નવું કામ શરૂ કરો છો? એક સલાહ આપું તમને...

04 May, 2015
01:00 AM

mamta ashok

PC:

તમે એક નવું કામ શરૂ કરી રહ્યા છો. નવો પ્રોજેક્ટ, નવો કન્સેપ્ટ માર્કેટમાં મૂકી રહ્યા છો. તમારા પર હજાર સૂચનોનો વરસાદ શરૂ થઈ જશે - આ કામ આમ ન થાય તેમ થાય, આવું કરવા જશો તો ડૂબી જશો, ફલાણાએ મારી સલાહ માની તો આજે એ ક્યાંનો ક્યાં પહોંચી ગયો.

કોઈપણ નવું કામ શરૂ કરતી વખતે તમારી આસપાસ બીજા કોઈનેય ફરકવા દેવા નહીં. પાર્ટનરશિપમાં કામ શરૂ કર્યું તો તમે અને તમારા પાર્ટનર બે જ જણા જોઈએ બ્રેઈન સ્ટૉર્મિંગ માટે. અને જો ટીમ સાથે હોય તો ટીમમાંની જે વ્યક્તિને તમારા સબ્જેક્ટ સાથે લેવાદેવા હોય તે જ વ્યક્તિનાં સજેશન્સ મેળવવાનાં. તમે કોઈ નવું મલ્ટીસ્ટોરીડ બિલ્ડિંગ બાંધતા હો ત્યારે એની ડિઝાઈન વિશેના ડિસ્કશન્સમાં આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચરલ ડિઝાઈનના નિષ્ણાતો સિવાય બીજા કોઈની જરૂર નથી. આવી મીટિંગમાં ઍકાઉન્ટ્સવાળાની કે એચ.આર.ના ચીફની જરૂર નથી.

તમારા દિમાગમાં સ્ફૂરેલો નવો વિચાર તમારો પોતાનો છે. એ વર્જિન વિચારને કિડ્નૅપ કરીને એના પર બળાત્કાર કરવાની ઈચ્છા ઘણાને થઈ આવવાની. પણ એ ફ્રેશ વિચારનું શિયળ સાચવવાની જવાબદારી તમારી. સૂચનોનો મારો ચલાવીને કોઈ તમારા મૌલિક વિચારને પીંખી નાખવા આતુર હોય ત્યારે તમારે જીવ પર આવીને, હિંમતથી એનો સામનો કરવો પડે.

ગુજરાતી નાટક જગતમાં સ્ટીવન સ્પીલબર્ગની કક્ષાનું કામ કરી ગયેલા નિર્માતા-દિગ્દર્શક સ્વ. કાન્તિ મડિયાના જીવનનો એક કિસ્સો છે. મડિયાનું નાટક પૂરું થયા પછી કોઈ મહાનુભાવ એમને અભિનંદન આપવાના બહાને બૅક સ્ટેજ ગયા અને બોલ્યા, ‘મડિયાજી, સેકન્ડ ઍક્ટના થર્ડ સીન વિશે એક સૂચન કરું તમને?’ મડિયાએ પોતાના યુનિટના એક સૌથી જુનિયર છોકરાને બોલાવીને કહ્યું, ‘એય, અહીં આવ જરા. આ ભાઈ શું કહેવા માગે છે તે બહાર સમજી લે!’

સૂચનો આપવાના શોખીનોની હોંશ અહીં જ પૂરી થઈ જાય. સૂચનશોખીનો પોતાને બીજાઓ કરતાં થોડાક વધુ ડાહ્યા સમજતા હોય છે. ટુ બી પ્રિસાઈસ એક્ઝેટલી ફિફ્ટી પર્સેન્ટ વધુ ડાહ્યા. ગમે ત્યારે ગમે તેના માટે અભિપ્રાયો છુટ્ટા ફેંકવાનો રાષ્ટ્રીય શોખ છે ભારતમાં. રસ્તા પર બેસીને ભીખ માગનારાઓથી માંડીને પચીસ હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના ચૅરમૅનના ચપરાશી સુધીની કોઈપણ વ્યક્તિને અભિપ્રાય આપવાની છૂટ છે આ દેશમાં. આ ગમ્યું, આ ન ગમ્યું. કોઈ રેસ્ટોરાંમાં જઈને ડિનર લીધું - બકવાસ છે, ટ્વિટર પર ટ્વિટ કરી દીધું. આ ફિલ્મ નકામી છે - ફેસબુક પર ઝાડી નાખી એને. આ માણસ, આ શહેર, આ નેઈલ પૉલિશ, આ વડાપ્રધાન. અભિપ્રાયોનો વરસાદ વરસતો રહે છે.

અભિપ્રાયો આપવાની કળામાં ગ્રેજ્યુએટ થઈ ગયેલા લોકોને સૂચનો કરવાની આર્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાની જબરજસ્ત ચળ ઊપડતી હોય છે. ધોની સારું રમ્યો કે ખરાબ એવો આજે અભિપ્રાય આપનારાઓ આવતી કાલે સૂચન કરવાના છે કે વિરાટ કોહલીએ બૅટ કેવી રીતે પકડવું જોઈએ. સૂચનો કરવામાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા લોકો એક તબક્કે પોતાને દરેક ક્ષેત્રના એક્સપર્ટ માનીને પીએચ.ડી. થઈ ગયેલા સમજવા માંડે છે.

તમે તમારા નવા વિચારને અમલમાં મૂકવાની તૈયારી કરો છે ત્યારે તમારો અનુભવ, તમારી સમજ, તમારું સમગ્ર અસ્તિત્વ એમાં રેડી દેતા હો છો. ચોવીસે કલાક એની પાછળ મંડી પડો છો, એમાં ગળાડૂબ રહો છો. બહારનું કોઈ તમને સૂચન કરે છે ત્યારે ન તો એની પાસે તમારા જેટલું ઈન્વોલ્વમેન્ટ હોય, ન કમિટમેન્ટ. તમારા નવા આઈડિયાનો ઓવરઑલ વ્યૂ તમારા એકલાની પાસે જ હોવાનો. તમારી કલ્પનામાં તમે પૂરું ચિત્ર જોઈ શકતા હો છો, ભલે ને હજુ કૅનવાસ પર પીંછીનો પહેલો જ સ્ટ્રોક પડ્યો હોય.

રિક્શાવાળો હોય કે ક્રિકેટર. કોઈને પોતાના કામમાં દખલગીરી નથી ગમવાની. સૂચનો મેળવવાં જ હશે તો એ પોતાના કરતાં જેને મહાન ગણે છે એવી વ્યક્તિ પાસે જઈને સામેથી પૂછી લેશે. સચિન તેન્ડુલકરે ડૉન બ્રેડમૅનને પૂછ્યું હતું કે મારી ટેક્નિકમાં ક્યાં ક્યાં સુધારો કરી શકાય? રિક્શાવાળો એના પૅસેન્જરને નથી પૂછવાનો કે મારે ગાડી કેવી રીતે ચલાવવી.

દખલગીરી કોઈને નથી ગમતી. રસોઈ બનાવવામાં ઓતપ્રોત થઈ ગયેલી સ્ત્રીને, જેમ કોઈ વચ્ચે વચ્ચે ચાખીને સૂચનો કર્યા કરે તે પસંદ ન પડે એમ કોઈ નવું, કંઈક હટીને કામ શરૂ કરી રહેલા માણસને પણ બીજી વ્યક્તિઓ ચાલુ પ્રક્રિયાએ સલાહસૂચનો આપ્યા કરે તે પસંદ ન પડે. હક્ક વિના કોઈ વ્યક્તિ બીજાની સર્જન પ્રક્રિયામાં દખલગીરી કરે એને સારી ભાષામાં ‘ઉદ્દેશવિહીન ચરણવિક્ષેપ’ કહેવાય અને સમજ પડે એવી ગુજરાતીમાં ‘ખાલી ફોગટ ટાંગ અડાડવી’ કહેવાય.

સર્જનની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે કે પૂરી થઈ ગઈ હોય ત્યારે સૂચનો ઉપકારક નીવડે, પણ કોનાં? જે વ્યક્તિ આવી સર્જનશીલતાને, નવા પ્રકારના પ્રોજેક્ટની મૌલિકતાને, એક ઓરિજિનલ થૉટને સમજી શકે, આવા સર્જનની પ્રસૂતિની પીડામાંથી એ પોતે પણ પસાર થઈ હોય. આવી વ્યક્તિઓનાં સૂચન એક ઉદ્દીપક તરીકે, કૅટલિસ્ટ તરીકે કામ કરે અને એક નાનકડો આઈડિયા આવા સૂચનને કારણે ભવ્ય આકાર ધારણ કરે એવું બને. પણ જેમનાં સૂચનો સો ટચનું સોનું પુરવાર થાય એવી વ્યક્તિઓ કેટલી? આપણી આસપાસની મોટાભાગની વ્યક્તિઓ એવી હોવાની જેમને બીજાની ક્રિએટિવ પ્રોસેસમાં ચંચુપાત કરવાનું, ઉટપટાંગ સૂચનો આપવાનું અને પોતે પણ ‘વિચારી’ શકે છે એવો દેખાડો કરવાનું ગમતું હોય છે. આવા લોકોનું એકાદ નાનકડું ભળતુંસળતું સૂચન પણ મૂડ કિરકિરો કરી મૂકવા માટે કાફી હોય છે.

અહીં પંડિત મુખરામ શર્માના બે જાણીતા કિસ્સા યાદ આવે છે. હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક જમાનામાં મુખરામ શર્મા હાઈએસ્ટ પેઈડ રાઈટર હતા. આઈ એમ ટૉકિંગ અબાઉટ ધ ફિફ્ટીઝ. આપણા બધાનાં જનમ પહેલાંની વાત. ખૂબ બધી હિટ ફિલ્મોની વાર્તા, પટકથા, સંવાદ એમણે લખ્યાં. ‘ઔલાદ’, ‘વચન’ અને ‘સાધના’ માટે ‘ફિલ્મફેર એવોર્ડ’ મળ્યા. આ ઉપરાંત ‘તલાક’, ‘પવિત્ર પાપી’, ‘સંતાન’ વગેરે ફિલ્મોની વાર્તા-પટકથા પણ એમણે લખી. પં.મુખરામ શર્માએ એક વખત બી.આર. ચોપરા માટે સ્ટોરી ડેવલપ કરવાની શરૂઆત કરી. ચોપરા સા’બે પંડિતજીને કહ્યું કે, ‘થોડું લખાઈ જાય પછી એક દિવસ યુસૂફસા‘બને સંભળાવી આવીએ, એમણે જ કહ્યું છે.’ એ વખતે દિલીપકુમાર ટોચ પર હતા અને ફિલ્મના હીરો તરીકે નક્કી થઈ ચૂક્યા હતા. ડહાપણ એમાં જ હતું કે પંડિતજી ચૂપચાપ ચોપરાસા’બે કહ્યું એ મુજબ દિલીપકુમાર સાથે સ્ટોરીસેશન કરે.

પણ પંડિતજી અડી ગયા : ‘હું કંઈ કોઈને મારી વાર્તા સંભળાવવા ન જાઉં. ડાયરેક્ટરને સંભળાવી છે તે પૂરતું છે.’ પરિણામ એ આવ્યું કે ફિલ્મમાંથી પંડિતજી આઉટ થઈ ગયા. એમની સ્ક્રિપ્ટને બદલે બીજી સ્ક્રિપ્ટ પરથી ફિલ્મ બની. હીરો દિલીપકુમાર જ રહ્યા અને ફિલ્મ બની ‘નયા દૌર’. જબરજસ્ત હિટ થઈ. ઓ.પી.નૈયરનું મ્યુઝિક. સાહિલ લુધિયાનવીના ગીતો : 'ઉડે જબ જબ ઝૂલ્ફેં તેરી', 'સાથી હાથ બઢાના', 'માંગ કે સાથ તુમ્હારા', 'રેશમી સલવાર કૂર્તા જાલી કા', 'યે દેશ હૈ વીર જવાનોં કા....'

ખેર. ‘નયા દૌર’ની સકસેસ પાર્ટીમાં પંડિત મુખરામ શર્માએ દિલીપકુમારને જઈને કહ્યું, ‘મારી સ્ક્રિપ્ટ પૂરી થાય તે પહેલાં તમને સંભળાવવાની મેં જ ના પાડી હતી.’ (ફિલ્મની સ્ક્રિપ્ટ પછી અખ્તર મિર્ઝા અને કામિલ રશીદે લખી હતી). દિલીપકુમાર હસીને બોલ્યા, ‘સંભળાવી હોત તો શું બગડી જાત? સજેશન તો કોઈપણ આપી શકે.’ પંડિતજીએ કહ્યું, ‘ડાયરેક્ટર સાથે, માની લો કે, નક્કી થયું છે કે મારે ગાયનું ચિત્ર દોરીને એમને આપવાનું છે. હવે જ્યાં સુધી આખેઆખી ગાય દોરાઈ ન જાય ત્યાં સુધી કોઈ સજેશન કેવી રીતે આપી શકે? હા, હું ગાયનું ચિત્ર પૂરેપૂરૂં દોરી લઉં અને એમાં પૂંછડી ગાય જેવી નહીં પણ ઘોડા જેવી ચીતરી હોય કે પછી એનાં શિંગડાં-કાન દોર્યાં જ ન હોય તો કોઈ સજેશન આપે એ બરાબર છે. અધૂરા ચિત્રે વળી સજેશન શેનું?’

આ એક કિસ્સો જેમાં પંડિતજીનો લૉસ થયો. તમારી મૌલિકતા સાચવવા તમે તમારી વાત પર મક્કમ રહો ત્યારે કશુંક ગુમાવવાની તૈયારી રાખવી પડે. આના કરતાં તદ્દન વિપરીત કિસ્સો. બી.આર. ચોપરાના પ્રોડકશનની જ ફિલ્મ ‘ધૂલ કા ફુલ’. ડિરેક્ટર તરીકે બી.આર.ના નાના ભાઈ યશ ચોપરાની એ પહેલી ફિલ્મ. હીરો તરીકે રાજકુમાર (‘જાની...’)ને સાઈન કરવામાં આવ્યા હતા. પૂરી સ્ક્રિપ્ટ સાંભળીને રાજકુમારે પંડિતજીને કહ્યું, ‘આમાં તો તમે મને વિલન જેવો ચીતર્યો છે, આ ઍન્ગલ બદલી નાખવો પડશે.’

પંડિતજીએ કહ્યું, ‘એ ઍન્ગલ બદલી નાખું તો પછી વાર્તામાં રહેશે શું?’ રાજકુમારે ફિલ્મ કરવાની ના પાડી દીધી. નબળા રાજેન્દ્રકુમારને લઈને ફિલ્મ બની ને તોય સુપરહિટ થઈ. એન.દત્તાનું મ્યુઝિક, ગીતો સાહિર લુધિયાનવીનાં: ‘તેરે પ્યાર કા આસરા ચાહતા હૂં, વફા કર રહા હૂં વફા ચાહતા હૂં’ અને ‘તૂ હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઈન્સાન કી ઔલાદ હૈ ઈન્સાન બનેગા...’

‘ધૂલ કા ફુલ’ની વાર્તા બેહદ વખણાઈ. પંડિતજીનું કહેવું છે : ‘ચિત્રકાર બ્રશનો એક સ્ટ્રોક ખોટો મારે તો આખું ચિત્ર ખરાબ થઈ જાય એમ લેખક જે લખે એમાંથી મનફાવે એ રીતે કશું કાઢી નાખવામાં આવે કે તેમાં ઉમેરી દેવામાં આવે તો એની અવળી અસર આખરી પરિણામ પર પડે છે.’

પંડિત મુખરામ શર્મા જેવા અનુભવો મને પણ મારા નવા પ્રોજેક્ટસ વખતે, કૉલમ/નવલકથા/નાટકના લેખન દરમિયાન થયા છે અને થતા જ રહેવાના. દરેકને થવાના. એ વખતે આપણે શું કરવું એ આપણા પર છે.

પંચતંત્રની વાર્તાની જેમ વીકલી કૉલમની નીચે સાર આપવાનો રિવાજ શરૂ થયો નથી. થયો હોત તો છેલ્લું વાક્ય આ મુજબનું લખ્યું હોત :

બોધ : સુંદર કામ જોઈતું હોય તો નવો પ્રોજેક્ટ શરૂ કરનારના માર્ગમાં ચરણવિક્ષેપ કરવાની તૃષા પર કાબૂ પ્રાપ્ત કરી લેવો જોઈએ!

લાઈફલાઈન

કોઈપણ છાપું કે મૅગેઝિન ઉઘાડો કે ટી.વી.ઑન કરો, જિંદગીમાં સક્સેસફુલ કેવી રીતે થવું એનાં હજારો સજેશન્સનો મારો તમારા પર થશે. આમાનાં કેટલાંય સૂચનો આપણા પ્રોજેક્ટસ, આપણી પ્રાયોરિટીઝ માટે બિલકુલ નકામાં હોય છે અને એ વાતનું આપણે સતત ધ્યાન રાખવું જોઈએ.

- એલાં દ બતોં
(સ્વિસ રાઈટર અને ફિલોસોફર. જન્મ : 1969)

 

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.