આપણને જે સાચું લાગે તે કામ કરતાં ડરીએ છીએ કેમ?
એનું કારણ છે આપણી આસપાસના લોકો : પરિચિતો, મિત્રો અને સ્વજનો. આપણે માની લીધું હોય છે કે આ બધા જ આપણા શુભેચ્છકો છે, આપણું ભલું ઈચ્છનારા છે, આપણો સાથ આપનારા છે. નાનપણથી આપણને શીખવાડવામાં આવ્યું છે કે, 'કર ભલા, હોગા ભલા' અને 'ખાડો ખોદે તે પડે'. મોટા થયા પછી ડેલ કાર્નેગી જેવા ઉસ્તાદોનાં પ્રેરણાત્મક પુસ્તકોની પડીકીઓ હાથમાં પકડાવી દીધી: હાઉ ટુ મેક ફ્રેન્ડ્ઝ ઍન્ડ ઈન્ફ્લ્યુઅન્સ પીપલ.
પણ અનુભવે ખબર પડતી જાય છે કે જેનું ભલું કર્યું હોય એ પણ તમારું બૂરું કરતો હોય છે. આપણે ક્યારેય ખાડો ન ખોદ્યો હોય તો પણ બીજાના ખોદેલા ખાડામાં આપણને વગર વાંકે ધક્કો મારીને ધકેલી દેવામાં આવે છે. ડેલ કાર્નેગી જેમને પોતાના આરાધ્ય દેવ લાગતા હોય એમને એમની આરાધના મુબારક. મીઠું મીઠું બોલીને લોકોને ફસાવવાની શિખામણ આપવાને બદલે લોકો સાથે સચ્ચાઈપૂર્વક વર્તવાની સલાહ આપવી સારી. મારું ચાલે તો હું આ શીર્ષકવાળું પુસ્તક લખવાનું વધારે પસંદ કરું: હાઉ ટુ મેક એનિમીઝ ઍન્ડ બી ટ્રુથફુલ ટુ યૉરસેલ્ફ.
હાઉ ટુ મેક ફ્રેન્ડ્ઝ નહીં પણ હાઉ ટુ મેક એનિમીઝ એવી સલાહ કોણ આપે? મારા જેવો જરૂર આપે. દુશ્મનો બનાવવા એટલે સામે ચાલીને ઝઘડો કરવો કે કોઈનું કશુંક બગાડવું કે કાવતરાખોર બનીને કોઈના ખભા પર ચડી એનો હક ડૂબાડી આગળ વધી જવું એવું નહીં. તો પછી દુશ્મનો બનાવવા એટલે શું? ધીરજ રાખીને આગળ વાંચશો તો સમજાઈ જશે.
દુશ્મનો સફળ માણસોને હોય. અંબાણી, અદાણી કે તાતાને દુશ્મનો હોય. અંબાજીના મંદિરની બહાર બેસતા ભિખારીઓની સાથે કોઈ દુશ્મનાવટ કરતું નથી. દુશ્મન પોતાની જાતમાં શ્રદ્ધા ધરાવનારાઓને હોય. જેમની પાસે આત્મસન્માન, આત્મગૌરવ કે ખુમારી જેવી જણસો નથી એમનું કોઈ દુશ્મન નથી બનતું, કારણ કે એવા લોકો સામેવાળો જે કંઈ કહે તે સહી લે છે, સામેવાળો ખોટું કરવાનું કહે તો ખોટું કરવા તૈયાર થઈ જાય છે. પણ સામેવાળાને ના પાડીને એની ખફગી વહોરી લેવાની મર્દાનગી તેઓ દાખવી શકતા નથી. દુશ્મનો હિંમતબાજ માણસોને હોય. દુશ્મનો દુનિયામાં કોઈક સારી વાતોનો ઉમેરો કરી જનારાઓ પાસે હોય.
અજાતશત્રુ એક છેતરામણો શબ્દ છે. જેને કોઈની સાથે દુશ્મનાવટ નથી એવી વ્યક્તિને અજાતશત્રુ કહેવાય, જેને કોઈ દુશ્મનો જ નથી એને અજાતશત્રુ ન કહેવાય. યુધિષ્ઠિર અજાતશત્રુ કહેવાતા. એમણે પોતે કોઈનીય સાથે દુશ્મનાવટ રાખી નહીં. પણ એમની સાથે કેટલા બધાએ રાખી. ગાંધીજી અજાતશત્રુ હતા. પણ એમની સાથે બાબાસાહેબ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ અને નથુરામ ગોડસે સુધીના અનેક લોકોએ દુશ્મનાવટ રાખી.
દુશ્મનાવટનો પ્રકાર બધાની જિંદગીમાં કંઈ એકસરખો નથી હોતો. તમે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ક્લાર્કની નોકરી કરતા હો તો તમારું હસ્તિનાપુર છીનવી લેવા કોઈ દુર્યોધન-શકુનિની જેમ પ્રપંચ નથી ખેલવાનું. બહુ બહુ તો તમારું પ્રમોશન અટકાવશે, તમારી બેસવાની ખુરશી પર જૂની ગાદી મૂકાવશે, તમારી રજાઅરજી મંજૂર નહીં કરે અને અંતિમ પગલાં લેશે તો તમારા પર ખોટા આક્ષેપો મૂકીને તમને નોકરીમાંથી સસ્પેન્ડ કરશે. તમારા માટે આ જ હસ્તિનાપુરથી વિશેષ છે. યુસૂફ ગુટકા કે સલીમ બુટકાને તમારા પર ગોળીબાર કરવામાં કોઈ રસ નહીં હોય, જો તમે માધ્યમિક શાળાના સીધાસાદા શિક્ષક જેવી રહેણીકરણી અને એવી જ વિચારશૈલીથી જીવતા હશો તો. પણ કોઈની જમીન પડાવી લેવા માટે કે કોઈની પાસે ઉઘરાણી કરાવવા માટે તમે એમની મદદ લેશો તો એ જરૂર આજે નહીં તો કાલે તમારો દુશ્મન બનીને તમારો જાન લઈ લેશે.
દરેક માણસના જીવનમાં, એની કારકિર્દીમાં, એના પોતાના કાર્ય મુજબના અને એના પોતાના ગજા મુજબના દુશ્મનો રહેવાના. કેટલાક લોકોનું શરીર પુરૂષનું હોય છે પણ એમનો જીવ ત્રીજી જાતિના જેવો હોય છે. એમની જીવવાની રીત નાન્યતર શૈલીની હોય છે. કોઈની સાથે ક્યારેય બગાડવું નહીં, એ એમનો જીવનમંત્ર હોય છે. આજે જેમને દૂભવીએ તે કાલ ઊઠીને આપણું કંઈ બગાડી બેસે એના કરતાં બધાની સાથે હસી-હસીને હા-જી-હા કરીને વર્તવું - એવું આવા લોકો સિરિયસલી માનતા હોય છે. બીજાઓ મારી ટીકા કરશે, મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડશે, મારા માર્ગમાં વિઘ્નો નાખશે એવું માની લઈને સતત ડરમાં જીવ્યા કરનારાઓ બધાની સાથે દોસ્તી રાખશે - એમને કોઈ જ દુશ્મનો નહીં હોય.
દુશ્મનો બનાવવા માટે જાત સાથેની સચ્ચાઈ સાચવતાં શીખવું પડે. દુશ્મનો બનાવવા માટે બધાને બધી વખત ખુશ રાખ્યા કરવાના પ્રયત્નોની વ્યર્થતાને સમજી લેવી પડે. દુશ્મનો બનાવવા માટે તમારી પોતાની દુનિયામાં તમારું કેટલું મહત્ત્વ છે તે જાણી લેવું પડે.
કોઈકની સાથે દુશ્મનાવટ ન બંધાઈ હોય એવું જીવન અધૂરું કહેવાય. મારે તો કોઈ દુશ્મન જ નથી એવું કહેનારાઓમાં સદ્દગુણોનો ભંડાર હશે એવું માનવા કરતાં એમનામાં હિંમત, આત્મસન્માન તથા નિખાલસતાનો અભાવ હશે એવું માની લેશો તો તમે કંઈ ખોટા પુરવાર નહીં થાઓ. કોઈ માણસ વિશે બધા જ બધી વાતે સારું-સારું બોલતા હોય અને જગતમાં કોઈ જ એનું દુશ્મન નથી એવી તમારા પર છાપ પડતી હોય તો જાણી લેવું કે એ માણસ દુનિયાનો સૌથી મોટો ઠગ હશે, સૌથી ખંધો માણસ હશે.
એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ દુનિયામાં તમારી સાથે મૈત્રી બાંધનારાઓની કે તમારી દોસ્તી ઈચ્છનારાઓની સંખ્યા તમારા દુશ્મનો કરતાં કંઈક ગણી વધારે હોવાની. આ દુશ્મનોને તમારે જ ઓળખી કાઢવા પડે. જે તમારી નજીક છે તેઓમાં જ ભવિષ્યમાં તમારા દુશ્મન બનવાની શક્યતા છે. અજાણ્યું જણ કેવી રીતે તમારું દુશ્મન બને. દુશ્મનો કરવા, કોઈકનું બગાડવા નજીક આવવું જરૂરી છે.
ઘઉંમાંથી કાંકરા દૂર કરો એમ તમારા કુટુંબીઓ, તમારાં સગાંવહાલાં, તમારાં પાડોશીઓ, તમારા સંબંધીઓ, તમારા મિત્રો, તમારા પરિચિતો અને તમારા શુભેચ્છકોમાંથી તમે તમારા દુશ્મનોને વીણી વીણીને દૂર કરી શકો તો જ તમારી પ્રગતિ થાય.
આપણને જે સાચું લાગે તે કામ કરતાં આપણે ડરીએ છીએ. આપણને ડર લાગે છે કે આ કામ કોઈને નહીં ગમે તો? એ મારી ટીકા કરશે, મને બદનામ કરશે, મારું કશુંક બગાડશે તો? આવું વિચારીને આપણે મિત્રોના વેશમાં છુપાઈને બેઠેલા દુશ્મનોના હાથમાં રહેલા હથિયારની તેજ ધાર કાઢી આપીએ છીએ. આપણે જેનાથી ડરીએ છીએ એવી એને જાણ થાય એટલે એ બમણા જોરથી આપણને ડરાવવા માંડે છે. આ રીતે આપણે સતત ડર્યા કરીએ છીએ. જિંદગીમાં ક્યારેય આપણું ધાર્યું કરી શકતા નથી. પછી ક્યારેક મોડે મોડે આપણી આત્મશ્રદ્ધા જાગે છે પણ તે વખતે ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે. દુશ્મનો બનાવવાની બાબતે વધુ મોડું ન થાય એવી તમને સૌને શુભેચ્છા.
લાઈફલાઈન
દુશ્મન ભૂલ કરી રહ્યો હોય ત્યારે ક્યારેય એને ટોકવો નહીં.
- નેપોલિયન બોનાપાર્ટ.
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર