શું તમે જાણો છો કે ભગવાન શ્રીકૃષ્ણને શા માટે કહેવામાં આવે છે રણછોડ?

PC: hindugodwallpaper.com

ભગવાન શ્રીકૃષ્ણના ચમત્કાર અને લીલાઓ વિશે કોણ નથી જાણતું. તેઓ ભગવાન વિષ્ણુના અવતાર હતા, તેઓ જે ઈચ્છે તે કરી શકતા હતા અને ઘણા અવસરો પર કર્યું પણ હતું. પરંતુ એક એવો અવસર પણ આવ્યો હતો, જ્યારે શ્રીકૃષ્ણએ રણભૂમિ છોડીને ભાગવું પડ્યું હતું, જેના કારણે તેમનું નામ રણછોડ પડ્યું હતું. હવે તમે વિચારી રહ્યા હશો કે એ તો ભગવાન હતા, પછી તેમણે કોઈનાથી ભાગવાની શું જરૂર હતી? તો એ જાણવા માટે તમારે તેની પાછળની રહસ્યમય સ્ટોરી સાંભળવી પડે.

એકવાર મગધરાજ જરાસંધે ભગવાન શ્રીકૃષ્ણને યુદ્ધ માટે લલકાર્યા હતા. શ્રીકૃષ્ણ વિરુદ્ધ યુદ્ધ કરવા માટે જરાસંધે યવન દેશના રાજા કાલયવનને પણ પોતાના પક્ષમાં કરી લીધા હતા. કાલયવનને ભગવાન શંકર પાસેથી એવું વરદાન મળ્યું હતું કે, તેને કોઈ ચંદ્રવંશી કે સૂર્યવંશી યુદ્ધમાં હરાવી નહીં શકશે. તેને ના કોઈ હથિયાર મારી શકે કે ના કોઈ તેને પોતાના બળથી મારી શકે છે.

ભગવાન શંકર પાસેથી મળેલા વરદાનના કારણે કાલયવન પોતાને અમર અને અજેય સમજવા માંડ્યો હતો. તેને લાગવા માંડ્યું હતું કે કોઈપણ તેને યુદ્ધમાં હરાવી ના શકે કે તેને મારી પણ નહીં શકે. જરાસંધના કહેવા પર કાલયવને પોતાની સેનાની સાથે મથુરા પર આક્રમણ કરી દીધુ. હવે શ્રીકૃષ્ણ જાણતા હતા કે કાલયવનને તે પોતાના બળથી નહીં મારી શકે કે તેમના સુદર્શન ચક્રથી પણ તેને કંઈ જ નહીં થાય. આથી તેઓ રણભૂમિ છોડીને ભાગી ગયા અને એક અંધેરી ગુફામાં પહોંચી ગયા.

શ્રીકૃષ્ણ જે ગુફામાં જઈને સંતાયા હતા, તેમાં પહેલાથી જ ઈક્ષ્વાકુ નરેશ માંધાતાના પુત્ર અને દક્ષિણ કોસલના રાજા મુચકુંદ ગાઢ નિંદ્રામાં સૂતા હતા. તેમણે અસૂરોની સાથે યુદ્ધ કરીને દેવતાઓને જીત અપાવી હતી. સતત ઘણા દિવસો સુધી યુદ્ધ કરવાને કારણે તેઓ થાકી ગયા હતા, આથી ભગવાન ઈન્દ્રએ તેમને ઊંઘવાનો આગ્રહ કર્યો અને તેમને એક વરદાન પણ આપ્યું, જે અનુસાર જો કોઈપણ તેમને ઊંઘમાંથી ઉઠાડશે તો તે બળીને ભસ્મ થઈ જશે.

રાજા મુચકુંદને મળેલા વરદાનની વાત શ્રીકૃષ્ણ જાણતા હતા, આથી તેઓ કાલયવનને પોતાની પાછળ-પાછળ તે ગુફા સુધી લઈ ગયા, જ્યાં રાજા મુચકુંદ સૂતા હતા. શ્રીકૃષ્ણએ કાલયવનને ભ્રમિત કરવા માટે પોતાનું પીતાંબર રાજા મુચકુંદની ઉપર નાંખી દીધુ. રાજા મુચકુંદને જોઈ કાલયવનને લાગ્યું કે તે શ્રીકૃષ્ણ જ છે અને તેનાથી ડરીને અંધેરી ગુફામાં સંતાઈને સૂઈ ગયા છે. આથી તેણે શ્રીકૃષ્ણ સમજીને રાજા મુચકુંદને જ ઊંઘમાંથી ઉઠાડી દીધા. હવે રાજા મુચકુંદ જેવા ઊંઘમાંથી ઉઠ્યા, કાલયવન ત્યાં જ બળીને ભસ્મ થઈ ગયો.

અસલમાં આ ભગવાન શ્રીકૃષ્ણની જ એક લીલા હતી. તેમણે મહાભારતના યુદ્ધમાં ગીતાનો ઉપદેશ આપતા કહ્યું પણ હતું કે, સૃષ્ટિમાં જે કંઈ પણ થાય છે, તેમની ઈચ્છાથી જ થાય છે, તો જાહેર છે કે કાલયવનનો અંત પણ તેમની જ ઈચ્છાથી થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp