તમારા મનમાંના વિચારો ક્યારેય છૂપા નથી રહેતા

22 Feb, 2016
12:00 AM

mamta ashok

PC:

જેમ્સ ઍૅલનની 'ઍઝ અ મૅન થિન્કથ'ને આપણે બેસ્ટ ટેન બિઝનેસ બુક્સમાંની એક ગણી છે. ગયા અઠવાડિયે શરૂ કરેલી વાત આજે પૂરી કરીએ. નેકસ્ટ વીકથી બાકીની નવ બુક્સ વિશે, પુસ્તક દીઠ એક-એક હપતો જ કરીશું. લાંબો થાય તો ભલે પણ દરેક પુસ્તક વિશે એક હપતામાં જ વાત પૂરી કરીશું. ઓન લાઇન ન્યૂઝ પોર્ટલની આ જ તો મઝા છે ને, છાપું-મેગેઝિન હોય તો લેખ છાપવા માટે જગ્યાની મર્યાદા નડે એટલે નિશ્ચિત શબ્દો કરતાં સો-બસો શબ્દોથી વધુ ન લખી શકો પણ અહીં તો જગ્યા જ જગ્યા હોય. સબ ભૂમિ Khabarchhe.com કી!

હવે જે આવશે તે બધા જ વિચારો જેમ્સ ઍલનના છે.

અભાનપણે તો અભાનપણે, પણ માણસ પોતે જ પોતાના સંજોગો ઘડતો હોય છે એવું ગયા સોમવારના લેખમાં આપણે જોયું. વિચારતા કરી મૂકે એવી વાત છે. હલી જઈએ. અત્યાર સુધી માનતા રહ્યા કે સંજોગો આપણને ઘડે છે, આપણે સંજોગોના શિકાર બનીએ છીએ. પણ હકીકત આનાથી તદ્દન ઊંધી જ છે એવું જેમ્સ ઍલને આપણને સમજાવ્યું,

જેમ્સ ઍલન આગળ સમજાવે છે કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે પ્રામાણિક માણસે જીવનમાં ઘણું સહન કરવું પડે છે અને અપ્રામાણિક માણસ ખૂબ પૈસા કમાઈ લે છે, આને કારણે આપણે માની બેસીએ છીએ કે પ્રામાણિકતા રાખવાથી પૈસો ન કમાઈ શકીએ, શ્રીમંત બનવા માટે અપ્રામાણિક હોવું જરૂરી છે. આપણી આ દૃષ્ટિમાં ગલતફહેમી છે. માણસમાં રહેલા તમામ ગુણ-અવગુણ જ્યારે ખુદ એ પોતે જ જોઈ ન શકતો હોય તો આપણે બીજાના એ ગુણ-અવગુણને ક્યાંથી સમગ્રપણે જોઈ શકવાના.

અપ્રામાણિક માણસ પોતાનામાં રહેલા કેટલાક સદ્દગુણોને લીધે ધંધા-કામકાજમાં ફાવી જતો હોય એવું બને. અને પ્રામાણિક માણસ પોતાનામાં રહેલા કેટલાક અવગુણોને કારણે લાઇફમાં ઠોકરો ખાતો રહે એવું પણ બને. પણ લોકો માની બેસે છે કે પેલો પ્રામાણિક છે એની સજા ભોગવી રહ્યો છે અને આ અપ્રામાણિક છે એટલે ગમે ત્યાંથી ઉસેટીને જલસા કરે છે. આવી માન્યતામાંથી આપણે બહાર આવી જવાનું. એટલા માટે કે જો હજુ પણ આવી માન્યતાને વળગી રહીશું તો આપણે સદ્દગુણોની વેલ્યુ ક્યારેય નહીં સમજીએ અને એના કરતાં વધારે, આપણામાં રહેલા અવગુણોને ઓળખવાની કોશિશ ક્યારેય નહીં કરીએ. એક વાત ગાંઠે બાંધી લેવાની અને તે એ કે સારા વિચારો અને એનું અમલીકરણ તેમ જ સારું વર્તન હંમેશાં સારું પરિણામ જ આપશે અને માઠા વિચારો અને એનું અમલીકરણ તેમ જ તમારું ખરાબ વર્તન હંમેશાં તમને માઠાં ફળ જ આપશે. દુઃખ એ બીજું કંઈ નહીં પણ તમારા ખોટા વિચારોનું જ પરિણામ છે. એ જ રીતે સુખની પરિસ્થિતિ અચૂક તમારા સારા વિચારોનું જ પરિણામ છે.

માણસે કપરી પરિસ્થિતિમાં રોદણાં રડવાનું બંધ કરીને પોતાની અંદર ઝાંકીને સમજવાની કોશિશ કરવી જોઈએ કે પોતાના સ્વભાવનાં કયાં લક્ષણો પોતાને નડી રહ્યાં છે, પોતાના કયા વિચારો પોતાનો ગ્રોથ અવરોધી રહ્યા છે, પોતાનું કયું વર્તન બીજાઓને પોતાનાથી દૂર ધકેલી રહ્યું છે. આવું થશે તો જ એ સમજી શકશે કે આ વિપરીત પરિસ્થિતિ શું કામ સર્જાઈ અને સમજ્યા પછી એ પરિસ્થિતિ સામે બાખડવાને બદલે એ જ પરિસ્થિતિનો સ્ટેપિંગ સ્ટોન તરીકે ઉપયોગ કરીને આગળ વધી શકશે.

આ દુનિયા, જેમાં તમારું આંતરવિશ્વ પણ આવી જાય, ચોક્કસ નિયમોથી ચાલે છે. અહીં કોઈ અંધાધૂંધી નથી. જિંદગી દરેકની સાથે ન્યાય કરે છે. કુદરતે ક્યારેય કોઈનીય સાથે અન્યાય કર્યો નથી. અહીંની તમામ રીતરસમો નીતિ-મૂલ્યોથી ચાલે છે. અનીતિને ક્યાંય સ્થાન નથી. માણસની પોતાની દૃષ્ટિ બદલાશે - બીજા લોકોને જોવાની, બીજી ચીજોને જોવાની-તો એમની તમને જોવાની દૃષ્ટિ પણ બદલાવાની જ છે. તમે જો બીજાઓ પ્રત્યે ઈવન મનમાં ને મનમાં પણ દુર્ભાવ રાખશો તો એ લોકો તમારી સાથે સદ્દભાવભર્યું વર્તન નહીં જ કરે. તમે અખતરો કરી જો જો. તમારા વિચારોમાં આમૂલ પરિવર્તન લાવો. તમારી આસપાસની પરિસ્થિતિ, તમારા સંજોગોને ઝડપભેર બદલાતા તમે અનુભવી શકશો. આપણે માનીએ છીએ કે આપણા મનમાં રહેલા વિચારોને આપણે છુપાવી શકીએ છીએ. એવું નથી. આ વિચારો આપણા વર્તનમાં ઝીલાય છે. વારંવારના વર્તનથી ટેવ પડતી જાય છે અને આવી ટેવો જ આપણા સંજોગો ઘડતી હોય છે.

માણસ ડાયરેક્ટલી કંઈ પોતાના સંજોગો કેવા હશે ને કેવા નહીં એ નક્કી કરી શકતો નથી. પણ પોતે કેવા વિચારો કરશે ને કેવા નહીં એ વાત જરૂર એના પોતાના હાથમાં છે અને આ વિચારો જ એના સંજોગો ઘડે છે. એટલે આમ જુઓ તો ભલે આડકતરી રીતે, પણ માણસ પોતે જ પોતાના સંજોગોને ઘડતો હોય છે.

તમારી તબિયતને પણ તમારા વિચારો સાથે સીધો સંબંધ છે, તમારું મન કે તમારું દિમાગ તમારા શરીરને કન્ટ્રોલ કરે છે. તમારામાં રહેલા ગંદા વિચારો, નકામા વિચારો, અયોગ્ય વિચારો તમારા શરીરને માંદલું બનાવશે. તમારામાં રહેલા સારા વિચારો તમારી ઉંમર વધવા છતાં તમારામાં તરવરાટ લાવશે, તમારા વાર્ધક્ય છતાં તમને સુંદર બનાવશે.

જેમ આપણા સંજોગો આપણે પોતે ઘડીએ છીએ એમ આપણા આરોગ્યની બાબત પણ આપણા વિચારોને લીધે જ નક્કી થતી હોય છે. જે લોકો ભવિષ્યમાં માંદગી આવશે તો શું થશે એવા સતત વિચારો કરતા રહે છે, તેઓ માંદા પડવાના જ છે. કોઈ પણ પ્રકારની ચિંતા શરીરમાં રોગને પ્રવેશવા દેવા માટેનું દ્વાર બની જાય છે એ યાદ રાખવાનું. અપવિત્ર વિચારો, અમલમાં ન મુકાયા હોય તો ય, તમારા શરીરની નર્વસ સિસ્ટમને હચમચાવી નાખતા હોય છે. તમારું દિલ ચોખ્ખું, પવિત્ર અને શુદ્ધ હશે તો તમારું શરીર અને તમારી જિંદગી પણ પવિત્રતાથી, ચોખ્ખાઈથી, શુદ્ધતાથી છલોછલ હશે.

માત્ર આહાર પર નિયંત્રણ લાવવાથી તમારી તબિયત નહીં સુધરે. ડાયેટિશ્યનના ગમે એટલા ચક્કર કાપો, એણે નિશ્ચિત કરેલી ખોરાકની માત્રાને ચુસ્તપણે વળગી રહો, પણ જો તમારા વિચારોમાં પરિવર્તન નહીં આવે તો તમારા આરોગ્યની પરિસ્થિતિ બહુ નહીં સુધરે. તમારા વિચારોમાં પલટો આવશે તો આપોઆપ તમારો ખોરાક પણ બદલાશે અને એના પરિણામે તમારી હેલ્થ પણ સુધરશે.

સુંદર વિચારો જો હેતુવિહિન હોય તો એનો કોઈ મતલબ નથી જીવનમાં. સારા વિચારો તો ડાઈમ અ ડઝન મળે છે બજારમાં. આપણી તકલીફ એ છે કે સારા વિચારો વાંચ્યા અને એને અપનાવી લીધા, સમાવી લીધા મનમાં, એટલે માની લીધું કે આપણી પરિસ્થિતિ હવે પલટાઈ જશે. ના એવું નથી. એવું નહીં બને. સારા વિચારોને કોઈ હેતુ સાથે તમારે જોડવા પડે. કોઈ હેતુ વિના અમસ્તા જ મનમાં ભટક્યા કરતા સદ્દવિચારોનો કોઈ ઉપયોગ નથી. એ કશું પરિણામ નહીં લાવે જીવનમાં. જિંદગીનો એક ચોક્કસ વિશાળ હેતુ જોઈએ. જેમની પાસે એ હેતુ નથી એમની જિંદગી નાની-નાની ચિંતાઓમાં, ડર-ભય-અકળામણો, તકલીફોમાં અને આત્મદયામાં ખર્ચાઈ જાય છે. જિંદગીમાં કોઈક હેતુ હોવો જોઈએ. જરૂરી નથી કે આધ્યાત્મિકતા સાથે જ સંકળાયેલો હોય, આઉટ એન્ડ આઉટ મટીરિયાલિસ્ટિક પણ હોઈ શકે. પણ હેતુ વિનાની જિંદગી એટલે શઢ વિનાનું વહાણ. પોતાનો હેતુ સિદ્ધ કરવામાં માણસ વારંવાર નિષ્ફળ જાય તો પણ એણે નવેસરથી તાકાત ભેગી કરીને મંડી પડવું જોઈએ.

છેલ્લે, એક વાત ધ્યાનમાં રાખો. જે કશો જ ત્યાગ કરતો નથી તે કશું જ પામતો નથી. આળસુ માણસ પોતાનું કશું જ જતું કરવા તૈયાર હોતો નથી. એટલે જ એ ત્યાંનો ત્યાં પડી રહે છે. જે થોડીક સફળતા પામે છે એણે થોડોક ત્યાગ કરવો પડે છે. જે વધારે સફળ થાય છે એણે વધારે ત્યાગ કરવો પડે છે અને જે પોતાના ક્ષેત્રમાં સફળતાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન થાય છે, એણે જીવનમાં સર્વોચ્ચ ત્યાગો કરવા પડતા હોય છે.

લાઇફલાઇન

તમે જો તમારું સપનું સાકાર કરવા માટે મહેનત કરવા નહીં મંડી પડો તો કોઈ બીજું પોતાનાં શમણાંને સાકાર કરવા તમને નોકરીએ રાખી લેશે.

- ધીરુભાઈ અંબાણી

www.facebook.com/saurabh.a.shah

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.