તમારી ઉદારતા જ તમારા વ્યક્તિત્વને વિશાળતા બક્ષે છે

17 Oct, 2016
12:00 AM

સૌરભ શાહ

PC: justbollywood.in

બ્રાન્ડિંગની સિરીઝના આ અંતિમ લેખમાં 'રજની'ઝ પંચતંત્ર : બિઝનેસ એન્ડ લાઈફ મેનેજમેન્ટ ધ રજનીકાન્ત વે' પુસ્તકમાં આપેલા રજનીકાન્તના 30 સૌથી ફેમસ ડાયલોગ્સ વિશે જાણકારી મેળવીએ. પાંચ સંવાદો વિશે ગયા અઠવાડિયે જોઈ ગયા. બાકીના 25 આ હપ્તામાં. આ પુસ્તકના લેખકો પણ એ જ છે જેમણે 'ગ્રાન્ડ બ્રાન્ડ રજની' પુસ્તક લખ્યું : પી.સી. બાલાસુબ્રમણિયન તથા રાજા કૃષ્ણમૂર્તિ. રૂપા પબ્લિકેશન્સે પ્રગટ કરેલાં આ બંને પુસ્તકો એમેઝોન વગેરે જેવો ઑનલાઈન શૉપિંગ સાઈટ્સ પર સહેલાઈથી મળે છે.

રજનીકાન્તની તમિળ ફિલ્મોમાં, 'મેરે પાસ માં હૈ' જેવા આપણને યાદ રહી ગયેલા હિંદી ફિલ્મોના સંવાદો જેવા જ અનેક સંવાદો છે, જેના આધારે બિઝનેસની અને જિંદગીની ફિલસૂફી આ બંને લેખકોએ સમજાવી છે. છઠ્ઠો સંવાદ : તમિળ ઉચ્ચારોમાં ભૂલચૂક લેવી દેવી :

6. નાન એપ્પો વટવેન એપ્પાડી વટુવેન્નુ યરુક્કુમ તેરિયાતુ... અન્ના વરવેન્દિયા નેરાતિલે કરેક્ટા વરુવેન અર્થાત્ નો વન નોઝ વ્હેન એન્ડ હાઉટ આય વિલ કમ... બટ આય વિલ બી ધેર એટ ધ રાઈટ ટાઈમ.

જે સમયે જે થતું હોય તે જ થાય. કામ શરૂ કરતાં પહેલાં એનો ઢંઢેરો પીટવાનો ન હોય. કામ પૂરું થયા પછી જ જાણ કરવાની કે લો, અમે આ કાર્ય પૂરું કર્યું છે. બિઝનેસ અને લાઈફ બંનેમાં આ એક મંત્ર યાદ રાખવો : ક્રિયેટ ધ રાઈટ ઈમ્પેક્ટ એટ ધ રાઈટ ટાઈમ. જ્યારે બોલવાનું હોય ત્યારે ચૂપ રહેવાનું નહીં અને જ્યારે ચૂપ રહેવાની જરૂર હોય ત્યારે બોલીને બગાડવું નહીં. અને એટલી વિવેકબુદ્ધિ કેળવવી કે ક્યારે બોલવું, ક્યારે ચૂપ રહેવું. સાથોસાથ એ પણ સમજવું કે બોલવું તો કેટલું બોલવું અને ચૂપ ક્યાં સુધી રહેવું.

7. નીન્ગા સતપડી ધર્મમ પન્નનુમુનુ સોલરીંગા, નાન ધર્મમ પાંરતા સતમ વેચુકિરન. યુ સે ધેટ વન મસ્ટ ડુ ગુડ એઝ સ્ટેટેડ બાય લૉ, વ્હેર એઝ આ બીલિવ ધેટ ડુઈંગ ગુડ ઈઝ ધ લૉ.

કાયદા મુજબ ચાલો તે તો સારું જ છે. પણ કેટલીક બાબતો કાયદામાં નથી લખી હોતી. કોઈને મદદ કરવી, દાનધર્માદો કરવો કે માનવતા દેખાડવી કમ્પલસરી નથી. તમે આ બધું નહીં કરતાં હો તો પણ કાયદાને માન આપી રહેલા આદરણીય નાગરિક ગણાશો. પણ સારું કામ કરવું એને પણ જો તમે કાયદો માનો તો સમાજ માટે વધારે ઉપયોગી બનશો. સમાજ તરફથી મળ્યું છે આ બધું, જે કંઈ મળ્યું છે તે. એ સમાજને પાછું આપવું જ જોઈએ એવું કોઈ કાયદાનું બંધન નથી પણ જો તમે એને તમારું નૈતિક બંધન માનીને ચાલશો તો તમારો જ સંતોષ વધવાનો છે, તમારી ઉદારતા જ તમારા વ્યક્તિત્વને વિશાળતા બક્ષતી હોય છે. બિઝનેસ અને જીવન બેઉમાં આ મંત્ર અપનાવી લેવાનો : ગિવ બેક ટુ સોસાયટી એટ લીસ્ટ અ પોર્શન વૉટ ટુ ગેઈન ફ્રોમ ઈટ - મેક ધિસ મેન્ડેટરી વિધિન યૉર સેલ્ફ.

8. નાન તટ્ટી કેઈટપેઈન, અન્ના, કોટિ કુડુપેઈન અર્થાત્ આ ક્વેશ્ચયન હાર્ડ (ધ રૉન્ગડુઅર) એન્ડ રિવૉર્ડ જનરસલી (ધ ડિઝવિંગ). કેરટ એન્ડ સ્ટિકનો સિદ્ધાંત મેનેજમેન્ટે અપનાવેલો છે. લાઈફમાં પણ પેરન્ટ્સ આ જ કરતા હોય છે. તું સારું કરીશ તો તને રિવૉર્ડ મળશે, ખોટું કરીશ તો પનિશમેન્ટ. દુનિયા આખી પાપપૂણ્ય અને સ્વર્ગ-નર્કના સિદ્ધાંતોથી ચાલે છે. કર ભલા હોગા ભલા અને ખાડો ખોદે તે પડે ના નિયમોથી ચાલે છે. બિઝનેસ તેમ જ લાઈફ માટેનો આ મંત્ર ગાંઠે વાળી રાખજો : ઈન્સ્ટિલ ડિસિપ્લીન થ્રુ જ્યુડિશ્યલ રિવૉર્ડ એન્ડ પનિશમેન્ટ.

9. ખતમ... ખતમ... મુદિન્જતુ મુદિન્જુ પોચ્ચુ અર્થાત્ લેટ બાયગોન્સ બી બાયગોન્સ. જે વીતી ગયું છે તેને વીતી જવા દો. ઢોળાયેલા દૂધ પર આંસુ સારવાનો કોઈ અર્થ નથી. ભલું થયું ભાંગી જંજાળ કહીને ફરીથી બેઠા થાઓ અને કામે લાગો, પાછળ જોયા વિના આગળ વધો. મંત્ર છે : બરી ધ પાસ્ટ એન્ડ લુક ફૉરવર્ડ.

10. કઈ અલવુ કાસુ ઈટુંતા અતુ નમ્બાલા કાપ્પાતુમ, અતુવ કબઉતુ વરાઈ ઈટુન્તા અતા નમ્મા કાપ્પાતુમ અર્થાત્ ઈફ યુ હેવ અ હેન્ડફુલ ઑફ મની, ઈટ વિલ ટેક કેર ઑફ યુ, ઈફ યુ હેવ ટુ મમ વેલ્થ, યુ વિલ હેવ ટુ ટેક કેર ઑફ ઈટ. જે કંઈ મળે તે વહેંચીને ખાવું. તેન ત્યકતેન ભુંજિથા: એકલપેટા બનવાનું નહીં. તમારા ગ્રોથમાં જે જે લોકોનો ફાળો છે તેમનો પણ સર્વાંગી વિકાસ તમારી સાથે સાથે થવો જ જોઈએ.

તમારી આવકમાં વધારો થતો હોય તો એમની આવકમાં પણ વધારો થતો રહેવો જોઈએ. તમારી પ્રતિષ્ઠા વધે, તમારી વગ વધે કે તમારી ભૌતિક સગવડો વધે ત્યારે તમારી આસપાસના અને તમારી સાથે કામ કરનારા સૌ કોઈની આબરૂમાં ઉમેરો થાય એવું કંઈક તમારે કરતાં રહેવું જોઈએ. તમારી જેમ એમની ઈન્ફલ્યુઅન્સ પણ વધે એ જોવાની જવાબદારી તમારી છે. તમારી પાસે જે કંઈ ભૌતિક સુખ સગવડોનાં સાધનો આવે એનો લાભ તમારે એમને પણ આપવો જોઈએ અથવા એવાં સાધનો તેઓ પણ વસાવી શકે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જે માણસ પોતાની પાસે જે કંઈ છે તેને બીજાઓને વહેંચતો રહે છે તે ક્યારેય ખાલી થતો નથી. મંત્ર છે : પ્રેક્ટિસ ઈન્કલુઝિવ ગ્રોથ એન્ડ ધ ફેર ડિસ્ટ્રિબ્યુશન ઑફ સરપ્લસ.

11. પોન, પેન, પુગળ પિન્નાડી અમ્બાલૈ પોગા કુડતુ, અમ્બાલૈન્ગ પિન્નાળા. ઈતૈલમ વરણુમ અર્થાત્ ડોન્ટ ચેઝ વેલ્થ, વીમેન એન્ડ ફેમ, ધીસ શુડ ફૉલો યુ. લાવ-લાવની મનોવૃત્તિ જ ખોટી. ભગવાન પાસે માંગ-માંગ શું કામ કરવું? જે કામ ભગવાને તમને સોંપ્યું છે તે તમારી સો ટકાની સિન્સિયેરિટી નીચોવીને કરતા રહો. સામેથી આવશે એ બધું જ. રાહ જોયા કરવાની જરૂર નથી. હમણાં આવશે, હમણાં આવશે એવી લાલચ રાખશો તો કામ પર ધ્યાન નહીં આપી શકો. માટે ફળની આશા રાખ્યા વગર કામ કરતાં રહીએ. માગતા નથી ત્યારે બધું સામેથી દોડીને આવતું હોય છે એવો અનુભવ છે, તમારો પણ હશે. બિઝનેસ અને લાઈફમાં જેણે સારું કામ કર્યું છે, પૂરેપૂરી નિષ્ઠા દેખાડી છે, ક્વૉલિટી આઉટપુટ આપ્યું છે તેને રિવૉર્ડસ મળેલા જ છે. લાવ-લાવની કે માગ્યા કરવાની વૃત્તિ છોડી દેવાથી તમારી સેલ્ફ રિસ્પેક્ટ જળવાય છે, ડિગ્નિટી જળવાય છે. મંત્ર છે: અર્ન, ડૉન્ટ યર્ન, ડોન્ટ સ્ટ્રાઈવ ડેસ્પરેટલી ફૉર ગ્લોરિ - વેઈટ ફૉર યૉર રિવૉર્ડસ.

12. સોલ્લરાન, સૈયરાન અર્થાત્ હી (ધ હાયર વન) ઈન્સ્ટ્રક્ટસ, આ ડુ. ઉપરવાળો જે કહે છે તે પ્રમાણે હું કરું છું. મેનેજમેન્ટની દૃષ્ટિએ જોઈએ તો હાયરઆર્કી પ્રમાણે કામ થાય. બધું જ કામ પોતે કરવાનું ન હોય. ઘણાં કામ સબઑર્ડિનેટ્સને ડેલિગેટ કરવાનાં હોય. તમારે તમારા ઉપરીનું સાંભળવાનું હોય, એની સૂચના મુજબ કામ કરવાનું હોય અને એ જ રીતે તમારા હાથ નીચેની વ્યક્તિઓએ તમારું સાંભળવાનું હોય. બિઝનેસની જેમ કુટુંબમાં પણ વડીલોની સૂચનાનું એમનાથી નાની ઉંમરના સભ્યોએ પાલન કરવાનું હોય. મંત્ર છે : જ્યુડિશ્યલ ડેલિગેશન એન્ડ પ્રોપર ઈમ્પ્લીમેન્ટેશન પ્રૉડ્યુસ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ્સ.

13. ઈન્ત ઉલગતુલે એતુ ઐદુતલમ ઓન્નાઈવેડા ઓન્નુ બેટરગતન તેરિયમ અર્થાત્ ઈન ધિસ વર્લ્ડ, ઈન એની સિચ્યુએશન, વન ઑપ્શન વિલ ઑલવેઝ લુક બેટર ધેન ધ અધર. અર્થાત આપણી પાસે જે કંઈ છે તેના કરતાં આપણને બીજાની પાસે છે તે વધારે આકર્ષક લાગવાનું. પણ બીજાનો મહેલ જોઈને આપણી ઝૂંપડી બાળી નાખવાની ન હોય. આપણી જો હેસિયત હોય તો મહેનત કરીને આપણો પણ મહેલ બને એવી તૈયારી કરવાની. બિઝનેસ અને લાઈફમાં આ બાબતનો જે મંત્ર છે તે તમે ઘણીવાર સાંભળી ચૂક્યા છો : ધ ગ્રાસ ઈઝ ઑલવેઝ ગ્રીનર ઑન ધ અધર સાઈડ.

14. સોલ્લરતૈતન સૈવીયન... સૈયરતતન સોલવઈન અર્થાત્ આઈ ડુ વૉટ આય સે... આય સે ઓન્લી વૉટ બાય ડુ. કહેવું કંઈક ને કરવું કંઈક એવી પૉલિસી ન તો બિઝનેસમાં ચાલે, ન લાઈફમાં. જે બોલતા હો તે પ્રમાણે જ વર્તવાનું અને જે કરતા હો તે વિશે જ બોલવાનું, અતિશયોક્તિ વિના. તમારો સાબુ સર્વશ્રેષ્ઠ એવો દાવો જો તમે કરતા હો તો જે લોકો એ વાપરે છે એમને એવી પ્રતીતિ થવી જોઈએ કે હા, ખરેખર આ સાબુ શ્રેષ્ઠ છે. ઘણી વખત તમે તમારી પ્રૉડક્ટનાં ગુણગાન નથી ગાતા કારણ કે તમને ભરોસો હોય છે કે તમારા વપરાશકારો જ તમારા બ્રાન્ડ એમ્બેસડર બની જશે. પતંજલિ પ્રૉડક્ટ્સમાં વાસણ ઘસવા માટેનો એક તદ્દન સસ્તો સાબુ આવે છે. વાપર્યા પછી અમને તો સંતોષ થયો જ પણ છેલ્લા એક વર્ષમાં અમારે ત્યાં કામ કરવા માટે આવતી બહેન ઉપરાંત એણે રજા લીધી હોય ત્યારે રિપ્લેસમેન્ટમાં આવેલી બીજી બે હેલ્પરોએ સામેથી પૂછ્યું કે આ કયો સાબુ છે, ક્યાં મળે છે, એનું રેપર આપી શકો? છેવટે તો તમારો માલ સત્યના આધારે જ વેચાય છે, જાહેરખબરોમાં આવતાં જુઠ્ઠાણાઓથી તમે જઈ જઈને ક્યાં સુધી જશો. બિઝનેસ-લાઈફનો મંત્ર છે : સત્યમેવ જયતે. ઈન ધ એન્ડ, ધ ટ્રુથ ઑલવેઝ ટ્રાયમ્ફ્સ.

હજુ બીજા 11 સંવાદો બાકી છે. એક લેખ કરવો જ પડશે. સારું છે, બેસતા વર્ષની કૉલમનો નવા કબ્જેક્ટથી આરંભ કરીશું.

 

લાઈફ લાઈન

 

જુદા પડ્યા વિના તમારી બ્રાન્ડ બનતી નથી.

- બર્નાર્ડ કેલ્વિન ક્લાઈવ (પર્સનલ બ્રાન્ડિંગ કોચ)

 

www.facebook.com/saurabh.a.shah

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.