હવે તમામ મસાલા બનાવતી ફેક્ટરીઓનું નિરીક્ષણ કરવામાં આવશે, આ એજન્સીએ આદેશ આપ્યો

PC: fssai.gov.in

MDH અને એવરેસ્ટ મસાલામાં જંતુનાશકો મળી આવવાના સમાચારથી તમે વાકેફ હશો. સિંગાપોર અને હોંગકોંગમાં આ બંને કંપનીઓના મસાલામાં જંતુનાશકનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું જણાતાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહીં, જે માલ ત્યાં પહોંચ્યો હતો તે પણ પરત કરવામાં આવ્યો હતો. આ પછી ભારતીય એજન્સીઓ પણ સક્રિય દેખાઈ રહી છે. હવે કેન્દ્ર સરકારના ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAIએ મસાલાના મિશ્રણનું ઉત્પાદન કરતી તમામ કંપનીઓની ફેક્ટરીઓમાં દેશવ્યાપી તપાસનો આદેશ આપ્યો છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ભારતના ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAIએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેણે મસાલાનું મિશ્રણ બનાવતી તમામ કંપનીઓના રાષ્ટ્રવ્યાપી પરીક્ષણ અને નિરીક્ષણનો આદેશ આપ્યો છે. FSSAIના આ આદેશથી એવું માનવામાં આવે છે કે, સરકાર ભારતમાંથી પાંચ અબજ ડોલરથી વધુના મસાલાની નિકાસને બચાવવા માટે પ્રતિબદ્ધ છે. તેથી જ તો આ મસાલા કંપનીઓ પર કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે.

હોંગકોંગે ગયા મહિને ભારતના MDH દ્વારા બનાવેલા ત્રણ મસાલાનું મિશ્રણ અને અને એવરેસ્ટ દ્વારા બનાવેલા ફિશ કરી મસાલાનું વેચાણ અટકાવ્યું હતું. સિંગાપોરે એવરેસ્ટ સ્પાઈસ મિક્સમાં ઉચ્ચ સ્તર ઈથિલિન ઓક્સાઈડ મળ્યા પછી તેને પરત મોકલવાનો આદેશ આપ્યો હતો. સિંગાપોર સરકારે કહ્યું કે, આ મસાલા માનવ વપરાશ માટે અયોગ્ય છે. લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી કેન્સર થવાનું જોખમ રહે છે.

એવરેસ્ટ અને MDH મસાલા ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. તેઓ માત્ર ભારતીય ઉપખંડમાં જ મોટાપાયે વેચાય છે એટલું જ નહીં, યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકામાં પણ મોટા પ્રમાણમાં વેચાય છે. આ કંપનીઓએ કહ્યું છે કે, તેમના તમામ મસાલા સુરક્ષિત છે. તેમ છતાં, US અને ઓસ્ટ્રેલિયન ખાદ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ આ બાબતે વધુ માહિતી એકત્ર કરી રહ્યા છે. ભારતે તો પહેલાથી જ બે બ્રાન્ડના ઉત્પાદનોનું પરીક્ષણ કરવાનો આદેશ આપી દીધો હતો.

ભારતીય ખાદ્ય નિયમનકાર FSSAIએ હવે અધિકારીઓને સ્થાનિક માર્કેટ અને વિદેશી માર્કેટમાં વેચાણ હેતુ મોકલવામાં આવતા કરી પાઉડર અને બ્લેન્ડ મસાલાના મિશ્રણના ઉત્પાદકો પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું છે. આ સાથે, પાઉડર મસાલા માટે 'તમામ ઉત્પાદન એકમોમાં વ્યાપક નિરીક્ષણ, નમૂના અને પરીક્ષણ' હાથ ધરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા FSSAIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ગુણવત્તા અને સલામતીના ધોરણોનું પાલન કરવા માટે નમૂના તરીકે લેવામાં આવેલ દરેક ઉત્પાદનનું વિશ્લેષણ કરવામાં આવશે.' એજન્સીએ જણાવ્યું હતું કે, તે ઇથિલિન ઓક્સાઇડની કોઈ પણ પ્રકારની હાજરી માટે પણ પરીક્ષણ કરવામાં આવશે. ભારતમાં પણ આ કેમિકલના ઉપયોગ પર પ્રતિબંધ છે. એજન્સીનું કહેવું છે કે, ટેસ્ટિંગમાં જો કોઈ પણ પ્રકારની ગેરરીતિઓ જણાઈ આવશે તેના પર પછીથી, 'યોગ્ય કાર્યવાહી' કરવામાં આવશે.

ઝિઓન માર્કેટ રિસર્ચ અનુસાર, ભારત માત્ર મસાલાનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક જ નથી પરંતુ તેનો સૌથી મોટો ઉપભોક્તા પણ છે. આ સાથે ભારત મસાલાનો સૌથી મોટો નિકાસકાર પણ છે. વર્ષ 2022માં આ પદાર્થોનું સ્થાનિક બજાર 10.44 બિલિયન ડૉલર હોવાનો અંદાજ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp