જો કૂતરાની આદતો બદલી શકાય તો આપણી કેમ નહીં

17 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

સારી ટેવો જલદી ન પડે અને ખરાબ ટેવો જલદી ન છૂટે એવું કેમ થતું હશે? માનસશાસ્ત્રીઓ શું કહે છે એની મને ખબર નથી પણ અનુભવ પરથી કહું તો આ બાબતમાં સ્મૃતિ સૌથી વધારે કામ કરતી હોવી જોઈએ. બીજાં પણ અનેક કારણો હશે પણ સ્મૃતિ મને સૌથી પહેલું કારણ લાગ્યું છે. દાખલા તરીકે બ્રિસ્ક વૉક કરવો કે પછી ઘરમાં કે જિમમાં એક્સરસાઈઝ કરવી સારી ટેવ છે એ બધાને ખબર છે. પણ એ ટેવ જલદી પડતી નથી. શું કામ? કારણ કે એની સાથે આપણી હેપી મેમરીઝ સંકળાયેલી હોતી નથી. ચાલવા જવાનો કંટાળો, જિમમાં શરીરને પડતું કષ્ટ - આ બધી સ્મૃતિઓ આપણામાં આવી ટેવોને પ્રવેશતાં રોકે છે.

ડ્રિન્ક લેવાને કે સિગરેટ પીવાને જો ખરાબ ટેવ ગણીએ તો આ ટેવો સાથે આપણી હેપી મેમરીઝ સંકળાયેલી હોય છે અને આપણે આ સુખદ સ્મૃતિઓને છોડવા નથી માગતા એટલે વારંવાર એના તરફ વળીએ છીએ.

વ્યાયામ શરીર માટે સારો છે અને ડ્રિન્કસ કે સિગરેટ સ્વાસ્થ્ય માટે ખરાબ છે એવું તમને સમજાવી સમજાવીને લોકો-સ્વજનો થાકી જશે તો પણ તમે એમની સલાહને અનુસરવાના નથી. તમને પોતાને પણ ખબર છે કે વ્યાયામ સારો, ડ્રિન્ક-સિગરેટ ખરાબ. એમાં લોકોએ નવું શું કહ્યું. કદાચ તમે પોતે એક્સરસાઈઝની ટેવ પાડવા માગો છો. ડ્રિન્ક-સિગરેટની ટેવ છોડવા માગો છો, છતાં છોડી શકતા નથી. લોકો કહેશે કે તમારામાં વિલ પાવર નથી. તમે પણ માનતા થઈ જશો કે તમારામાં દૃઢ સંકલ્પબળ હોત તો બીજા હજારો લોકોની જેમ તમે પણ પાર્કમાં જોગિંગ કરતા દેખાતા હોત, ડ્રિન્ક-સિગરેટ મુક્ત જીવન જીવતા હોત.

આમાં માત્ર સંકલ્પબળ કે વિલ પાવરની વાત નથી. આમાં માત્ર શરીરમાં રહેલાં કેમિકલ્સમાં થતા ફેરફારોની પણ વાત નથી. આ બે કારણો જરૂર હશે પણ સ્મૃતિ વધારે અગત્યનો ભાગ ભજવે છે એવું મારું કહેવું છે. કેવી રીતે.

જો હું ચાલવાની સાથે કે જિમમાં વજન ઉપાડતી વખતે થતા કષ્ટની સાથે સંકળાયેલા કંટાળા કે દર્દની જગ્યાએ કોઈ સુખદ લાગણી મૂકી શકું તો કોઈ ફરક પડે? લાંબા ગાળાના ફાયદાની વાત હાલ પૂરતી પડતી મૂકો. આને કારણે તબિયતને કેટલો ફાયદો થશે કે ભવિષ્યમાં શરીર કેટલું સુડોળ બની જશે એ બધી લાલચો (સાચી અને વાસ્તવિક હોવા છતાં) બાજુએ મૂકી દો. ચાલતી વખતે જો મને ડ્રિન્ક લેતી વખતે જેવો આનંદ આવે છે એવો જ આવવા માંડે તો? ડ્રિન્ક લેતી વખતે મને શું કામ મઝા આવે છે? મારા શરીરમાં થતા ફેરફારોને કારણે હું મુક્તિ અનુભવું છું, કેટલાક બંધનો છૂટી જતાં હોય એવી હળવાશ અનુભવું છું. ચાલુ ભાષામાં જેને કિક કહીએ તે આવે છે મને. ચાલતી વખતે કે જિમિંગ કરતી વખતે મને કિક મળતી થઈ જાય તો મારા માટે એ પ્રવૃત્તિની સુખદ સ્મૃતિ બની જાય.

પણ પહેલાં મારે જોવું જોઈએ કે આ તથાકથિત શારીરિક કષ્ટમાંથી હું કેવી રીતે કિક મેળવી શકું. જો એક વખત મારા મનમાં કસરતની સુખદ સ્મૃતિઓનો વાસ થઈ ગયો કે ડ્રિન્ક-સિગરેટ સાથે સંકળાયેલી અણગમતી સ્મૃતિઓ મગજમાં જડબેસલાક જડાઈ ગઈ તો મારી આદતો બદલાતાં વાર નહીં લાગે.

વર્ષોથી વાંચતાં આવ્યા છીએ કે પ્રયોગશાળામાં ઉંદરડા જેવાં પ્રાણીઓ પાસે એકની એક વાત કરાવ્યા કરીએ તો એમને એની ટેવ પડી જતી હોય છે. ઉંદરો જ શું કામ, શ્વાનને પણ ટ્રેન કરી શકીએ છીએ. મેં પોતે મારા ફેમિલીમાં જોયું છે. ગ્રેટ ડેનનું બે-ત્રણ મહિનાનું પપી લાવ્યા હતા, ‘સ્કૉચ’ નામ પાડ્યું. એને સારા ટ્રેનર પાસે તાલીમ અપાવી. શ્વાન ઘરમાં જેને પોતાનો માસ્ટર માને છે તેણે પણ આ તાલીમ આપવામાં ભાગ લીધો હોય તો એ ડાહ્યોડમરો થઈને તમારું બધું જ કહ્યું માનતો થઈ જાય છે. અલમોસ્ટ બધું જ. ‘સિટ’ કહો તો બેસી જાય અને ‘કમ’ કહો તો તમારી પાસે આવી જાય એટલા જ હુકમોનું એ પાલન નથી કરતો. કિચન કે પછી બીજી કોઈ જગ્યા એના માટે પ્રતિબંધિત વિસ્તાર છે એવી તાલિમ આપી દીધા પછી એ પોતાનું ભાવતું ખાવાનું બનવાની સુગંધથી આકર્ષાઈને કિચન સુધી આવી જશે તો પણ અંદર નહીં પ્રવેશે. એને ટૉઈલેટ ટ્રેનિંગ આપી હશે તો એ ક્યારેય ઘરમાં ગંદું નહીં કરે એટલું જ નહીં કોઈ વખત તમે કે એનો વૉકર એને વૉક અપાવવા માટે નીચે લઈ જવામાં મોડું કરશો તો પણ એ પોતાની કુદરતી હાજત રોકી રાખશે.

‘અલમોસ્ટ બધું જ’ એટલા માટે કહ્યું કે રસ્તે જતાં તમારો ટ્રેન થયેલો ડૉગી પણ એના કોઈ રાઈવલને જોશે તો એ સીધો જ એના તરફ ધસી જશે. તમે જો લીશ બરાબર પકડી નહીં રાખી હોય તો તમારા હાથમાંથી છૂટીને પેલા તથાકથિત પ્રતિસ્પર્ધી પર તરાપ મારશે, એણે આનું કંઈ નહીં બગાડ્યું હોય તો પણ. જેના બાપદાદાઓ, વડવાઓ શિકારી કૂતરા તરીકે ઓળખાતા એ બ્રીડના શ્વાન કબૂતર કે કોઈ પંખીને જમીન પર જોઈને એને હડપવાની કોશિશ કરશે. આ બધી એની બેઝિક ઈનસ્ટિન્ફસ છે. ડૉગપુરાણ એટલા માટે ખોલ્યું કે મારે આ જ વાત પર આવવું હતું - બેઝિક ઈનસ્ટિન્ફસ. આદિમ ઈચ્છાઓ. ભૂખ, સેક્સ, ઊંઘ, કુદરતી હાજતો વગેરે.

માણસ જ્યારે બાળક હોય છે ત્યારે એને પણ શ્વાનની જેમ ટ્રેન કરવામાં આવે છે. ડાયપરને બદલે બાથરૂમમાં જઈને છીછી-પીપી કરવાની આદત પાડવામાં આવે છે. આ ટ્રેનિંગ કોઈ અસાધારણ બીમારી ન હોય તો છેલ્લા શ્વાસ સુધી આપણી સાથે રહેતી હોય છે. ભૂખ સંતોષવાની બાબતમાં પણ આદતો પાડવામાં આવે છે. અમુક મહિનાના બાળકને માનું દૂધ મળવામાં વાર લાગી તો એ રડારોળ કરી મૂકશે. આ ઉંમરે તમને ઑફિસમાં લંચ ટાઈમ થઈ ગયો હોવા છતાં બૉસે કોઈ અગત્યના કામે રોકી રાખ્યા તો તમે રડારોળ કરતા નથી. આ તમને પાડવામાં આવેલી આદતોનું સુખદ પરિણામ છે. સેક્સની લાગણીને કન્ટ્રોલ કરતાં પણ આપણે શીખી જઈએ છીએ કે આ લાગણી ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે એની સાથે નથી સંતોષાવાની. ઊંઘ પર પણ નિયંત્રણ લાવી શકીએ છીએ. પરીક્ષા વખતે કે બહુ કામ પેન્ડિંગ હોય ત્યારે ઉજાગરા કરી શકીએ છીએ.

આદિમ લાગણીઓને પંપાળવાને બદલે જો તાલિમ આપવામાં આવે તો આદતો બદલાઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો તમે યુ-ટ્યૂબ પર સર્ચ કરીને કૂતરા-બિલાડી કેવી રીતે એકમેકના દોસ્ત બનીને ઘરમાં રહે છે, એકબીજાની કેવી કાળજી રાખે છે, કેટલું સરસ વ્હાલ કરે છે એવી અગણિત વીડિયો જોઈ લેજો. પરંપરાગત રીતે એકબીજાના દુશ્મન હોવાનું જેમના ડીએનએમાં ઊતરી આવ્યું છે એવાં પ્રાણીઓ પણ ટ્રેન કરવામાં આવે ત્યારે (કે પછી કોઈવાર અમુક સંજોગોને લીધે) પોતાની બેઝિક ઈનસ્ટિન્ક્સ પર કાબૂ મેળવી શકતા હોય તો આપણે કેમ નહીં?

અધૂરામાં પૂરું, આપણી જે ખરાબ આદતો હોય છે તે કંઈ આપણને જિન્સમાં નથી મળી હોતી, મોટાભાગની તો આપણે સામે ચાલીને કેળવી હોય છે. જેઓ ડ્રિન્ક લે છે કે જેમણે એક જમાનામાં નિયમિત કે ક્યારેક ક્યારેક પીધું છે તેઓ કબૂલ કરશે કે જિંદગીમાં સૌથી પહેલી વાર એમની જીભ પર બિયર, વાઈન, વ્હિસ્કી એટસેટ્રાનું પહેલું ટીપું પડ્યું ત્યારે કડવું લાગ્યું હતું, કેડબરિ જેવું તો નહોતું જ લાગ્યું. સિગરેટના પહેલા જ કશથી ખાંસી આવી હતી. તમાકુવાળું પાન કે ગુટકો ખાઈને ચક્કર જેવું લાગ્યું હતું. આમ છતાં તમે આ બધી ટેવો કલ્ટિવેટ કરી અને હવે જો આપણે કહેતા હોઈએ કે આ ટેવો છૂટી શકતી નથી તો એમાં આપણી ગેરસમજ છે. જે ટેવો પાડી શકીએ છીએ તે આદતો છોડી પણ શકીએ છીએ. હા, કેટલીક ખરાબ ટેવો પાડવા કરતાં છોડવી અઘરી હોય છે. જેમ કેટલીક સારી ટેવો છોડવા કરતાં પાડવી અઘરી હોય છે. આવું કેમ થતું હશે એની વાત મેં મારા અનુભવ તથા મારી અત્યાર સુધીની સમજણ પ્રમાણે કરી. નેકસ્ટ વીકમાં આ વિશે સંશોધનો કરનારા, અભ્યાસ કરનારા, પ્રયોગો કરનારા અનુભવી પંડિતો શું કહે છે એની વાતો લઈને આવું છું.

લાઈફલાઈન

કોણ કહે છે ભગવાન દેખાતો નથી. એક એ જ તો દેખાય છે, જ્યારે બીજું કોઈ દેખાતું નથી હોતું.

- વૉટ્સએપ પર વાંચેલું.

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.