નિરક્ષીર વિવેકની જરૂર તો અંતે પડવાની જ. આ વિવેક એટલે શું? રેલવે સ્ટેશન પર ધુમ્રપાન નિષેધનું પાટિયું હોય છે એટલે ત્યાં લોકો બીડી-સિગરેટ નથી પીતા. મંદિરોમાં ક્યારેય નો સ્મોકિંગનું સાઈન બોર્ડ જોયું છે? છતાં કોઈ ત્યાં ધુમ્રપાન કરતું નથી. ક્યાં અને ક્યારે શું કરવું- ન કરવું એની સમજ એટલે નિરક્ષીર વિવેક.
ખૂબ જ સરળ વાતોને મિથ્યા તર્કવેડાની શબ્દજાળ ગૂંથીને ગૂંચવી નાખવાથી માણસ અને ઈશ્વર વચ્ચે આડતનો ધંધો કરનારાઓનું કામ સારી રીતે ચાલે છે. ધર્મના દલાલો આવું કરે તો જ એમની દુકાન ચાલે અન્યથા કોઈ એમનો ભાવ પણ પૂછે નહીં. પદ, પ્રતિષ્ઠા તથા પૈસા માટે જીવનની અત્યંત સાદી સીધી વાતોને એટલી જ સરળતાથી આપણી સમક્ષ મૂકવાને બદલે એને તર્કના રવાડે ચડાવીને ભુલભુલામણી સર્જી નાખવાથી સામાન્ય માણસો એમના પ્રત્યે અહોભાવથી જોતો થઈ જાય છે : આપ જ્ઞાની, અમે તો અજ્ઞાની એમ કહીને હાથ જોડીને બેસી રહે છે, ક્યારેક સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી નાખે છે. વાસ્તવમાં તો જ્ઞાની એ છે જેની પાસે રહેલા જ્ઞાનના પ્રકાશથી આપણા અજ્ઞાનનું અંધારું દૂર થાય. જે જ્ઞાન આ અંધારું દૂર કરી શકતું નથી તે જ્ઞાન મિથ્યા છે. આવા વખતે વાંક અજ્ઞાનીનો નીકળે - આપણે જ સમજી શકતા નથી, આપણી જ પાત્રતા ઓછી, બાકી એમણે તો આપણી જાડી બુદ્ધિમાં સમજ ઉતારવાની કેટલી કોશિશ કરી એવું માની લઈએ છીએ. મિથ્યા જ્ઞાનીઓએ પોતે ખુલ્લા પડી ગયા પછી ભોંઠપ અનુભવવાની હોય, એને બદલે તેઓ આપણો અહોભાવ મેળવીને છટકી જતા હોય છે.
વિ-જ્ઞાનની બાબતમાં કોઈ કહે કે એને પામવાની પાત્રતા સામાન્ય જનમાં ઓછી છે તો એ વાત સ્વીકારી લેવા તૈયાર છીએ. આઈન્સ્ટાઈનની ઈ ઈઝ ઈક્વલ ટુ એમસીસ્કવેરની અટપટી થિયરીથી માંડીને અહીં લખાયેલા હસ્તાક્ષર ઈમેલ દ્વારા સેંકડો-હજારો માઈલ દૂરના સ્થળે કેવી રીતે પહોંચી જાય છે એવી સાદા સિદ્ધાંતોને લગતી સાયન્ટિફિક વાતો પણ જો સામાન્ય માણસની સમજમાં ન આવે તો તેને કારણે વિજ્ઞાન પોતે મિથ્યા બની જતું નથી.
પરંતુ અહીં વૈજ્ઞાનિક જ્ઞાનની નહીં, ધાર્મિક-આધ્યાત્મિક તથા તત્વજ્ઞાન વિષયક જ્ઞાનની વાત છે. વિજ્ઞાન વ્યક્તિના જીવનને ભૌતિક સ્તરે સ્પર્શે છે અને ધર્મ-આધ્યાત્મ-તત્વજ્ઞાન માનસિક સ્તરે, ચૈતસિક સ્તરે માણસ અનુભવે છે. ભૌતિક સ્તરની વાતો એક વત્તા એક બરાબર બેના નિશ્ચિત સમીકરણોથી ચાલે, માનસિક સ્તરની નહીં, અને અહીં જ આડતિયાઓને આપણે ગૂંચવી મારવાની જગ્યા મળી જાય છે.
ભૌતિક ગણિતથી જે પર છે તે દુનિયા અત્યંત સરળ છે, એમાં ક્યાંય સંકુલતા નથી, એમાં ક્યાંય જડતા નથી, વાડ નથી, સીમામર્યાદા નથી, આટઆટલાં પોઝિટિવ પાસાંને માણસની તરફેણમાં વાપરવાને બદલે આ ખુલ્લાશનો, આ મુક્તિનો દુરુપયોગ કરીને હજારો વર્ષથી માણસ જાતની બુદ્ધિને ગૂંચવી નાખવામાં આવી રહી છે. મૂળભૂત તાત્વિક પ્રશ્નોને તપાસવાનું બાજુએ મૂકીને ટૂંકા સ્વાર્થના મનની સહેલગાહને તત્વજ્ઞાનમાં ખપાવી દઈને ભોળા, રાંક, લાચાર મનુષ્યોને અર્થાત્ આપણને સૌને હજારો વર્ષથી છેતરવામાં આવ્યા છે, પીડવામાં આવ્યા છે, ગુમરાહ કરવામાં આવ્યા છે. માટે જ માણસ 75 વર્ષ પૂરાં કર્યાં પછી પણ આ જ સવાલનો સંતોષજનક જવાબ શોધે છે, મૃત્યુના આગલા દિવસ સુધી આ પ્રશ્નના ઉત્તરની શોધમાં રહે છે : આત્મા એટલે શું? આવતા અઠવાડિયે.
લાઈફલાઈન:
અવાજ ઊંચો કરવાની જરૂર નથી, તમારી દલીલો સુધારો.
- ડેઝમન્ડ ટુટુ
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર