સંજોગો તમને નથી ઘડતા, તમે સંજોગોને ઘડો છો

15 Feb, 2016
12:05 AM

mamta ashok

PC:

બેસ્ટ બિઝનેસ બુક્સની એક પૉપ્યુલર યાદીમાં મેં જેમ્સ એલનના પુસ્તક ‘એઝ અ મૅન થિન્કથ’ (As a man thinketh). અર્થાત માણસ જે વિચારે છે તે જ બને છે એવો વિશાળ અર્થ એના શીર્ષકનો થાય, એ પુસ્તકનું નામ વાંચ્યું. સો વર્ષ કરતાં વધારે જૂનું આ પુસ્તક બિઝનેસ બુક્સની યાદીમાં શું કરે છે એવું જો તમને લાગે તો જાણી લેજો કે કોઈપણ બિઝનેસ કે પ્રોફેશન માટે, કોઈ પણ કામકાજ માટે પાયાની જે સૌથી મોટી જરૂરિયાત છે તે સ્વસ્થ દિમાગની. તમારું મન કે મગજ ઉન્માદમાં અર્થાત યુફોરિયામાં હોય અને આવેશમાં તમે તમારા કામકાજને લગતા કોઈપણ નિર્ણયો લઈ લો તે ખોટું. અને તમે હતાશામાં હો, ડિપ્રેશનમાં હો અને એવા દૌરમાં કામકાજને લગતા કોઈપણ નિર્ણયો લો તે પણ ખોટું. દિમાગની, મનની, લાગણીની, સ્વભાવની - જે ગણો તે - સ્વસ્થતા ખૂબ જરૂરી. આવેશમાં કે હતાશામાં તમે કદાચ ઉત્તમ કાવ્યનું કે ઉમદા વાર્તાનું સર્જન કરી નાખો એવું બને. પણ ધંધો કે વ્યવસાય ક્યારેય એ રીતે ન થાય. અને એટલે જ મેં જે ડઝન કરતાં વધુ પુસ્તકોની તારવણી કરીને એમાંની મને લાગેલી ટેન બેસ્ટ બિઝનેસ બુક્સ વિશે લખવા ધાર્યું છે, એમાં પહેલો ક્રમ જેમ્સ એલનની આ નાનકડી પુસ્તિકા જેવડી બુક ‘એઝ અ મૅન થિન્કથ’ને આપ્યો છે. આ પુસ્તિકામાં આપેલી ગાઈડલાઈન્સ પાળવાની શરૂઆત કરશો તો જ બિઝનેસ શરૂ કરવાનું પહેલું પગથિયું ચડી શકશો.

બાય ધ વે, અહીં જે પુસ્તકોનો ઉલ્લેખ થાય છે અને થશે તે પુસ્તકો તમને ફ્લિપકાર્ટ કે ઍમેઝોન પર મળી શકશે. ન મળે તો ગૂગલ સર્ચ કરજો. કદાચ કોઈ સારી લાયબ્રેરીમાં પણ મળે. એના ગુજરાતી અનુવાદો ઉપલબ્ધ છે કે નહીં એની મને જાણ નથી. તમે તમારી રીતે તપાસ કરી લેજો. (ટૂંકમાં મને હેરાન કરતા નહીં!). જેમ્સ ઍલનની આ પુસ્તિકાની ઑડિયો બુક યુ ટ્યુબ પર અવેલેબલ છે.

1902ની સાલમાં પ્રગટ થયેલી આ પુસ્તિકાની કેટલા લાખ નકલો છપાઈ હશે એનો કોઈ હિસાબ નથી. જેમ્સ ઍલન (28 નવેમ્બર 1864-24 જાન્યુઆરી 1912) બ્રિટિશ ફિલોસોફિકલ રાઈટર હતો, જેનાં પ્રેરણાત્મક પુસ્તકો તેમ જ કાવ્યો ખૂબ જાણીતાં થયાં અને સેલ્ફ ઈમ્પ્રુવમેન્ટનાં લખાણો/પ્રવચનોની બાબતમાં એ પાયોનિયર ગણાય છે એવું એના પરિચયમાં લખવામાં આવ્યું છે. પંદર વર્ષની ઉંમરે એના બાપને લૂંટીને બાપનું મર્ડર કરી નાખવામાં આવ્યું એટલે એણે કુટુંબનું ભરણપોષણ કરવા અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. ચાળીસ વર્ષનો થાય એ પહેલાં જ એણે આજીવિકા મેળવવા માટે કરવા પડતાં કામ છોડીને ફુલટાઈમ લખવાનું સરૂ કર્યું. 18 પુસ્તકો લખ્યાં. એક મેગેઝિન પણ પબ્લિશ કર્યું. 48 વર્ષે તે ગુજરી ગયો.

પ્રસ્તાવનામાં એક વાત જેમ્સ ઍલને બહુ સરસ લખી છે કે, ‘આ જે તમારું મન કે દિમાગ છે તે જ તમારા આંતરવસ્ત્ર અર્થાત તમારા ચારિત્ર્ય કે તમારા સ્વભાવને ઘડે છે અને એ જ તમારાં બહારનાં કપડાં એટલે કે તમારા સંજોગોને સર્જે છે.’ આ મન એટલે આપણા વિચારો.

હવે જે લખાણ આવશે તે જેમ્સ એલનના પોતાના વિચારો છે અથવા એના વિચારોનું અર્થઘટન કે વિશ્લેષણ છે. મારું મૌલિક કશુંએ નથી એમાં.

માણસ જેવું વિચારે છે એવો જ એ બની જાય છે. તમે તમારામાં જે વાવો છો એવું જ લણો છો. તમારું કેરેક્ટર (અર્થાત્ સ્વભાવ) સારું હશે તો તે તમે વર્ષોથી સેવેલા વિચારોને પ્રતાપે. તમે જો ખરાબ કે નકામા હશો તો તે પણ વર્ષોથી તમારામાં સંઘરાયેલા એવા વિચારોનું જ પરિણામ હશે.

આનો અર્થ એ થયો કે જો તમારે તમારી જાતને કે તમારા સંજોગોને બદલવા હશે, એમાં ધરમૂળથી પરિવર્તન લાવવું હશે કે પછી એને ફાઈન ટ્યૂન કરવા હશે તો તમારે તમારા વિચારોને જ બદલવા પડશે. કયા વિચારોને તમે તમારામાં પ્રવેશવા દો છો, કયા વિચારોનું અમલીકરણ તમે કેવી રીતે કરો છો એના આધારે તમારી ચડતી-કે તમારી પડતી થવાની છે. આ અર્થમાં તમે પોતે જ તમારા મુકદ્દરના સિકંદર છો, બીજું કોઈ નહીં. તમારું નસીબ તમે જ ઘડો છો, વિધાતા કે ભગવાન નહીં અને જ્યારે તમને વિશ્વાસ બેસશે કે તમે જ તમારા ભવિષ્યનું નિર્માણ કરી શકો એમ છો ત્યારે તમારામાં અભૂતપૂર્વ આત્મવિશ્વાસ પ્રગટવાનો. એ સેલ્ફ કૉન્ફિડન્સ તમને સાચા નિર્ણયો લેવાની પ્રેરણા આપશે.

પડતીના સમયમાં આપણે આપણી જાતને નબળી પડી ગયેલી સમજતા હોઈએ છીએ. પણ યાદ રાખો કે આવા કપરા સંજોગોમાં પણ તમારા મનના માલિક તમે પોતે જ છો. ખરાબ સમયમાં પણ તમારું મન કોઈનું ગુલામ નથી થઈ જતું એ વાત હંમેશાં યાદ રાખવાની.

તમારામાં જે વિચારો તમે ભર્યા હશે તેને કારણે જ તમારા સંજોગો સર્જાય છે. પરિસ્થિતિને કારણે વિચારો બદલાતા નથી પણ વિચારોને કારણે પરિસ્થિતિ સુધરતી કે બગડતી કે યથાવત રહેતી હોય છે. તમારું આંતરિક જગત જેવું હશે એવું જ તમારું બાહ્ય જગત સર્જાવાનું. અંદરથી તમે ખળભળાટ અને અંધાધૂંધી અનુભવતા હશો તો બાહ્ય જગત પણ તમને એવું જ લાગવાનું. તમારા વિચારોમાં તમે તમને પોતાને સંતોષી, આનંદી, પ્રસન્ન અને સુખી મનતા હશો તો તમને તમારા સંજોગો પણ એવા જ લાગવાના. આનો અર્થ એ નથી કે દરેક વખતે તમારા સંજોગો તમારા આંતરિક જગત જેવા જ રહેવાના. ક્યારેક જિંદગીમાં એવી ઘટનાઓ બને જેના પર તમારો કે તમારા આંતરિક જગતનો કોઈ કાબૂ ન હોય, પણ એ ઘટનાઓનું સર્જન પણ ક્યાંક ને ક્યાંક તમારા વિચારો, તમારા સ્વભાવ સાથે સંકળાયેલું જ હોય છે.

તમે અત્યારે જે છો, જ્યાં છો ત્યાં અકસ્માતે નથી પહોંચ્યા. તમારી અત્યારની આ પરિસ્થિતિનું સર્જન તમારામાં રહેલા વિચારોને કારણે જ થયેલું છે. સંજોગો માણસને ઘડતા નથી. માણસ પોતે જ પોતાના સંજોગોને સર્જે છે. અને એ સંજોગો દરમિયાન માણસનું પોતાનું અંદરનું સત્ત્વ, એની આંતરિક માલમત્તા બહાર પ્રગટ થઈ જાય છે. યાદ રાખવાનું કે આપણને જે ‘જોઈએ’ છે તે આપણે આપણા તરફ આકર્ષી શકતા નથી પણ આપણે જે ‘છીએ’ તેને કારણે જ આપણા સુધી જે કંઈ આવે છે તે આવતું હોય છે. માટે જ ઈચ્છાઓ કરવાને બદલે જાતને એ ઈચ્છાઓની પૂર્તિ માટે લાયક બનાવવાનું કામ વધારે અગત્યનું છે.

આનો અર્થ એ થયો કે સંજોગો સામે લડવાનો કોઈ અર્થ નથી. આ સંજોગો તો તમે પોતે જ સર્જેલા છે. આ સંજોગો જેને કારણે સર્જાયા છે તે કારણો તમારા પોતાનામાં સંઘરાયેલાં છે. તમે એ કારણો બદલાવ્યા વિના સંજોગોને બદલવાની કોશિશ કરશો તો પથ્થર પર માથું પટકવા જેવું થશે. કોઈ પરિણામ નહીં આવે, તમારે એ કારણો બદલવાનાં છે. આ કારણો એટલે તમારા વિચારો. એ બદલાશે તો જ સંજોગો પલટાશે.

દરેક માણસ ઈચ્છે છે કે પોતાના સંજોગો સુધરે. પણ એ પોતાને સુધારવા નથી માગતો. અને એટલે જ એ જ્યાં છે ત્યાં રહેતો હોય છે. કોઈ અત્યંત મામુલી માણસ, આર્થિક રીતે કંગાળ હોય એવો માણસ પોતાની પાસે સારું ઘર હોય, સુખ સગવડો હોય એવાં સપનાં સેવે. પણ બીજી બાજુ પોતાની નોકરી કે પોતાના કામકાજ પ્રત્યે બેદરકાર રહે, પોતાને પૂરતું વળતર કે પૂરતો પગાર નથી મળતો એમ માનીને પોતાના ઘરાકોને કે શેઠને છેતરતો રહે તો એ માણસ ક્યારેય ઊંચો નહીં આવે. ઊંચો તો નહીં જ આવે, કિન્તુ વધુ ને વધુ બેહાલ થતો જવાનો.

આ જ રીતે કોઈ પૈસાવાળો માણસ ગંભીર બીમારીમાં પટકાય અને સાજા થવા માટે જોઈએ એટલો ખર્ચ કરવા તૈયાર હોય પણ પોતાના આહાર-વિહાર પર નિમંત્રણ મૂકવા તૈયાર ન હોય, પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરવા તૈયાર ન હોય તો એની હેલ્થ ક્યારેય સુધરવાની નહીં.

એ જ રીતે જે માલિક કંજૂસી કરીને એના કર્મચારીઓ-કામદારોને પગાર આપતો હોય, કરવેરાની ચોરી કરતો હોય ને પરિસ્થિતિમાં પલટો આવતાં એણે દેવાળું ફૂંકવું પડે ત્યારે એવી પરિસ્થિતિ એણે પોતે જ સર્જેલી હોય છે.

જેમ્સ એલને આ ત્રણ ઉદાહરણ આપીને ઉમેર્યું છે કે આ ત્રણ દાખલા એટલા માટે આપ્યા કે માણસ પોતાની પરિસ્થિતિ સુધારવાની હોંશમાં પોતાની જાતને બદલવાનું ભૂલી જતો હોય છે અને એટલે જ એના જીવનની ખાના-ખરાબી થતી હોય છે, એવું સ્પષ્ટપણે તમને સમજાવી શકું.

જેમ્સ એલનની બાકીની વાતો નેકસ્ટ વીક.

લાઈફ લાઈન

તમારી નિષ્ફળતા સમયે તમે શું કરો છો એના આધારે જ નક્કી થાય છે કે તમને કેવી સફળતા મળશે.

ડેવિડ ફીહર્ટી

(પ્રોફેશનલ ગોલ્ફર : જન્મ  13 ઑગસ્ટ 1958)

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.