હીરાના ધંધામાં મંદી! 7 હજાર કંપની પર સંકટ, 60 લોકોનો જીવ ગયો, સ્થિતિ કેમ બગડી?

PC: newsnationtv.com

દેશના સૌથી સફળ વ્યવસાયોમાં ગણના થતો હીરા ઉદ્યોગ આ દિવસોમાં ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ પછી હીરા ઉદ્યોગને ઘણી અસર થઈ છે. ઉપરથી, પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા હીરાની માંગને કારણે કુદરતી હીરા પર સંકટ સૌથી વધુ વધી ગયું છે.

'ડાયમંડ' આજે પણ આખી દુનિયામાં સમૃદ્ધ વ્યવસાયનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ, હાલમાં આ સમૃદ્ધ વ્યવસાય અત્યંત ગરીબીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે, એક સાથે 7 હજાર કંપનીઓ નુકસાનનો સામનો કરી રહી છે અને હજારો લોકોને તેમની નોકરી ગુમાવવાનો ભય છે. અત્યાર સુધીમાં 60 લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આર્થિક સંશોધન સંસ્થા ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)એ બુધવારે જાહેર કરેલા એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

GTRIએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારતનું હીરા ક્ષેત્ર ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે, કારણ કે છેલ્લા ત્રણ વર્ષમાં આયાત અને નિકાસ બંનેમાં ભારે ઘટાડો થયો છે. જેના કારણે લોન પેમેન્ટ ચુકી જવાને કારણે કંપનીઓ ઝડપથી ડિફોલ્ટ થઈ રહી છે. કારખાનાઓ બંધ થવાથી અને મોટા પાયે નોકરીઓ ગુમાવવાની સ્થિતિ સર્જાઈ છે.

ઇકોનોમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટએ જણાવ્યું હતું કે, નિકાસની આવકમાં વધારો તો થયો છે, પરંતુ ઓર્ડરમાં ઘટાડો અને લેબોરેટરી દ્વારા ઉગાડવામાં આવતા હીરાની વધતી જતી સ્પર્ધાને કારણે બિનપ્રક્રિયા વગરના રફ હીરાનો સ્ટોક વધી રહ્યો છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રની સમસ્યાઓના નિરાકરણ અને સેક્ટરના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.

અજય શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, ધંધામાં સતત ઘટાડાથી પેમેન્ટમાં ડિફોલ્ટ, ફેક્ટરીઓ બંધ થઈ જવી અને મોટા પાયે નોકરી ગુમાવવાની સ્થિતિ ઉભી થઇ છે. દુર્ભાગ્યે, ગુજરાતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 60થી વધુ લોકોએ આત્મહત્યા કરી લીધી, જે ભારતના હીરા ઉદ્યોગ પરના ગંભીર નાણાકીય અને ભાવનાત્મક તાણને દર્શાવે છે.

ઇકોનોમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડેટા અનુસાર, રફ ડાયમંડની આયાતમાં 24.5 ટકાનો ઘટાડો 2021-22માં 18.5 બિલિયન US ડૉલરથી 2023-24માં 14 બિલિયન US ડૉલર થઈ ગયો છે, જે નબળા વૈશ્વિક બજારો અને નીચા પ્રોસેસિંગ ઓર્ડર્સ (કરાર) દર્શાવે છે. તેમણે કહ્યું કે, રશિયા-યુક્રેન સંઘર્ષની વૈશ્વિક હીરા સપ્લાય ચેઇન પર પણ અસર પડી છે. મુખ્ય રફ હીરા ઉત્પાદક રશિયા પરના પ્રતિબંધોએ વેપારને વધુ જટિલ બનાવ્યો છે અને વૈશ્વિક હીરાના વેપારને ધીમું કર્યું છે.

શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, લેબ દ્વારા ઉગાડવામાં આવતા હીરા તરફ ગ્રાહકોની વધતી માંગ કુદરતી હીરાની માંગ પર અસર કરી રહી છે. એવું માનવામાં આવે છે કે, પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા વધુ આર્થિક અને ટકાઉ હોય છે. GTRIએ એમ પણ કહ્યું કે, દુબઈ હીરાનું ઉત્પાદન કરતું નથી, તેમ છતાં ભારતની રફ ડાયમંડની આયાતમાં તેનો હિસ્સો સતત વધી રહ્યો છે. દુબઈ બોત્સ્વાના, અંગોલા, દક્ષિણ આફ્રિકા, રશિયા પાસેથી કાચા હીરા મેળવે છે અને પછી તેને ભારતમાં નિકાસ કરે છે. ભારતીય હીરા ઉદ્યોગમાં 7,000થી વધુ કંપનીઓનો સમાવેશ થાય છે, જે હીરાને કાપવા, પોલિશ કરવા અને નિકાસ કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp