કશું જ વગર મહેનતે મળતું નથી, મળે તો ટકતું નથી, ટકે તો સદતું નથી
'બેસ્ટ ટેન બિઝનેસ બુક્સ' વિશેની સિરીઝ હવે ક્લાઈમેક્સ પર પહોંચી રહી છે. સિરીઝની છેલ્લી બુક વિશે લખવાનું શરૂ કરું તે પહેલાં આ અઠવાડિયે કેટલીક ખાસ વાત.
1. પુસ્તકો વાંચીને તમને બિઝનેસ કરતાં આવડી જશે એવી ભ્રમણામાં નહીં રહેતા. પુસ્તકો વાંચીને તમારી કામ કરવાની પદ્ધતિ ઈમ્પ્રુવ થઈ જશે એવું નહીં માનતા. જીવનમાં માત્ર પુસ્તકિયું જ્ઞાન ક્યારેય કામ નથી આવતું. એવું હોત તો ગોરખપુરની ગીતા પ્રેસમાંથી અત્યાર સુધીમાં વેચાયેલી ભગવદ્દ ગીતાની, તેમજ રામાયણ-મહાભારત તથા અન્ય ધાર્મિક ગ્રંથોની કરોડો નકલો વાંચીને હજારો-કરોડો લોકોનો ઉદ્ધાર થઈ ગયો હોત. પણ એવું નથી થયું. એવું એટલા માટે નથી થયું કારણ કે સારું સારું વાંચવું એ એક વાત છે, એને જીવનમાં ઉતારવું એ તદ્દન જુદી વાત છે. જેમ પ્રેરણાત્મક પુસ્તકો વાંચીને જિંદગી પોઝિટિવિટીવાળી થઈ જતી નથી એવું જ અહીં પણ છે. સ્મશાન વૈરાગ્યનો કોઈ વિરોધી શબ્દ છે? મને તાત્કાલિક નથી સૂઝતો. તમને જડે તો કહેજો. સ્મશાન વૈરાગ્યના એ વિરોધી શબ્દમાં જે લાગણી વ્યક્ત થઈ શકે એવું જ તમને આવાં સરસ-સરસ બિઝનેસ પુસ્તકો, ધાર્મિક ગ્રંથો, પ્રેરણાના પ્યાલા પીવડાવતી ચોપડીઓ વાંચીને થતું હોય છે. ઘડી બેઘડી યુફોરિક લાગે, એક-બે-ચાર દિવસ સુધી 'આજ કલ પાંવ ઝમીં પર નહીં પડતે મેરે' જેવું લાગે. પણ એ ઘડી ભરનો નશો ઊતરી ગયા પછા તમે હતા ત્યાંના ત્યાં આવી જાઓ. આ નશાની ક્ષણોમાં જો તમે લાંબો-ચૌડો ભાવિ નકશો બનાવી નાખ્યો તો ગયા કામથી. બિઝનેસ બુક્સ તમારા માટે માર્ગદર્શક પાટિયા જેવી છે. એ તમને દિશા ચીંધે, તમારી આંગળી ઝાલીને તમારી સાથે નહીં આવે.
2. લોકોની સક્સેસ સ્ટોરીઝથી અંજાઈ નહીં જાઓ. કોણે કેવી રીતે વિઘ્નોનો સામનો કરીને ઝળહળતી સફળતા મેળવી એવી અનેક કથાઓ હોવાની-મોટા ભાગની બિઝનેસ બુક્સમાં. આ તમામ કથાઓમાં સત્યતા ઘણા બધા અંશ હોવાના પણ સંપૂર્ણ સત્ય તથા સત્ય સિવાયનું બીજું કંઈ જ નહીં - એવું તમને ક્યાંય જોવા/વાંચવા નહીં મળે. કોઈએ જાણી જોઈને અમુક વાતો છુપાવી હોય, કોઈકે અજાણતાં અમુક વાતો કહેવાનું ટાળ્યું હોય તો કોઈકે માત્ર પોતાના દૃષ્ટિકોણથી એ કિસ્સાઓ/વ્યક્તિનો અભ્યાસ કર્યો હોય એટલે તમને જે વર્ઝન મળે છે તેમાં અતિશયોક્તિઓ જરૂર હોવાની અને એમાં સંઘર્ષના નામે મેકઅપ કરીને સજાવેલી-ધજાવેલી વાતો પણ હોવાની. દાખલા તરીકે કોઈએ પોતાની જિંદગીનો પહેલો કરોડો રૂપિયાનો કૉન્ટ્રેક્ટ લાગવગથી કે લાંચ આપીને લીધો હોય તો એ પોતાની સક્સેસ સ્ટોરીમાં આવી વાતો કોઈને ય નહીં કહે.
3. મોટા-સફળ માણસોની નબળાઈઓને નહીં, એમના પ્લસ પોઈન્ટ્સને ધ્યાનમાં લો. રામકૃષ્ણ આશ્રમમાં રહેતા નવાસવા સન્યાસીઓમાં બીડી-સિગારેટ પીવાનું ખૂબ ચલણ હતું એક જમાનામાં. શું કામ? તો કહે, સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસનું અનુકરણ કરીએ છીએ! રામકૃષ્ણ પરમહંસ ગાળો બહુ બોલતા એવું રજનીશજીએ ક્યાંક નોંધ્યું છે. હું કે તમે આ બાબતે એમનું અનુકરણ કરીએ તો પરમહંસ નહીં પણ ગલીના ગુંડા બની જઈએ. બિલ ગેટ્સ કે સ્ટીવ જૉબ્સ કૉલેજ ડ્રોપઆઉટ્સ હતા એટલે તમે પણ કૉલેજમાં જવાને બદલે રખડી ખાશો તો બિલ ગેટ્સ કે સ્ટીવ જૉબ્સ નહીં બની જાઓ. ગાલિબ શરાબી અને જુગારી હતા એટલે હું પણ એમના જેવી મહાન કવિતા રચવા માટે શરાબી-જુગારી બની જાઉં તો શાયરી બાજુએ રહી જાય, પોલીસ આવીને પકડી જાય ને ફેમિલીની લાઈફ બરબાદ થઈ જાય તે નફામાં.
4. જિંદગીમાં ટૉપનું કામ કરવું હશે તો ચોવીસે કલાક સપનાં જોવાનું/પ્લાનિંગ કરવાનું છોડીને કામ કરવાનું શરૂ કરી દેવાનું. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, એવું સરકારી સૂત્ર ઈન્દિરાજીની ઈમરજન્સીવાળા દિવસોમાં બહુ પૉપ્યુલર થયેલું. તમને ઈમરજન્સી ગમે કે ના ગમે, ઈન્દિરા ગાંધી વિશે તમારા જે ખ્યાલ હોય તે આ સૂત્રને તમે ક્યારેય અવગણી શકો નહીં. કશું જ વગર મહેનતે મળતું નથી, મળી જાય તો ટકતું નથી ને ટકી જાય તો સદતું નથી. આ વાત હંમેશાં યાદ રાખજો અને સાથે વિશ્વાસ રાખવો કે અહીં કીડીને કણ, હાથીને મણ અને મારા જેવાને પણ મળી જાય છે. મુકેશભાઈને બત્રીસ માળનો બંગલો મેઈન્ટેન કરવાનો જે મન્થલી ખર્ચો આવે તે મળી જવાનું છે અને આપણને વન બીએચકેનો માસિક ખર્ચ કાઢી શકીએ એટલું મળી જવાનું છે. ભગવાન દરેકને એના ગજા પ્રમાણેની એન્ટિક્વિટી કે બ્લ્યુ લેબલ પીવડાવતો જ હોય છે. એટલે ન તો ઝાઝી ઈન્સિક્યુરિટીમાં રહેવું, ન ઝાઝી-મોટી લાલચો રાખવી. બસ, કામ કરતાં રહેવું.
ચંદ્રકાન્ત બક્ષીએ ટાંકેલી એક રશિયન કહેવતને હસમુખ ગાંધી, બક્ષી સા'બને યાદ કરીને, ઘણીવાર ટાંકતા : ભૂખ નથી? ખાતાં જાઓ, ભૂખ લાગવા માંડશે!
સક્સેસનું પણ એવું જ છે. સફળતા નથી મળતી? કામ કરતા જાઓ એની મેળે એ આવશે.
5. પાંચમી ને છેલ્લી વાત. બિઝનેસ બુક્સમાંથી જાણવા મળતી વાતોનો અમલ કરતી વખતે તમારી પાત્રતા, તમારી હેસિયતનો વિચાર કરીને એ વાતોને ટિપ્સને ફાઈન ટ્યૂન કરી લેવાની, એમાં તમને લગતા જરૂરી ફેરફારો કરી લેવાના. આ બધી જ ટિપ્સનો જો ખરેખર યથાવત અમલ મૂકીને કરોડપતિ થઈ જવાતું હોય તો લોકો આવી બિઝનેસ બુક્સ લખવાને બદલે પોતે જ એ ટિપ્સ અમલમાં મૂકીને ક્યારના કરોડપતિઓ થઈ ગયા હોત.
જિંદગીમાં કશું જ તમને તાસક પર મૂકાઈને મળતું નથી. તમારે તમારી રીતે પડી-આખડીને ટ્રાયલ એન્ડ એરરની ક્રિયામાંથી પસાર થઈને આગળ વધવાનું હોય છે. આગળ દોડવાની આ પ્રોસેસમાં સારી બિઝનેસ બુક્સમાં આવતી વાતો તમને સાકર નાખેલા લીંબુ પાણીની જેમ શક્તિવર્ધક પીણાંની ગરજ સારે એટલું જ. બાકી ચાલવાનું તમારા પગે જ છે, જે પીંડીઓ પર સોજો ચડવાનો છે તે તમારી જ હશે અને આખા શરીરમાંથી જે પરસેવો નીચોવાશે તે પણ તમારો જ હશે.
આટલી વાત મારે સિરીઝ પૂરી કરતાં પહેલાં કરવાની હતી, પૂરી કર્યા પછી લખી હોત તો કોઈ આ વાત સાંભળવા રોકાયું ન હોત. બિઝનેસ બુક્સ વાંચીને, કલ્પનાઓ કરીને, ફેન્ટસીઓ કરીને માસ્ટર બેટ કરવાથી માત્ર ક્ષણિક આનંદ મળે છે. જો ખરેખર એ પ્રક્રિયાનું પોઝિટિવ અને પરિણામ તમારે જોઈતું હોય તો પાર્ટનર શોધીને કે પછી તુષાર કપૂરની જેમ આઈવીએફ વત્તા સરોગસી દ્વારા એક નવા જીવને જન્મ આપવો પડે. એક પ્રોજેક્ટ શરૂ કરવો પડે કે તમારા કામમાં આ બધી ટિપ્સનો અમલ કરવો પડે. આય થિન્ક તમે સમજી ગયા, હું શું કહેવા માગું છું.
લાઈફ લાઈન
તમે પ્લાનિંગ કર્યા કરવામાં બિઝી હો છો ત્યારે જે વીતી જાય છે ને તે જિંદગી હોય છે.
- એલન સૉન્ડર્સ
(અમેરિકન રાઈટર, જર્નલિસ્ટ, કૉમિક સ્ટ્રિપ રાટીર : 1899-1986)
www.facebook.com/saurabh.a.shah
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર