33% મહિલાઓ કોઈપણ પ્રકારનું રોકાણ કરતી નથી, જે કરે છે તેમની પ્રથમ પસંદગી ગોલ્ડ-FD

PC: clevergirlfinance.com

ભારતમાં મહિલાઓ લગભગ તમામ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં કામ કરે છે. IT, બેંકિંગ, એકાઉન્ટન્સી, ફેશન, તબીબી વ્યવસાય, મીડિયા ઉદ્યોગો જેના ઉદાહરણો છે. પરંતુ શેરબજાર અને અન્ય પ્રકારના રોકાણમાં તેમની ભાગીદારી હજુ પણ ઘણી ઓછી છે.

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે, મહિલાઓને બચત કરવાની સારી ટેવ હોય છે. તેઓ વસ્તુઓની તપાસ કરીને વસ્તુઓને વિગતવાર સમજવાનો પ્રયાસ કરે છે. પરંતુ તાજેતરના એક સર્વેમાં સામે આવ્યું છે કે ભારતમાં 33 ટકા મહિલાઓ કોઈપણ પ્રકારનું રોકાણ કરતી નથી. 21 થી 25 વર્ષની વયજૂથમાં આ આંકડો 40 ટકા છે. LXME દ્વારા એક્સિસ માય ઈન્ડિયા સાથે મળીને કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે.

સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં 55 ટકા મહિલાઓને રોકાણ વિશે વધારે જાણકારી નથી. મોટાભાગની મહિલાઓ માત્ર બચત જ કરે છે, પરંતુ રોકાણમાં તેમની ભાગીદારી ઓછી જોવા મળે છે. ઘણી વખત કંપનીઓમાં મોટી જવાબદારીઓ સંભાળતી મહિલાઓ પણ રોજિંદા કામ, ઘર અને બાળકોમાં વ્યસ્ત રહેવાને કારણે રોકાણ જેવા મહત્વના પાસાં પર ધ્યાન આપી શકતી નથી.

ભારતમાં રોકાણ કરતી મોટાભાગની મહિલાઓ સોનાના આભૂષણો, બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD), PPF, એન્ડોમેન્ટ પોલિસી જેવા પરંપરાગત ઉત્પાદનોમાં જ રોકાણ કરે છે. આ સર્વેમાં 42 ટકા મહિલાઓએ સ્વીકાર્યું છે કે તેઓ સોનાના દાગીનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે. 35 ટકા મહિલાઓનું કહેવું છે કે તેઓ બેંક FDમાં પૈસા રોકે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ મોંઘવારીની અસરોથી નાણાને બચાવવા અને સંપત્તિ બનાવવા માટે કંઈ કરતા નથી.

ગોલ્ડ જ્વેલરી અને બેંક FD જેવા રોકાણોમાંથી વળતર વાર્ષિક 5-6 ટકાથી વધુ નથી. છેલ્લા દાયકામાં સરેરાશ ફુગાવો 6.5 ટકા રહ્યો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે મહિલાઓને તેમના રોકાણ પર હકારાત્મક વળતર નથી મળી રહ્યું. જ્યારે, છેલ્લા 126 વર્ષનો ઈતિહાસ બતાવે છે કે સ્ટોક્સ જ એકમાત્ર એસેટ છે, જેણે અન્ય એસેટ ક્લાસની સરખામણીમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.

ભારતમાં શેરબજારમાં મહિલાઓની ભાગીદારી પણ ઓછી છે. આમાં પણ પુરૂષોનો ફાળો વધારે છે. ભારતનું શેરબજાર વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે, પરંતુ તેમાં મહિલાઓની ભાગીદારી માત્ર 21 ટકા છે. આમ, ભારતમાં દર 100 રોકાણકારોમાંથી માત્ર 21 મહિલાઓ છે. વિશ્વના અન્ય ઉભરતા બજારના દેશોમાં આ આંકડો ભારત કરતા સારો છે. તે ચીનમાં 34 ટકા, દક્ષિણ આફ્રિકામાં 33 ટકા અને મલેશિયામાં 29 ટકા છે.

શેરબજારમાં મહિલાઓની ઓછી ભાગીદારી અને અન્ય પ્રકારના રોકાણના ઘણા કારણો છે. આમાં ઘરની જવાબદારીઓ સંભાળવાને કારણે સમયનો અભાવ, નાણાકીય જાણકારીનો અભાવ અને પૈસા ગુમાવવાનો ડર વગેરેનો સમાવેશ થાય છે.

બચતની બાબતમાં મહિલાઓ બીજાની મદદ લેવાનું ટાળે છે. તેઓ દાગીના બનાવવા માટે મેકિંગ ચાર્જ પણ આપે છે. બેંકમાં લોકરની ફી ભરે છે, ઓછું વ્યાજ ધરાવતી બેંક FDમાં રોકાણ કરે છે. પરંતુ તે એવા નિષ્ણાતને ફી ચૂકવવા માંગતી નથી કે, જે તેને સ્ટોકમાં રોકાણ કરવામાં મદદ કરે છે. આ માટે આપણે પૈસા અને પૈસા સંબંધિત બાબતોમાં મહિલાઓની રુચિ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. તેઓને રોકાણના ફાયદાઓ વિશે સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને રોકાણની સરળ પ્રક્રિયા વિશે માહિતી આપવી જોઈએ. આનાથી તેમનો આત્મવિશ્વાસ વધશે અને તેમનામાં રોકાણ માટે રસ પણ પેદા થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp