26th January selfie contest

ભંડારિયા બહુચરાજી મંદિરની પારંપારિક નવરાત્રિ, ડિસ્કો દાંડિયાને નથી સ્થાન

ભાવનગર નજીકના ભંડારિયા ગામમાં આવેલા શ્રી બહુચરાજી માતાના સાંનિધ્યમાં પરંપરાગત રીતે નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પણ આ ગામમાં ડિસ્કો દાંડિયાને કોઈ સ્થાન નથી. અહીં ભવાઈ અને નાટક દ્વારા પારંપારિક રીતે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીંની નવરાત્રિમાં આપણી સંસ્કૃતિની મહેક આવે છે. અહીં બહુચર માતાજીના સાંનિધ્યમાં માણેક ચોકમાં આવેલ શક્તિ થીયેટર રંગમંચમાં નવ દિવસ પારંપારિક ધાર્મિક ઐતિહાસિક નાટકો ભજવવામાં આવે છે. અને આ નાટકોનો પણ અનોખો ઈતિહાસ રહેલો છે.

ભાવનગર નજીકના ભંડારિયા ગામમાં નવરાત્રિ મહોત્સવની 300 વર્ષથી પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પણ નવરાત્રિમાં રાત્રિની આરતીમાં સમસ્ત ગ્રામજનો મંદિરમાં જોડાય છે. અહીંની ભવ્ય આરતીમાં તમામ સમાજના લોકો જોડાય છે અને આદ્યશક્તિની આરાધના કરે છે. આ ગામની એકતા એજ સૌથી મોટી તાકાત છે. પરંપરા મુજબ અહીં ઉજવાતા નવરાત્રિ ઉત્સવમાં આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન આપ્યા વિના શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નવરાત્રિ ઉજવાય છે.

નવરાત્રિ દરમિયાન માણેક ચોકના શક્તિ થિયેટર્સનાં રંગમંચ પર ધાર્મિક-ઐતિહાસિક નાટકો ભજવવામાં આવે છે, ત્યારે ભંડારિયાની ભવાઈ ખૂબ જાણીતી અને લોકપ્રિય છે. કહેવાય છે કે, ભંડારિયાની ભવાઈ જોઈને દાંતાના રાજવીએ મુંડકી વેરો માફ કરેલો. જે વાતનું આજે પણ ગોહિલવાડ ગૌરવ લે છે. અહીં રાજ્ય અને અન્ય રાજ્યના લોકો પણ મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે અને તેમના માટે ખાસ સગવડતા પણ કરી આપવામાં આવે છે. ઉપરાંત આ મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ કેમ્પોનું આયોજન પણ કરાય છે તેમજ સામાજિક કાર્યો અને આફતના સમયે પણ સેવાકીય પ્રવૃતિઓ કરી ગામની એકતાના દર્શન કરાવે છે.

અહીંનો ઈતિહાસ જોઈએ તો, આજથી સાત દસકા પૂર્વની આ વાત છે. ભંડારિયા બહુચરાજી મંદિરમાં નવરાત્રિના નવ દિવસ સુધી સતત ભવાઈ વેશો ભજવાતા હતા. ત્યારે ભવાઈ મંડળે ખેડબ્રહ્મા પાસે આવેલા અંબાજીના ધામમાં માતાજીનાં ગોખ પાસે ભવાઈ ભજવવા જવાનું નક્કી કર્યું. પરંતુ ત્યાંના રજવાડામાં એવો એક નિયમ હતો કે બ્રાહ્મણ હોય તે જ વ્યક્તિ ભવાઈ વેશમાં માતાજીનાં ગોખની સામે પડમાં રમી શકે. જ્યારે  સૌરાષ્ટ્રનાં ભાવસિંહજી તખ્તસિંહજીના રાજ્યમાં ભડી ભંડારિયામાં દરેક જ્ઞાતિનાં લોકો ભવાઈ રમતાં. જે હજુ આજે પણ એ જ સ્થિતિમાં રમાય છે. ભંડારિયાના લોકોએ ત્યાં ભવાઈ વેશ ભજવીને ત્યાંના રાજવીઓને ખુશ કર્યાં, ત્યારે ત્યાંના રાજવીએ પોતાના ભોજપત્રના કાગળ પર ભાવનગર શહેરના ભાવેણાના ભડી ભંડારિયા ગામેથી પધારતા કોઇપણ સ્ત્રી, પુરુષ, અબાલ વૃદ્ધ બાળકોનો મુંડકાવેરો ન લેવાનો આદેશ આપી તમામ ભવાઈ વેશના કલાકારોનું બહુમાન કરીને નવાજ્યા હતાં. ભંડારિયામાં આજે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હિંદુ મુસ્લિમ સાથે મળીને માતાજીની આરતી કરીને નાટક ભજવે છે.

ભંડારિયાના માણેક ચોકમાં રમાતી ભવાઈ બગદાણાવાળા પૂ. બજરંગદાસ બાપા પણ નીહાળવા આવતા હતા. ભંડારિયામાં આજે પણ પરંપરા મુજબ નાટકો રમવામાં આવે છે. સમયનાં બદલાતા વ્હેણ સાથે ભવાઈનાં સ્થાને નાટક યોજવામાં આવે છે, પરંતુ નાટકો જોવા માટે પણ બહારગામથી લોકોની ભીડ જામે છે. તેમજ આ નાટક જોવા આવનાર દરેક વ્યક્તિને એક સમાન જ આસન છે. કોઈ પણ નેતા હોય કે કલેક્ટર આજે પણ આ નાટકમાં આ ચોકમાં ઉંચા આસને બેસી નથી શકતા. અહીં નાટક ભજવતાં તમામ પુરુષ કલાકારો છે જે વિવિધ વેશ ધારણ કરી પાત્રને ન્યાય આપે છે અને સહેજ પણ સંકોચ અનુભવતા નથી.

શ્રી ભંડારિયા બહુચરાજી મંદિર દ્વારા કોઇ દિવસ ફંડફાળો કે ઉઘરાણુ થતું નથી. મંદિરમાં ભુવા ડાકને ધુણવા દેવામાં આવતા નથી. અહીં ગમે તેટલી મોટી ભેટ ધરનાર કોઇપણ વ્યક્તિની વ્યક્તિગત જય બોલાતી નથી. માત્ર અંબે માતકી જય...' એમ જ બોલાય છે. આઠમના દિવસે માતાજીનો સ્વાંગ રચાય છે. આ પ્રસંગે માતાજીના દર્શનાર્થે ભાવિકોનો મેળો જામે છે. સૌથી મહત્ત્વની બાબત કે આ નવરાત્રિ દરમિયાન કોઈ સ્મશાનયાત્રા આ ચોકમાંથી પસાર નથી થતી.

(નિમિષા ભટ્ટ)

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp