CM રૂપાણીનું પાણીનું રાજકારણ, ખેડૂતો સાથે વેરની વસૂલાત

PC: khabarchhe.com

સરકારે ખેડૂતોને નર્મદા બંધનું પાણી નહીં આપવા નિર્ણય કર્યો છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોએ આ વેળાની ચૂંટણીમાં ભાજપને જાકારો આપ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં જ નર્મદાનું પાણી પહોંચે છે. જ્યારે શહેરી વિસ્તારોએ ભાજપને ખોબા ભરીને મત આપ્યા છે ત્યાં ભરપુર પાણી આપવા માટે પાણીને રિઝર્વ રાખવામાં આવી રહ્યું છે. આમ નર્મદા યોજના દ્વારા હવે ભાજપ વેરની વસુલાત કરી રહી હોય એવો આરોપ પણ મૂકવામાં આવી રહ્યો છે.

ખેડૂતોનું ગળું ટુંપીને મત આપવા મજબૂર કરવામાં આવી રહ્યાં હોવાની લાગણી ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાઈ છે. ગુજરાતમાં 18.45 લાખ હેક્ટર ખેતરોમાં સિંચાઈ થવાની હતી. તેમાં માંડ 2 લાખ હેકટર જમીન પર જ સરકારે માઈક્રો કેનાલ બનાવી છે. તેથી 2થી 3 લાખ હેક્ટરથી વધારે સિંચાઈ હાલ થતી નથી. તો પછી પાણી આપવા પર પ્રતિબંધ કેમ રાખી દેવાયો છે. દરવાજા તો બંધ કરી દેવાયા છે. નર્મદા બંધ પણ આ વખતે છલકાયો છે. તો પછી સરકારે પાણી ક્યાં વાપર્યું ? ઉદ્યોગોને આપી દીધું ? નર્મદા નિગમની વેબ સાઈટ પર ક્યાંય એવું નથી દર્શાવવામાં આવતું કે પાણીનો વપરાશ કેટલો થઈ રહ્યો છે. ખેતી માટે કાપ મુકવામાં આવે છે તો પછી ઉદ્યોગો ઉપર કેમ કાપ મૂકાતો નથી. સિંચાઈ માટે અને ઉદ્યોગો માટે કેટલું પાણી વપરાયું તે પણ જાહેર કરાયું નથી. ઉદ્યોગોને પણી વેચીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે કે પછી ખેડૂતોને મત બેંક સમજી તેના પર જુલમ કરવામાં આવી રહ્યો છે.

જો પાણી જ ન હતું તો કરોડો ગેલન પાણી થોડા દિવસો પહેલાં કચ્છના રણમાં શા માટે છોડી દેવામાં આવ્યું હતું. રણમાં છોડવા માટે પાણી છે પણ ખેતરોને આપવા માટે નથી. તેથી તેમાં રાજકારણની ગંધ આવી રહી છે. ભાજપ સરકાર પરાજયનું વેર વાળવા આ કરી રહી છે. નર્મદા બંધ એ આરએસએસના પૈસાથી નથી બન્યો ગુજરાતના ખેડૂતોના પૈસાથી બન્યો છે. સરકાર રાજકીય કિન્નાખોરી અને પાણીનું રાજકાણ રમવા માંગે છે. તેમ ખેડૂત સમાજના મહામંત્રી સાગર રબારીએ જણાવ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp