CM રૂપાણીને ખેડૂતનો ખૂલ્લો પત્ર: ભ્રષ્ટાચાર અટકાવવા સિસ્ટમ ઊભી કરો

PC: Gujaratinformation.in

સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન અને ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન જમીન માપણીનો છે, તે માટે પાલભાઈ આંબલિયાએ CM વિજય રૂપાણીને ખૂલ્લો પત્ર લખ્યો છે.

મુખ્યમંત્રીશ્રી,
સ્વર્ણિમ સંકુલ 1,
વિધાનસભા પાસે, ગાંધીનગર

વિષય : ખેતપેદાશો જણસીને ટેકાના ભાવે ખરીદી કરવાને બદલે ન્યૂનતમ ભાવ નિર્ધારણનો કાયદો બનાવવા બાબત

માનનીય સાહેબશ્રી,

જય કિસાન સાથ જણાવવાનું કે ગુજરાતમાં વર્તમાનમાં સરકારની ખેડૂત પ્રત્યે ઉદાસીનતાવાળી નીતિરીતિના કારણે ખેડૂતો હેરાન પરેશાન અને પાયમાલ થઈ રહ્યાં છે. સરકારની ખેડૂતલક્ષી બધી જ યોજનાઓમાં નામ તો ખેડૂતનું હોય છે પણ ખરા લાભાર્થીઓ તો વેપારી, દલાલો, અને વચેટીયાઓ જ થઈ જાય છે. ખરા અર્થમાં જે ખેડૂતને યોજનાના લાભની જરૂર હોય તેને તો આ લાભ મળતો જ નથી એટલે ખેડૂત યોજનામાં નામ માત્રનો રહી જાય છે. જો ખેડૂતો માટેની યોજનાઓ ખેડૂતોને જ ઉપયોગી ન થઈ શકે તો એવી યોજનાઓનું મહત્ત્વ શું? આવી યોજનાઓની જરૂરિયાત શું? રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગે ટેક્ષરૂપી ભરેલા રૂપિયાને ધૂળધાણી કરવાનો કોઈને અધિકાર નથી. આપ સાહેબને પણ નથી. સરકાર ખેડૂતોને ટેકો આપવા માટે ખેડૂતોના પાકને બજાર કિંમત કરતા વધારે કિંમત આપી, બજારમાંથી મોટો જથ્થાની ખરીદી કરી, બજારમાં આંતરિક તંદુરસ્ત હરીફાઈ ઊભી કરી, બજારમાં અર્થશાસ્ત્રના નિયમ મુજબ પુરવઠો ઘટે તો માંગ વધે અને માંગ વધે તો કિંમત વધેની નીતિ દ્વારા બજારભાવ ઊંચો લાવવા ટેકાના ભાવે ખરીદી કરતી હોય છે, જેમાં છેલ્લે ખેડૂતને ફાયદો કરવાનો સરકારનો ઈરાદો હોય છે જે સર્વવિદિત વાત છે પરંતુ સરકારના કર્મચારીઓ, અધિકારીઓ, નોડલ એજન્સીઓ, સરકાર સમક્ષ યા તો સાચી માહિતી રજૂ નથી કરતા યા તો સરકાર જાણી જોઈને આંખ આડા કાન કરે છે નહિતર આવી લોલમ લોલ અને પોલંપોલ શક્ય જ નથી.

સરકાર કોઈપણ આયોજન વગર ટેકાના ભાવે ખરીદી કરી કરોડો રૂપિયાનું આંધણ કરે છે જે 6 કરોડ ગુજરાતીઓના, ગરીબ, મઘ્યમ વર્ગના રૂપિયાનો પાણીની જેમ વેડફાટ કરવામાં આવે છે અને સરકાર બધું જાણવા છતાં નક્કર પોલિસી બનાવવાને બદલે ચૂપચાપ જોઈ રહી છે. આવું શા માટે થાય છે એ બાબતે ઊંડો અભ્યાસ બાદ કેટલીક ઊડીને આંખે વળગે, અભણ ખેડૂતને પણ સમજાય એવી બાબતો આપના ધ્યાન પર મૂકવા એક નમ્ર પ્રયાસ કરું છું.

ઓનલાઈન પ્રક્રિયા ખેડૂતને બદલે વેપારી, દલાલ અને નોડલ એજન્સીઓના મળતીયાઓને ફાયદાકારક

સરકારની ખેડૂતલક્ષી દરેક યોજનાઓ કે જ્યાં ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવે છે તે દરેક યોજનામાં ફરજિયાત ખેડૂતોએ જ ઓનલાઈન કરવું પડે છે જ્યારે ટેકાના ભાવે વેચાણ કરવા માટે ખેડૂત પોતે ઓનલાઈન કરવા ઇચ્છે તો પણ ન કરી શકે જે તે ટેકાના કેન્દ્ર સંચાલક જ ઓનલાઈન કરી શકે આવું શા માટે? બધી જ યોજનાઓમાં ખેડૂતે ઓનલાઇન કરવું ફરજીયાત અને લાભદાયક યોજનામાં ટેકાના કેન્દ્ર સંચાલકને સરકારે આ ઓનલાઈન કરવાની સત્તા શા માટે આપી? અહીં પણ ખેડૂતને ઓનલાઈન કરવાની છૂટ કેમ આપવામાં ન આવી? શું સરકાર પોતે જ ભ્રષ્ટાચારને બળ આપવા માગે છે? જો ખેડૂતને ઓનલાઈન કરવાની છૂટ આપવામાં આવી હોત તો વહેલો તે પહેલોના નિયમ અનુસાર સાચા ખેડૂતોને યોજનાનો લાભ મળત પરંતુ આ લાભ લેવા ખેડૂતો પોતાના આધાર પુરાવાઓ તો ટેકાના કેન્દ્ર સંચાલકને આપી આવ્યા પણ ઓનલાઇન તો ટેકાના કેન્દ્ર સંચાલકોએ પોતાની ઇચ્છા મુજબ કર્યા, લાભદાયક, કમિશન આપનાર, પોતાના સગા વ્હાલા, ટેકેદારોના ઓનલાઈન પહેલા કરી લીધા, એમનો માલ પણ જોખીને ગોડાઉનમાં મોકલી દીધો. સાચા ખેડૂતોના ઓનલાઈન અરજી જ આ કેન્દ્ર સંચાલકોએ ન કરી, એમના આધાર પુરાવાઓ ઓનલાઈન અરજી કર્યા વગર જ રહી ગયા ને ખેડૂતો રાહ જોઈ જોઈને સસ્તા ભાવે પોતાનો માલ વેચવા મજબૂર બન્યા. આવી નીતિ સરકાર જાણવા છતાં શા માટે ચલાવી લ્યે છે?

વહેલો તે પહેલોની નીતિને બદલે લાગવગ, ભ્રષ્ટાચાર અને સગવાદ ખૂબ ચાલ્યા

ઓનલાઇન અરજી કરવાની સત્તા એક માત્ર કેન્દ્ર સંચાલકને હોય ક્યા ખેડૂતનું ઓનલાઈન ક્યારે કરવું એ નક્કી પણ એ જ કરતા જેથી કેન્દ્ર સંચાલક પોતાના લાભદાયક ખેડૂતોના જ ઓનલાઈન કરતા રહ્યાં અને સાચા, જરૂરિયાતમંદ ખેડૂતો પોતાનો વારો આવે એની રાહ જોતા જ રહી ગયા. આ પ્રક્રિયામાં સરકાર તરફથી કોઈ નિયંત્રણ કે ચકાસણી કરવામાં ન આવી, કોઈ ક્રોસ વેરિફિકેશનની જોગવાઈ કરવામાં ન આવી. જેથી ટેકાના કેન્દ્ર સંચાલકો સ્વતંત્ર થઈ ગયા, પોતાની મનમાની ચલાવવા લાગ્યા, વગર રોકટોક કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી, મગફળીના બદલે ધૂળ, માટી, કાંકરા, ઢેફા અને જૂની મગફળી ધાબડી દેવામાં આવી જેનાથી ખેડૂતોને તો લાભ ન જ થયો પણ સરકારને પણ કોઈ જ લાભ ન થયો, ઉપરથી સરકારના કરોડો રૂપિયાનો ધુમાડો થયો.

ક્યા ખેડૂતનું ક્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન થયું, કઈ તારીખે વારો આવશે એવું ટાઈમ ટેબલ નિભાવવામાં ન આવ્યું, જેથી ભ્રષ્ટાચારને પાંખો આવી

ટેકાના ભાવે ખરીદી કરતા સરકાર માન્ય કેન્દ્રોમાં ઓનલાઈન અરજીનું રજીસ્ટ્રેશન કઈ તારીખે થયું? ખેડૂતનો વારો કેટલામો છે? કઈ તારીખે વારો છે? વગેરે બાબતો દર્શાવતું બોર્ડ નિભાવવાની જરૂર હતી, જેથી પારદર્શક વહીવટ થાય અને ખેડૂત આખી પ્રક્રિયાથી માહિતગાર થાય અને ખેડૂતને સંતોષ પણ થાય. પરંતુ આવી પારદર્શી પ્રક્રિયા કરવામાં કોઈને રસ હતો જ નહીં. જો આમ કરવામાં સરકાર સફળ રહી હોત તો 50% ભ્રષ્ટાચાર ઓછો થયો હોત.

સરકાર પારદર્શી અને ભ્રષ્ટાચાર મુક્ત પ્રક્રિયા આપવામાં નિષ્ફળ રહી પરિણામે સરકારને અબજો રૂપિયાનું નુકશાન ગયું

સરકાર ટેકાના ભાવે ખરીદીમાં નોડલ એજન્સીઓ, કેન્દ્ર સંચાલકો પર અંકુશ ન રાખી શકી અથવા તો સરકારના જ લોકોએ મિલીભગત કરી કમિશન દ્વારા, નક્કી થયેલા માલ કરતા ખેડૂતો પાસેથી પ્રતિ ખેડૂત, પ્રતિ મણ 200 ગ્રામથી લઈ 1kg વધારે માલ લઈ, સામે ગોડાઉનમાં ઓછો માલ અને વધારે ધૂળ, કાંકરા ઢેફા પધરાવી કરોડો કમાયા અને સામે સરકાર માટે ગોડાઉનમાં પડેલા માલનો અત્યારે કોઈ ખરીદદાર ન હોય સરકારને બેવડું નુકશાન ભોગવવાનો વારો આવ્યો અને અબજો રૂપિયાનું આંધણ થઈ ગયું.

સરકારે આ ટેકાના ભાવના તરકટમાં જેટલા રૂપિયાનું નુકશાન ભોગવ્યું એટલા રૂપિયા સીધા જ જો ખેડૂતોને આપ્યા હોત તો ખેડૂત ખુશખુશાલ થઈ જાત

એ સમજવા આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો મગફળી એક જ ખેતપેદાશને લઈને સરકારે આખા ગુજરાતમાંથી 33 લાખ ટનના કુલ ઉત્પાદન સામે પ્રતિ મણ 900 રૂપિયા લેખે 8.30 લાખ ટન મગફળી ખરીદી. આ ખરીદીમાં ખેડૂતોને મણદીઠ 900 આપ્યા એ ઉપરાંત ખરીદી ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, નિભાવખર્ચ બધું જ મળી 350 રૂપિયા પ્રતિ મણ વધારાનો ખર્ચ કર્યો એમ સરકારને પ્રતી મણ (900+350) 1,250 રૂપિયામાં આ ડૂચા જેવી મગફળી પડી. સરકારના જ મંત્રીના કહેવા મુજબ હવે આ મગફળી કોઈ 550 રૂપિયા પ્રતિ મણ રાખવા તૈયાર નથી. એટલે કે સરકારે એક મણ દીઠ (1250 - 550) = 700 રૂપિયાનું સીધું નુકશાન કર્યું છે.

જો આ 700 રૂપિયાના બદલે સરકારે મણ દીઠ 300 રૂપિયા પણ ખેડૂતના ખાતામાં જમા કરાવી દીધા હોત તો ખેડૂતને બહુ મોટી રાહત થઈ શકી હોત. ખેડૂત પણ ખુશ ખુશાલ થઈ જાત પણ જો આમ કરે તો સરકાર વચેટીયાઓને કેવી રીતે ખુશ કરે તે પ્રશ્ન હશે એટલે સરકારે ખેડૂતોના ભોગે વચેટીયાઓને ખુશ કરવાનો રસ્તો અપનાવ્યો હોય એમ લાગે છે.

6 કરોડ ગુજરાતીઓએ પોતાની પરસેવાની કમાણીમાંથી ટેક્સ ભરી સરકારની તિજોરીમાં જમાં કરાવ્યા. આ ગરીબ-મધ્યમવર્ગના રૂપિયાઓનો સમજ્યા વગર, આયોજન વગર ખેડૂતોને સાચો લાભ આપવાને બદલે ખેડૂતોના નામે સરકારના મળતીયાઓ, વચેટીયાઓ, દલાલો, એજન્ટો, વેપારીઓ ચાંઉ કરી જાય, સરકારને બમણું નુકશાન જાય અને ખેડૂતોના હાથમાં પણ કંઈ જ ન આવે તો આવી યોજનાની જરૂરિયાત શું છે? માત્ર મત માટેની જ રમત છે કે બીજું કાંઈ? જો સરકાર ખરેખર ખેડૂતને સાચા દિલથી ફાયદો કરાવવા માગતી હોય, ખેડૂતોનું સાચા દિલે હિત ઇચ્છતી હોય તો સરકારે આ ટેકાના ભાવમાંથી બહાર નીકળી ખેડૂતો માટે એક નક્કર અને ચોક્કસ કાયદો બનાવવો પડશે. જેમ 2006મા વેપારીઓ માટે MRPનો કાયદો આવ્યો કે કોઈપણ વેપારી પેકિંગ થયેલા માલ પર છાપેલી કિંમત કરતા વધારે કિંમત લઈ શકે નહીં અને જો કોઈ વેપારી છપેલી કિંમત કરતા વધારે કિંમત લેતા પકડાય તો એમને દંડ અને તેમનું લાયસન્સ રદ્દ કરવાની જોગવાઈ છે, તેમ જ સરકારે ખેડૂતો માટે કાયદો કરવો જોઈએ કે ખેડૂતની દરેક ખેત પેદાશના ઓછામાં ઓછા ભાવ નક્કી કરવા જોઈએ. આ ઓછામાં ઓછા ભાવ ખેડૂતની પડતર કિંમત + મજૂરી + જમીનનો ઘસારો કે જમીનનું ભાડું + ખાતર પોતર અને બિયારણ ખર્ચ સહિત)ની કિંમત + 50% ખેડૂતનો નફો ઉમેરી ઓછામાં ઓછી કિંમત નક્કી કરવી જોઈએ અને આ સરકારે નક્કી કરેલી ઓછામાં ઓછી કિંમત કરતા કોઈપણ વેપારી એનાથી નીચા ભાવે ખેડૂતનો માલ ખરીદતા પકડાય તો તેને દંડ, જેલની સજા અને એમનું લાયસન્સ રદ્દ કરતા કાયદા બનાવવા જોઈએ.

જો સરકાર આવો કાયદો બનાવે તો ખેડૂતોની ખેતપેદાશના ભાવ ઓટોમેટિકલી વધારે જ આવે અને ખેડૂતોને એમની મહેનતનું પૂરું વળતર મળતું થાય. ખેડૂત સરકાર પાસે જે કંઈ માગે છે એ એમનો હક માંગે છે કોઈ ભીખ નથી માંગતો, ખેડૂતલક્ષી નીતિ બનાવવી એ સરકારની ફરજ છે અને પોતાની મહેનતનું વળતર માગવું એ ખેડૂતોનો હક્ક છે. એટલે સરકાર ખેડૂતો માટે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ નહિ પણ મિનિમમ પ્રાઇઝનો કાયદો લાવે એવી અપેક્ષા લઈને બેઠો છે. જો સરકાર આવો કાયદો લાવે તો અને તો જ ખેડૂતોને સાચી મદદ થઈ શકશે, બાકી ટેકાના ભાવમાં સરકાર અને એના દ્વારા ઊભી કરાયેલી આખેઆખી ચેનલ ખેડૂતોને ખોતરીને ખાઈ જશે. તેમ ખેડૂત આગેવાન પાલભાઇ આંબલિયાએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp