સોમવારે રાધાષ્ટમી: કૃષ્ણની ભક્તિ પામવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ

PC: pinterest.com

वन्दे वृन्दावनानन्दां राधिकां परमेश्वरीम्।

गोपिकां परमां श्रेष्ठां ह्लादिनीं शक्तिरुपिणीम्।।

અર્થાત વૃંદાવનમાં જન્મનાર રાધારાણી કૃષ્ણ માટે સર્વોપરિ હતા, ગોપિકાના રૂપમાં તેઓ જ ભગવાન કૃષ્ણની અને સમસ્ત સૃષ્ટિની શક્તિ હતા

શ્રી કૃષ્ણને અનેક પટરાણીઓ હતી, પણ શ્રી રાધાજી લક્ષ્મીનો અવતાર હતા એટલે શ્રી કૃષ્ણ સાથે રાધા -કૃષ્ણ બોલાય છે. સોમવારે રાધાષ્ટમી હોય શહેરની હવેલીઓ તેમજ કૃષ્ણ મંદિર તેમજ ઇસ્કોન અને વૈષ્ણવ સંપ્રદાય દ્વારા તેની અનોખી ઉજવણી કરવામાં આવશે. રાધાષ્ટમીના દિવસે રાધાજીનો જન્મ થયો હતો. ભગવાન કૃષ્ણ જેમ રાધા વિના અધૂરા છે તેમ તેમની પૂજા પણ રાધાજી વગર અધૂરી માનવામાં આવે છે.

યાત્રાધામ ડાકોર અને જગતમંદિર ખાતે પણ વિશેષ ઉજવણી કરવામાં આવશે. મથુરા અને વૃંદાવનમાં ભક્તો ઘેલા બની રાસલીલા કરશે.

રાધાષ્ટમીનું વ્રત શા માટે રાખવુ?
દેવર્ષિ નારદને એકવાર ભગવાન શિવને રાધાજી, દેવી લક્ષ્મી, દેવપત્ની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંતરંગ વિદ્યા, વૈષ્ણવી પ્રકૃતિ, વેદન્યા અને મુનીકન્યામાંથી શ્રેષ્ઠ કોણ તેના વિશે પૂછ્યું હતું, ત્યારે તેના ઉત્તરમાં શિવજીએ કહ્યું કે, મહાલક્ષ્મીજી પણ તેના ચરણોની શોભા સામે ના રહી શકે એટલા માટે રાધાજીના ગુણ, રૂપ અને સુંદરતાના વર્ણન એકમુખેથી કરવામાં ત્રણેય લોકમાં કોઇ સામર્થવાન નથી. આખા જગતને મોહિત કરનાર શ્રીકૃષ્ણ પણ રાધાજીથી મોહિત થઇ જાય છે, માટે જ રાધાજી સર્વશ્રેષ્ઠ છે. તેમનું વ્રત કરવાથી કૃષ્ણની કૃપા તરત જ પ્રાપ્ત થાય છે.

કેવી રીતે કરશો પુજા?

  • પ્રાતઃકાલ નિત્ય કર્મોથી નિવૃત્ત થઇ મન-કાયા શુદ્ધ કરવી.
  • રાધાકૃષ્ણની પ્રતિમા સમક્ષ તાંબાનું કલશ સ્થાપિત કરવું.
  • ત્યાર બાદ રાધાજીને ષોડશોપચાર પૂજન કરવું.
  • ધ્યાન રહે કે પૂજાનો સમય મધ્યાન એટલે કે બપોરનો હોય.
  • આ દિવસે ઉપવાસ કરો અને એક જ સમય ભોજન લેવું.
  • પરિણીતાઓને તેમજ બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપવી.

પવિત્ર રાધાકુંડ

ઉત્તર પ્રદેશના બરસાના ખાતે પ્રસિદ્ધ રાધાકુંડ આવેલું છે, જેમાં સામાન્ય રીતે વર્ષ દરમિયાન પ્રવેશ વર્જિત માનવામાં આવે છે પણ માત્ર રાધાષ્ટમીના દિવસે જ અહીં પવિત્ર જળમાં ડૂબકી મારવા દેવામાં આવે છે. સવારથી મધ્યરાત્રિ સુધી અહીં હજારો ભક્તો લાંબી લાઇનોમાં ઉભા રહીને પવિત્ર રાધાકુંડમાં ડૂબકી મારે છે. રાધાષ્ટમીના દિવસે ખાસ રાધાજીના ચરણોનું પૂજન કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp