મોદીની નિંદા કરવામાં નાના માણસોને કેમ સૌથી વધારે મઝા આવતી હોય છે
આજકાલ નરેન્દ્ર મોદીના ઐતિહાસિક ચલણ નિર્ણયની નિંદા કરનારાઓ ગામેગામ ફૂટી નીકળ્યા છે. મુલાયમ-મમતા-માયાવતીથી લઈને રાહુલ-કેજરી સુધીના સૌ કોઈ આડેધડ મોદીના આ બોલ્ડ અને દૂરંદેશીભર્યા પગલાની રાષ્ટ્રીય સ્તરે નિંદા કરી રહ્યા છે. સ્થાનિક સ્તરે મોદીના આ નિર્ણયને બિરદાવનારાઓની નિંદા થઈ રહી છે અને આમાં આ લખનારનો પણ સમાવેશ થાય છે. હું પદ્મશ્રી મેળવવા મોદીનું સમર્થન કરું છું એવું કહીને મને ઉતારી પાડવામાં આવે છે ત્યારે હું બે વાત કહેતો હોઉં છું. એક તો, 2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી ફાટી નીકળેલા રમખાણો વખતે ચારેકોરથી મોદી પર માછલાં ધોવાતાં હતાં ત્યારથી હું મોદીની નીતિઓનો, એમના વિચારોનો અને એમના વ્યક્તિત્વનો સમર્થક-પ્રશંસક રહ્યો છું. એના સિરપાવરૂપે મેં કશું નથી મેળવ્યું. ઊલટાનું ગયું હશે તો મને નુકસાન ગયું હશે જે મેં ખુશી-ખુશી સહન કર્યું છે. બીજી વાત, જે હું ક્યારેક હળવાશથી પણ ગંભીર મોઢું રાખીને કહેતો હોઉં છું કે તમે વિરોધીઓ શું મારી ઔકાત એટલી નાની માનો છો કે એકાદ પદ્મશ્રી-ફદ્મશ્રીની મને લાલચ હોય? હું તો મને ભારતરત્ન મળે એવાં કામો કરવા માગું છું. ભલેને એ મને મરણોત્તર મળે. પણ સરદાર પટેલ અને બાબાસાહેબ આંબેડકરની કક્ષાનાં કામો કરવાની મારી નેમ છે. પદ્મશ્રી તો બહુ નાનું પડે, ભઈલા!
વાત મારે નિંદાની કરવી છે. કોન્ક્રીટ ટીકા કે નક્કર ક્રિટિઝિઝમ આખી જુદી વાત છે. ભિન્નમત હંમેશાં આવકાર્ય હોય. તમારાથી વિરુદ્ધ મત કોઈ પ્રગટ કરે ત્યારે બે વાત તમને કદાચ એમાંથી શીખવાની પણ મળે. પણ અહીં નિંદાની વાત થઈ રહી છે. ફૂથલીની વાત થઈ રહી છે. મુદ્દાસર ચર્ચા કર્યા વિના કોઈને ઉતારી પાડવાની વાત થઈ રહી છે.
નિંદા માનસશાસ્ત્રનો જેટલો વિષય છે એટલો જ સમાજશાસ્ત્રનો પણ છે. સોશ્યોલોજી અને સાયકોલોજી બંનેની દૃષ્ટિએ નિંદાને તપાસવી જોઈએ. નિંદાનો જન્મ અને એનાં પરિણામો સુધીની સફર નિરપેક્ષ રહીને જોવી જોઈએ.
પ્રશંસા, ટીકા, ક્રોધ, ઈર્ષ્યા, નિંદા ઈત્યાદિ મનુષ્ય સ્વભાવની દરેક અભિવ્યક્તિનું જન્મસ્થાન મનની કોઈ એક જગ્યાએ રહેલું હોય છે. દરેક અભિવ્યક્તિની પાછળ એક કારણ હોય છે અને આ કારણ વ્યક્તિને પોતાને પ્રગટપણે ન દેખાય એ શક્ય છે. નિંદાના પાયામાં બે મુખ્ય કારણો રહેલાં છે : એક, અન્ય વ્યક્તિની એવી સિદ્ધિની ઈર્ષ્યા જે સિદ્ધિની ઊંચાઈ તમારે પણ કબૂલવી પડી છે. અને બે, પોતાની નબળાઈઓનું જસ્ટિફિકેશન, પોતાની અસમર્થતાઓનો આડકતરો બચાવ.
આ બેઉ પાસાઓને સહેજ વિગતે જોઈએ.
સામાન્ય રીતે આપણે નિંદા કોની કરતા હોઈએ છીએ?
મુકેશ અંબાણી એમની ગલીના પાનવાળાના ધંધા વિશે ક્યારેય ખરાબ નહીં બોલે. ઑફિસનો બૉસ એના પટાવાળાની કૂથલી નહીં કરે. પોતાના પ્રતિસ્પર્ધીઓની કે પોતાના કરતા ખૂબ આગળ નીકળી ગયા હોય એવા લોકોની, જેમને આંબવાનું કામ અશક્ય વાત હોય એવા લોકોની નિંદા કરવામાં મઝા આવતી હોય છે.
પ્રતિસ્પર્ધીની કે આપણા કરતાં ખૂબ આગળ હોય એવી વ્યક્તિઓની - આ બેઉ પ્રકારના લોકોની સિદ્ધિઓને ઝાંખી પાડવાનું આપણને ગમતું હોય છે.
દરેક સફળ વ્યક્તિની સફળતા વિશે શંકા વ્યક્ત કરનારા હજારો લોકો એની આસપાસના વર્તુળમાંથી મળી આવશે. એ તો એના બાપની તૈયાર ગાદી પર બેઠો છે. સેલ્ફ મેઈડ નથી અને સેલ્ફ મેઈડ હોય તો - એના જૂના ભાગીદારોને પૂછી જુઓ, બધાને છેતરીને પચાવી પાડ્યું છે અને પ્રામાણિકતાથી મેળવ્યું હોય તો - એ તો માત્ર નસીબ કામ કરી ગયું, બાકી એમના જેટલી મહેનત કરનારાઓ તો કેટલાય હતા.
અને તમામ સારા તત્ત્વોના સરવાળા પછી મેળવેલી સિદ્ધિ, જેને પડકારી ન શકાય એવી સિદ્ધિ મેળવનારાની જ્યારે સીધી ટીકા થઈ શકતી નથી ત્યારે માણસો એની નિંદા કરીને એને પછાડવાનો પાશવી આનંદ મેળવતા હોય છે. બીજું બધું બરાબર, પણ તમે એના બૂટ જોયા? કોઈ દહાડો પૉલિશ કરાવે જ નહીં. આટલો મોટો કરોડપતિ પણ બૂટપૉલિશના દસ રૂપિયા ખર્ચતાં જીવ ના ચાલે. અથવા તો પછી : કેટલો મોંઘો સૂટ પહેર્યો છે, કોના ખર્ચે? અથવા તો પછી : આમ આટલું મોટું નામ પણ ભારે મૂડી માણસ. આપણે ગયા હોઈએ તો મૂડ હોય તો વાતો કરે બાકી અડધી ચા ય ના પીવડાવે. અથવા પછી : આ તો બધું પદ્મશ્રી મેળવવાના ફાંફાં છે!
જેને પડકારવા માટે આપણે ખૂબ વામણા હોઈએ એમની નિંદા આપણે પહેલા કરતા હોઈએ છીએ. આવી વ્યક્તિઓના જાહેર, સેમીજાહેર તથા તદ્દન અંગત જીવનમાં ડોકિયું કરવાની એક પણ તક આપણે ક્યારેય છોડતા નથી. ડોકિયું કરીને એ વ્યક્તિની અપનાવવા જેવી વાતોને નિકટતાથી ઓળખવા મળેલા તકનો લાભ ઉઠાવતા હોઈએ તો જુદી વાત છે, પણ આપણને રસ હોય છે એમના વ્યક્તિત્વના ખૂણેખાંચરે રહેલી ઝીણી ઝીણી એવી બાબતો શોધવામાં જે ભવિષ્યમાં એ વ્યક્તિની ગેરહાજરીમાં બીજાઓ સાથે વાત કરતી વખતે એની નિંદા કરવામાં કામ લાગે. ઘણી વખત માણસો મોટા લોકો સાથે પોતાને કેટલા અંગત સંબંધો છે એ જતાવવા એની સાથે થયેલી કોઈ ક્ષુલ્લક વ્યક્તિગત વાતોને ટાંકતા હોય છે. ક્યારેક એમના જીવનની સાવ મામૂલી બાબતોની નિંદા કરતા હોય છે : તમને ખબર છે, અમિતાભ બચ્ચનના રસોડામાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી માટલું લીક થાય છે, તોય જયા બદલાવાની નથી, સાવ ફૂવડ બાઈ છે નહીં!
બીજાઓની સિદ્ધિની ડાયરેક્ટલી કોઈ પણ પ્રકારની નકારાત્મક વાત નથી કરી શકાતી ત્યારે માણસ નિંદાનો આશ્રય લે છે. ક્યારેક મનમાં જૂની કોઈ વાતનો બદલો લેવાની ભાવના પણ હોય છે. એવી વાત જે હજુ સુધી કઠતી હોય પણ જાહેર થાય તો એમાં એનું પોતાનું પણ નીચાજોણું થાય એવો ભય હોય.
આવા સંજોગોમાં નિંદા શ્રેષ્ઠ હથિયાર છે. માણસ બધી રીતે સોનાનો પણ તમને ખબર છે, એક વખત મારી પાસે પાંચ રૂપિયા ઉધાર માગવા આવેલો. તમે પૂછો કે શું તમે આપેલા? તો કહેશે : ના રે ના, પણ આવી રીતે માગે એ કેટલું ખરાબ કહેવાય? આવું કહેતા લોકો સામેના માણસની બીજી કોઈ રીતે ટીકા કરી શકે એમ ન હોય ત્યારે મનમાં સંઘરાયેલી જૂની કોઈ વાતનો સબ કૉન્શ્યસલી આ રીતે બદલો લઈ લેતા હોય છે.
નિંદાના પાયામાં બીજું મહત્ત્વનું કારણ તે સેલ્ફ જસ્ટિફિકેશન. બીજાની કુટેવો, બીજાનો સ્વભાવ, બીજાની સ્વાર્થવૃત્તિઓ, બીજાના સામાજિક વહેવારો, બીજાના આર્થિક વહેવારો, બીજાના સંબંધો, બીજાની લોભવૃત્તિ વગેરેની નિંદા કરવાની આપણને મઝા આવતી હોય છે. એ વ્યક્તિ આપણા કરતાં દરેક દરજ્જે મોટી હોય તો મઝા મોટી આવતી હોય છે. એની નિંદા કરતી વખતે અસાવધપણે આપણે આસપાસના લોકોના મનમાં એક વાત મૂકી દેતા હોઈએ છીએ કે આવી મોટી વ્યક્તિ જ્યારે આવું કરી શકતી હોય તો આપણે તો ભાઈ, નાના માણસ, આપણાથી ક્યારેક એવું થઈ જાય તો ચાલે હવે.
કોઈ ગંદા માણસને જ્યારે ખબર પડે કે પેલો ચોખ્ખો નથી ત્યારે એને જલસા થઈ જતા હોય છે. ગંદકીમાં પોતે એકલો નથી. પોતાના જેવા જ બીજાઓ પણ છે એવો સંતોષ એના દિલને બાગ-બાગ કરી મૂકે છે અને નિંદા કરતી વખતે એ સામેની વ્યક્તિની ગંદકીને બિલોરી કાચની હેઠળ મૂકીને દેખાડવાની કોશિષ કરે છે. રાઈનો પહાડ બનાવીને દેખાડે છે. મોટી વ્યક્તિઓની નિંદા થતી હોય ત્યારે રાઈનો પર્વત જ થતો હોય છે.
કૃષ્ણ કરે તે લીલા અને અમે કરીએ તે ભવાઈ? એવું પૂછનારાઓને પોતાની ભવાઈઓને લીલાનો દરજ્જો આપવા કરતાં વધારે રસ મોટા માણસોની લીલાઓને પોતાની ભવાઈઓની કક્ષાએ મૂકવામાં હોય છે. નીચે બેઠેલા નાના માણસો ઊંચે જવાની ખેવના નથી રાખતા. ઊંચે બેઠેલાઓને પોતાના સ્તર સુધી ખેંચી લાવવામાં એમને વધારે રસ હોય છે. એ જાણે છે કે પોતે ગમે એટલા પ્રયત્ન પછી પણ ઉપર નથી ઊડી શકવાનો. બીજાની બરાબરી કરવાનો એની પાસે આ જ એકમાત્ર ઉપાય હોય છે. નિંદાખોર માણસ કાયમ નાનો જ રહેતો હોય છે, સાંકડો જ રહેતો હોય છે.
લાઈફ લાઈન
જેનું જીવન જેટલું કંટાળાજનક હોય એટલું એની વાતોમાં બીજાની નિંદાનું પ્રમાણ વધારે હોય.
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર