જૈન તીર્થ બચાવવા મૂનિના પ્રાણ ત્યાગ, 10 દિવસથી ઉપવાસ પર બેઠા હતા

PC: bhaskar.com

છેલ્લાં લગભગ પંદરેક દિવસથી સમેત શિખર અને શત્રુંજય મહાતીર્થને બચાવવા માટે દેશભરના જૈન સમાજના લોકો જબરદસ્ત લડત આપી રહ્યા છે એ દરમિયાન પવિત્ર તીર્થને બચાવવા માટે છેલ્લાં 10 દિવસથી ઉપવાસ પર ઉતરેલા જૈન મૂનિનું મંગળવારે જયપુરમાં નિધન થતા જૈન સમાજમાં આક્રોશ ફેલાયો છે. જૈન સંતો અને અગ્રણીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. ઝારખંડમાં જૈન તીર્થસ્થળ સમેત શિખરને પર્યટન સ્થળ બનાવવાનો વિરોધ કરી રહેલા જૈન સાધુ સુજ્ઞેયસાગર મહારાજે મંગળવારે પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો હતો. તેઓ ઝારખંડ સરકારના નિર્ણય સામે છેલ્લા 10 દિવસથી ઉપવાસ કરી રહ્યા હતા. સુજ્ઞેયસાગર 72 વર્ષના હતા.

ઝારખંડ સરકારના નિર્ણય બાદ સુજ્ઞેયસાગર 25મી ડિસેમ્બરથી સાંગાનેરમાં ઉપવાસ કરી રહ્યા હતા. મંગળવારે સવારે સાંગાનેર સાંઈજી મંદિરેથી તેમની ડોલ યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન આચાર્ય સુનિલ સાગર સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જૈન સાધુને જયપુરમાં સાંગાનેર ખાતે સમાધિ આપવામાં આવી હતી.

ઓલ ઈન્ડિયા જૈન બેન્કર્સ ફોરમના પ્રમુખ ભાગચંદ્ર જૈને જણાવ્યું કે, મુનિશ્રીએ સમેત શિખરને બચાવવા માટે બલિદાન આપ્યું છે. તેઓ તેની સાથે જોડાયેલા હતા. જૈન સાધુ સુનિલ સાગરે કહ્યું કે સમેત શિખર અમારું ગૌરવ છે. આજે સાંજે 6 વાગ્યે મુનિ સુજ્ઞેય સાગર મહારાજનું નિધન થયું. જ્યારે તેમને ખબર પડી કે સમેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે તેઓ તેના વિરોધમાં સતત ઉપવાસ પર હતા. રાજસ્થાનની આ ધરતી પર તેમણે પોતાની જાતને ધર્મને સમર્પિત કરી દીધી છે. હવે મુનિ સમર્થ સાગરે પણ અન્નકૂટની આહુતિ આપીને તીર્થધામને બચાવવાની પહેલ કરી છે.

મુનિ સુજ્ઞેય સાગરનો જન્મ જોધપુરના ભિલાડામાં થયો હતો, પરંતુ તેમનું કાર્યસ્થળ મુંબઈમાં અંધેરી હતું. તેમણે ગિરનારમાં આચાર્ય સુનિલ સાગર મહારાજ પાસેથી દીક્ષા લીધી હતી. બાંસવાડામાં મુનિ દીક્ષા અને સમેત શિખરમાં ક્ષુલક દીક્ષા લીધી. શરૂઆતથી ઋષિએ વ્રત રાખ્યું અને અંતે તીર્થને બચાવવા ઉપવાસ રાખ્યા. સંતનું ઘરેલું નામ નેમિરાજ હતું.

દરમિયાન જયપુરમાં જૈન સાધુ આચાર્ય શંશાકે જણાવ્યું હતું કે, જૈન સમુદાય હાલમાં સમેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવા માટે અહિંસક રીતે આંદોલન કરી રહ્યો છે અને આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp