જન ધન ખાતામાં વધારે જમા થયેલી 2000ની નોટ ITની તપાસમાં ફસાઈ શકે છે, જાણો કંઈ રીતે

PC: zeebiz.com

જો તમારા નામ પર અથવા તમારા પરિવારના સભ્યોના નામે કોઈ જન ધન ખાતું ખોલવામાં આવ્યું હોય તો સાવચેત રહેજો. જો આવા ખાતામાં રૂ. 2,000ની નોટ મોટા પાયે જમા કરવામાં આવે છે, તો તમે આવકવેરા વિભાગ (IT વિભાગ)ની તપાસ હેઠળ આવી શકો છો. વિભાગને આશંકા છે કે, જે લોકો 2,000 રૂપિયાની નોટમાં કાળું નાણું રાખે છે, તેઓ કોઈપણ જન ધન ખાતાધારકનો ઉપયોગ કરીને તેમની નોટો બદલાવી શકે છે. એટલા માટે આવા ખાતાઓની ચકાસણીની તૈયારી છે.

જાહેર ક્ષેત્રની બેંકના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, તેમને આવકવેરા વિભાગ તરફથી સૂચનાઓ મળતી જ રહે છે. એટલા માટે જન ધન ખાતા પર તો વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. જો જન ધન ખાતામાં 'શંકાસ્પદ' વ્યવહાર થયો હોય તો તેની જાણ કરવામાં આવે છે. આવકવેરા વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, આ મામલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરવામાં આવશે. તેમને લાગે છે કે, કાળું નાણું સંગ્રહ કરનારાઓ તેમની રૂ. 2,000ની નોટો બદલવા માટે કંઈક આ પ્રકારની યુક્તિઓનો આશરો લઈ શકે છે.

આવકવેરા વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, જો કોઈ વ્યક્તિના ઘરે 2000 રૂપિયાની નોટો પડી હોય અને તે જમા કરાવવા બેંકની શાખામાં આવે તો તેની કોઈ પૂછપરછ કરવામાં આવશે નહીં. પરંતુ જો કોઈ ગરીબ અથવા સામાન્ય વર્ગનો વ્યક્તિ મોટી સંખ્યામાં રૂ. 2000ની નોટ જમા કરાવે છે તો આવી વ્યક્તિની પૂછપરછ થઈ શકે છે. બેંકો, ટેક્સ સત્તાવાળાઓ અને કેટલીક અન્ય એજન્સીઓ આવા લોકો પર નજર રાખવા માટે સંપૂર્ણ એલર્ટ પર છે.

હાલમાં મોટાભાગના ગરીબ લોકો પાસે જન ધન ખાતું છે. વાસ્તવમાં, ઘણા વર્ષો પહેલા સમાજના એક ખૂણામાં રહેતા લોકોને બેંકના નેટવર્ક અથવા નાણાકીય સમાવેશ સાથે જોડવા માટે જન ધન ખાતું ખોલવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં દેશના મોટાભાગના ગરીબ પરિવારો પાસે ઓછામાં ઓછું એક જન ધન ખાતું તો છે જ. કેટલાક કિસ્સાઓમાં, એવું જોવા મળ્યું છે કે, કેટલાક સ્વાર્થી તત્વો આવા ખાતાધારકોના ખાતાનો દુરુપયોગ પણ કરે છે. આવકવેરા વિભાગ આવા શંકાસ્પદ ખાતાઓ પર નજર રાખી રહ્યું છે.

ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI અનુસાર, જન ધન એકાઉન્ટ (PMJDY એકાઉન્ટ) અથવા બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટમાં રૂ. 2000ની નોટ જમા કરતી વખતે સામાન્ય મર્યાદા લાગુ થશે. અહીં અમે તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી જન-ધન યોજના એ નાણાકીય સમાવેશ માટેનું રાષ્ટ્રીય મિશન છે, જે બેંકિંગ/બચત અને ડિપોઝિટ એકાઉન્ટ્સ, રેમિટન્સ, લોન, વીમા, પેન્શન જેવી નાણાકીય સેવાઓની ઍક્સેસને સરળ રીતે સુનિશ્ચિત કરે છે. ભારતીય રિઝર્વ બેંકે જન ધન ખાતામાંથી માસિક ઉપાડની મર્યાદા 10,000 રૂપિયા નક્કી કરી છે. જ્યારે, આવા ખાતામાં 50 હજાર રૂપિયાથી વધુ જમા કરી શકાતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp