મહાવીર જયંતિઃ રાજકુમાર વર્ધમાન મહાવીર સ્વામી કેવી રીતે બન્યા?

PC: Mahavir Swami

- મહાવીર જયંતિ - ચૈત્ર સુદ તેરસ એટલે ભગવાન મહાવીરનો જન્મકલ્યાણક દિવસ
- મૈત્રી-કરુણાનાં સાગર, શ્રી વર્ધમાન - મહાવીર સ્વામી
જીવાત્મા કર્મની ગતિમાંથી મુક્તિ મેળવી પરમગતિ કઈ રીતે પામી શકે. આ પ્રશ્ન મહારાજા સિદ્ધાર્થનાં પુત્ર વર્ધમાનને સતત મૂંઝવતો હતો. દોમ-દોમ સાહ્યબી તથા રાજમહેલની સુખ-સગવડોનો ત્યાગ કરીને વર્ધમાને જંગલની વાટ પકડી. ત્યાં તેમણે અપાર દુ:ખ, કષ્ટ, પીડા સહન કર્યા. અનેક પ્રતિકૂળતાઓનો સામનો કર્યો. મહાવીર સ્વામીએ કરેલા કર્મ, સંઘર્ષમાં તેઓ એકલા જ હતા. દરેક પ્રકારનાં કષ્ટોનો સામનો કરવા માટે એમણે કોઈની મદદ ન લીધી. આટલા બધા કષ્ટો ભોગવવા છતાં મહાવીર તો કહેતા, 'હું તો મારા ઈષ્ટને પ્રેમ કરું છું!'
વર્ધમાન-મહાવીર સ્વામીએ સાડાબાર વર્ષની ઉગ્ર સંયમ-તપ-અહિંસા, ધર્મ, તપશ્ચર્યા કરી. પાંચેય ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવ્યો, કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેઓ વિતરાગ બન્યા. સર્વજ્ઞા કહેવાયા. જગતનાં તમામ જીવોનાં કલ્યાણ માટે તીર્થ સ્થાપન કરનારા તીર્થંકર મનાયા. જૈનોનાં ૨૪ તીર્થંકરો પૈકીનાં છેલ્લા ચોવીસમા તિર્થંકર વર્ધમાન-મહાવીર ગણાયા. તેઓ દેવેન્દ્રોથી પૂજિત અને સંપૂર્ણ સત્ય પ્રકાશક બન્યા. તેમણે ત્રીસ વર્ષના આ તીર્થંકરપદ પૂર્વક સમયમાં જગતનાં જીવોને અનંત સુખનો માર્ગ દર્શાવ્યો હતો.
કેવળજ્ઞાન અને મોક્ષ
કેવળજ્ઞાન અને મોક્ષ એક બીજા સાથે સંલગ્ન છે. મોક્ષ એટલે કે જીવની ગતિમાંથી મુક્તિ, એ માત્ર તે જ મેળવી શકે છે કે જે કેવળજ્ઞાની હોય. કેવળજ્ઞાન પામનાર આત્મા નિર્વાણ પછી સિદ્ધ બને છે અને જીવન-મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવે છે. મુક્તિની આ સ્થિતી શાશ્વત હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp