કચ્છ જિલ્લામાં સેંકડો ખેડૂતોની વીજ કનેક્શન માટેની અરજી હજુ પડતર

PC: khabarchhe.com

રાજ્યમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. જગતનો તાત આજે સિંચાઈના પાણી માટે તરસે છે, તો બીજી બાજુ રાજ્યમાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદના કારણે પાક નિષ્ફળ જવાના કારણે પહેલાથી જ દેવાના બોજ તળે દબાયેલો ખેડૂત વધુ દેવા હેઠળ જઈ રહ્યો છે અને રાજ્ય સરકાર આ મામલે કોઈ નિરાકરણ લાવી નથી રહી. ત્યારે બીજી બાજુ રાજ્યમાં ખેડૂતોને વીજ પૂરવઠો મળી રહે એવા મોટા દાવા કરવામાં આવી રહ્યાં છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ દાવા માત્ર પોકળ જ છે કેમ કે કચ્છ જિલ્લામાં ખેડૂતોને વીજ કનેક્શન સમયસર નથી મળી રહ્યાં અને તેના કારણે તેની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે.

કચ્છ જિલ્લામાં ખેતીવાડીમાં વીજના અનેક પ્રશ્નો છે. પરંતુ વીજ કનેક્શન સમયસર ન મળતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. ખેડૂતો દ્વારા અરજી કર્યા છતાં વીજ કનેક્શન મળતું નહિ હોવાની રાવ ઉઠવા પામી છે.

કચ્છના માનકુવા ગામના ખેડૂતો વીજ કનેક્શન સમયસર ન મળતા ભારે પરેશાન છે. જે ખેડૂતોની ખેતી ભૂગર્ભ જળ પર નિર્ભર છે તેમને સમયસર વીજ કનેક્શન ન મળતાં ઊભા પાક નિષ્ફળ જાય છે. તેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. પશ્ચિમ કચ્છમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ખેડૂતો દ્વારા ખેતીવાડી વીજ પુરવઠા માટે 3,565 નવી અરજીઓ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેમાંથી 1,477 અરજીનો જ નિકાલ થયો છે અને 1,477 નવા વીજ કનેક્શન આપવા પાછળ 35 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. હજુ પણ નવા વીજ કનેક્શનની 2,088 અરજી પડતર છે. વર્ષ 2016 અને 2017ની આ અરજીનો નિકાલ ટૂંક સમયમાં થશે તેવું PGVCLના અધિકારીનું કહેવું છે. પરંતુ વીજ કનેક્શનની વર્ષો સુધી પેન્ડિંગ અરજી અંગે PGVCLના અધિકારીનું કહેવું છે કે અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે વધુ સમય લાગી જતો હોય છે. હાલ અમે જલદી વીજ કનેક્શન આપવા માટે પ્રયત્નશીલ હોવાની માત્ર ખાતરી ઉચ્ચારવામાં આવી રહી છે.

ગુજરાતના છેવાડાના જિલ્લામાં આ સ્થિતિ છે ત્યારે આવનારા દિવસોમાં આ ખેડૂતોને વીજ કનેક્શન મળશે કે કેમ એ જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp