જે જોઈએ છે તે મળતું કેમ નથી?

26 Dec, 2016
12:00 AM

સૌરભ શાહ

PC: greatist.com

ણે જે બનવું છે તે કેમ નથી બની શકતા?

બે કારણ છે એનાં.

એક તો આપણને ખબર જ નથી કે ખરેખર આપણે શું બનવું છે.

અને બીજું કારણ એ કે શું બનવું છે નક્કી કર્યા પછી આપણે અર્જુનને દેખાતી પક્ષીની આંખને બદલે આસપાસનું વાતાવરણ જોવામાં ખોવાઈ જઈએ છીએ.

પૂજ્ય મોરારિબાપુએ હમણાં થાણે, મુંબઈની માનસઃ કિન્નરમાં કહ્યું કે, આ કથા જ મારું જીવન છે. આપણને સૌને આ વાતની ખબર છે કે કથા જ એમનું જીવન છે. અને આપણને એ પણ ખબર છે કે બાપુ નવ દિવસ સુધી રોજના ચાર કલાક કથા કરે છે. બાકીના વીસ કલાક કે પખવાડિયાના બાકીના દિવસો કંઈ તેઓ કથા કરતા નથી. એ સમયમાં તેઓ એમના પરિવાર સાથે આનંદ કરે છે, વડીલો, મિત્રો અને સ્નેહીજનો સાથે સમય વીતાવા છે, અનેક જાહેર કાર્યક્રમોમાં હાજરી આપે છે અને પોતે પણ અસ્મિતા પર્વ, સંસ્કૃત પર્વ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. 365 દિવસની એમની વ્યસ્તતા માત્ર રામચરિત માનસ પૂરતી જ સીમિત નથી. આમ છતાં આ બધી પ્રવૃત્તિઓમાં પ્રગટપણે કે પ્રચ્છન્નપણે રામચરિત માનસ જ છે. માનસ એમનું ફોકસ છે, એમનું લક્ષ્ય છે, એમનો જીવનગોલ છે.

તમારો જીવનગોલ શું છે? મને કોઈ પૂછે તો હું કહીશ કે લેખન મારું જીવન છે. અગેઈન એ જ વાત. હું કંઈ ચોવીસે કલાક લખતો-વાંચતો નથી. નાટકો-પિક્ચરો જોઉં છું, મિત્રો-દોસ્તોને મળું છું, ક્યારેક દારૂની મહેફિલોને માણું છું અને ક્યારેક પૂ. મોરારિબાપુની કથામાં નિયમિત હાજરી આપું છું, એમનું સાંનિધ્ય માણું છું. લખવા-વાંચવાના કલાકો રોજના અમુક જ છે. આમ છતાં મારું જીવન આ લેખન-પ્રવૃત્તિની ઈર્દગિર્દ જ ઘડાયેલું છે – અલમોસ્ટ ચાર દસકાથી.

તમારા જીવનનું લક્ષ્ય કે ફોક્સ અમુક પ્રવૃત્તિ છે એ ક્યારે નક્કી થાય? દાખલો આપીને કહું? આ જગ્યા એવા કોઈ બોસ્ટિંગ માટે નથી પણ ઉદાહરણ ગળે ઉતારવા જરૂરી છે. એટલે ઉલ્લેખ કરી રહ્યો છું.

બાપુની કથા અહીં મારા જ ગામમાં હતી અને એક સાંજે બાપુ નિરાંત કાઢીને મારા આ ગરીબખાનાને પાવન કરવાના હતા. એ દિવસે સવારે હું કથા સાંભળવા નહીં ગયો કારણ કે પવઈથી થાણા લગભગ 45 મિનિટ થાય. આવવા-જવાનો દોઢ કલાક, કથાના ચાર કલાક, વત્તા બીજો અડધોએક કલાક વહેલા પહોંચો, પાછા આવતી વેળા મળતાં વાર લાગે વગેરે.) કુલ છ કલાક થાય. ઘરમાં ઘણું કામ હતું. મંગળવાર હતો એટલે મારે મુંબઈ સમાચારની ડેઈલી કૉલમમાં ઉપરાંત સંદેશ માટે પણ ડેડલાઈન હતી. પવઈથી પાર્લા પણ જવાનું હતું – પુરી અને સેવ વગેરે લાવવા. છેલ્લા પાંત્રીસેક વર્ષથી હું જ્યાંની પુરી-સેવ વાપરું છું એને ગંગાજળ આપીને આ બધું બનાવડાવ્યું હતું અને એકદમ ફ્રેશ રાખવાના આશયથી એણે બધું બનાવ્યું હતું. ડિલિવરી લેવા માટે જાતે જવાનું હતું. ઘરમાં પણ નાનાં-મોટાં હજાર કામ બાકી હતાં.

ઘડીભર વિચાર્યું કે આજે ના પાડી દઉં, સંદેશ અને મુંબઈ સમાચારમાં ફોન કરી દઉં કે બસ, આ જ એક વખત જ મારી કૉલમ નહીં છપાય. પછી વિચાર્યું કે મારી જગ્યાએ પૂ. મોરારિબાપુ કોઈક એવી જવાબદારી લઈને બેઠા હોય તો એ શું કરે? એ દિવસની કથા કેન્સલ કરે? પંદર મિનિટ પણ મોડું ન કરે, મારા બાપ, પંદર મિનિટ પણ મોડું ન કરે. એમના માટે કથા પહેલાં, બીજું બધું જ પછી. તો પછી હવે મને પણ ક્લિયર થઈ ગયું કે આ બે લેખની જવાબદારી પહેલાં, બીજું બધું જ પછી અને એ બીજા બધામાં બાપુ પણ આવી જાય અને આવું કહું છું ત્યારે એમના પ્રત્યેનો કોઈક વિવેક કે એમની કૃપાની અવગણના નથી કરતો, મા સરસ્વતીએ મને સોંપેલી જવાબદારીનો આદર કરું છું.

મેં વિચાર્યું કે લખવામાં જે સમય વીતશે એટલો સમય હું જે નાનાં-મોટાં હજાર કામ ઘરમાં પેન્ડિંગ છે તે નહીં કરી શકું તો ભલે, પણ ડેડલાઈન તો જાળવીશ જ. કૉલમ નહીં છપાય એવું નહીં કરું. કારણ કે લેખન મારું જીવન છે, લખવું એ મારી સૌથી મોટી પ્રાયોરિટી છે. અને મેં લખ્યું. સંદેશમાં ગઈકાલે (રવિવારે) પ્રસન્નતા વિશેનો જે લેખ લખાયો તે અને બુધવાર (21 ડિસેમ્બર)ના દિવસે મુંબઈ સમાચારમાં જે લેખ છપાયો તે મેં એ મંગળવારે ચિક્કાર માનસિક ટ્રાફિક દરમિયાન લખ્યા. લખાઈને મોકલતી વખતે મેં જોયું કે બેઉ લેખો સરસ લખાયા હતા, મને લખવાની મઝા આવી હતી, ઉચાટ-ટેન્શન હોવાં છતાં બેઉ લેખો ધ્યાનમગ્ન બનીને લખી શક્યો હતો. પ્રભુકૃપા. બાપુકૃપા.

બીજી તમામ પ્રવૃત્તિના ભોગે પણ તમને જે કામ કરતાં રહેવાનું મન થાય તે તમારું જીવનકર્મ. બીજાં અનેક મનગમતાં કામોની વચ્ચે પણ જે કામ છોડવાનું મન ન થાય તે તમારો જીવનગોલ.

આપણામાંથી ઘણાને ખબર જ નથી હોતી કે આપણું લક્ષ્ય શું છે? કોઈ કહેશે કે મારે પૈસા બનાવવા છે. સરસ. પણ કઈ રીતે? કોઈ પણ રીતે. એવું ન ચાલે. તમારે નક્કી કરવું પડે કે તમારે કયું કામ કરીને પૈસા બનાવવા છે. તમારે પાનનો ગલ્લો નાખવો છે? ફેક્ટરી નાખવી છે? ફેશન ડિઝાઈનર બનવું છે? બેન્કમાં ધાડ પાડવી છે? સટ્ટો કરવો છે? તમારે એક પ્રવૃત્તિ તો નક્કી કરવી પડે ને? એ વિના તમે વિચાર્યા કરો કે મારે પૈસા બનાવવા છે, પૈસા બનાવવા છે તો એ તો સાવ નકામી વાત થઈ. વળી હું આટલું કહીશ કે આટલા ગુણ્યા વત્તા બીજા આટલા એવી મનોમન સરવાળા-ગુણાકાર કરવાની પ્રવૃત્તિને પણ તમે જીવનના ગોલ સુધી પહોંચવાનો માર્ગ ન ગણી શકો. તમારે જેમાંથી પૈસા કમાવવા છે (કે પછી બનાવવા છે) તે પ્રવૃત્તિ શરૂ કરી દેવી પડે. કોઈ કહે કે મારે ફેમસ થવું છે, કોઈ કહે કે મારો હેતુ જીવનમાં સંતોષ પ્રાપ્ત કરવાનો છે, કોઈ કહે કે મારો ગોલ શાંતિ મેળવવાનો છે તો એ કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમારે પ્રવૃત્તિ કરવી પડશે, કંઈક કામ કરવું પડશે. ફેમ કે સંતોષ કે શાંતિ કે પૈસા કે કંઈપણ એમને એમ તમારા ખોળામાં આવીને નહીં પડે.

બીજી વાત. પ્રવૃત્તિ નક્કી કર્યા પછી એમાં ડૂબી જવું પડશે. અહીં ત્યાં ફાંફા મારવાનાં બંધ કરવા પડશે. આ પણ કરું ને તે પણ કરું એવું થાય તો કરી જોવાનું પણ એમાં વિખેરાઈ જવાનું નહીં. જો વિખેરાઈ જતા હો, અસ્તવ્યસ્ત થઈ જતા હો એવું લાગે તો એ આંટાફેરા બંધ કરીને મૂળ પ્રવૃત્તિને જ વળગી રહેવાનું. એકાગ્રતા એટલે શું? તમે જે કામને જીવનનું સૌથી અગત્યનું કામ માન્યું હોય તે કામ કરતાં તમને કોઈ રોકે નહીં. કોઈ ડર, કોઈ લાલચ તમને બે કામ કરતાં રોકે નહીં. કોઈ બીજા આનંદો પણ તમને તમારા કામમાંથી ચલિત ન કરી શકે. એ કામમાંથી મળતાં આનંદ-સંતોષ-શાંતિ તમને જીવનમાં સર્વોચ્ચ લાગે. એ સિવાયનું બીજું બધું જ ઓછું ઓછું લાગે. તમારા જીવનની સમગ્ર ભરપૂરતા તમને એમાંથી જ મળી રહે.

આવું કંઈક થાય ત્યારે તમારે જે બનવું છે તેની શરૂઆત થાય.

લાઈફ લાઈન

તમને જ્યારે ખબર જ નથી હોતી કે જીવનમાં શું જોઈએ છે ત્યારે તમે જીવનમાં બધું જ મેળવવાના આંધળૂકિયા કરવામાં ખોવાઈ જાઓ છો.

અજ્ઞાત

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.