ચાની ચૂસકી લેવી મોંઘી પડી શકે છે,આગામી દિવસોમાં ચા પત્તીના ભાવમાં વધારો થશે
તમારી સવાર સવારની ચા કડવી બની શકે એવા સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં ચા પત્તીના ભાવો વધવાના છે એટલે તમારી પ્યારી ચાના ભાવ પણ વધશે.
ભારતમાં કરોડો લોકો વહેલી સવારે ચાની ચૂસકી લેવાનું પસંદ કરે છે. સમય સાથે આ સંખ્યા વધી રહી છે. આ કારણે ભારતમાં ચાનો વપરાશ સતત વધી રહ્યો છે. કેટલાંક લોકો તો એવા હોય છે જે આખો દિવસ ચા પર જ પસાર કરતા હોય છે. આ દરમિયાન ચા પીવાના શોખીનો માટે એક ખરાબ સમાચાર છે. વાસ્તવમાં, ચા ઉત્પાદકોની સંસ્થા ટી એસોસિએશન ઓફ ઈન્ડિયા (TAI) એ કહ્યું છે કે ઉત્તર બંગાળનો ચા ઉદ્યોગ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને પ્રદેશના ઘણા બગીચા બંધ થઈ ગયા છે.
TAIના જનરલ સેક્રેટરી પીકે ભટ્ટાચાર્યએ કહ્યું કે ઓક્ટોબર 2023માં ઉત્તર બંગાળમાં 13થી 15 ચાના બગીચા બંધ કરવામાં આવ્યા હતા, જેનાથી 11,000થી વધુ લોકો પ્રભાવિત થયા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે ચાના બગીચા બંધ થવાના કારણે ચાના ઉત્પાદનને અસર થશે, જેના કારણે આગામી દિવસોમાં ચાની પત્તીના ભાવમાં વધારો થશે. શિયાળાની સિઝનમાં આમ પણ ચાની પત્તીનો વધુ વપરાશ થાય છે, જેના કારણે ભાવ વધે છે.
TAIએ કહ્યું કે આ વર્ષે એપ્રિલમાં પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા જાહેર કરાયેલ વચગાળાના વેતન વધારાને કારણે સંગઠિત અને નાના ચાના કારખાનાઓ (BLF) સહિત લગભગ 300 બગીચાઓ નાણાકીય તંગીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારોમાં દર વર્ષે લગભગ 40 કરોડ કિલોગ્રામ ચાનું ઉત્પાદન થાય છે.
ભટ્ટાચાર્યના કહેવા મુજબ, ઉત્તર બંગાળમાં લગભગ 300 ચાના બગીચા છે, જેમાંથી 15 અત્યારે બંધ થઇ ગયા છે. છે. TAIએ જણાવ્યું હતું કે ચા ઉદ્યોગ અત્યારે ખાતર, કોલસો અને રસાયણોથી લઈને ઉત્પાદન ખર્ચમાં અચાનક વધારાનો સામનો કરી રહ્યું છે. તો બીજી તરફ હરાજીમાં ભાવો બહુ ઓછા મળી રહ્યા છે. ટી એસોસિએશન ઓફ ઈન્ડિયાએ એ પણ કહ્યુ કે નાણાંકીય સંકટને ઓછું કરવા માટે ચા ઉદ્યોગોએ પહેલાં જ પશ્ચિમ બંગાળ સરકાર સાથે વાટાઘાટ કરી છે.
ટી બોર્ડે આગામી વર્ષના પ્રથમ 6 મહિનામાં સારો પાક મળી શકે તેના માટે ઉત્તર ભારતમાં શિયાળામાં ચા ઉગાડતા વિસ્તારોમાં ઉત્પાદન એકમોને બંધ કરવાનો આદેશ આપ્યો છે. બોર્ડના આદેશ અનુસાર દાર્જિલિંગ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની તમામ ચા ફેક્ટરીઓ માટે લીલા પાંદડા તોડવા અથવા એકત્રિત કરવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ બંગાળ અને બિહારના ડુઆર અને તરાઈ ક્ષેત્ર માટે, તારીખ 23 ડિસેમ્બર છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે દાર્જિલિંગ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે નોટિફાઇડ સ્ટોરેજ વિસ્તારોમાં બિલ માર્કિંગ સાથે પેક્ડ ચાને સૉર્ટ કરવા, પેક કરવા અને લેવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર રહેશે. પશ્ચિમ બંગાળ અને બિહારના ડુઅર અને તેરાઈ ક્ષેત્રમાં, સીટીસી વિવિધતા માટે તારીખ 6 જાન્યુઆરી 2024 અને ગ્રીન ટીની જાતો માટે 11 જાન્યુઆરી 2024 નક્કી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp