અનિલ અંબાણીની આ કંપનીનો વેચાણનો રસ્તો સાફ, LIC-EPFOના કરોડો રૂપિયા ડુબી જશે

PC: fortuneindia.com

અનિલ અંબાણીની એક કંપનીને કારણે LIC અને Employees' Provident Fund Organisation (EPFO) ને મોટો ઝટકો લાગવાનો છે. રિલાયન્સ કેપિટલના વેચાણનો રસ્તો સાફ થવાને કારણે આ બંને કંપનીઓએ કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવશે.

દેવામાં ડુબેલા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલના વેચાણનો રસ્તો સાફ થઈ ગયો છે. RBIએ રિલાયન્સ કેપિટલ માટે હિન્દુજા ગ્રુપની કંપની ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL)ની યોજના પર મંજૂરીની મહોર મારી છે. આ સાથે RBIએ હિન્દુજાના પાંચ પ્રતિનિધિઓને રિલાયન્સ કેપિટલમાં ડિરેક્ટર તરીકે સામેલ કરવાની મંજૂરી પણ આપી દીધી છે. આવી સ્થિતિમાં રિલાયન્સ કેપિટલના વેચાણનો રસ્તો સાફ થઈ ગયો છે.

બીજી તરફ, રિલાયન્સ કેપિટલને ધિરાણ આપનારી બેંકોને મોટું નુકશાન થવાનું પણ નક્કી છે, કારણકે કે હરાજીમાં મળેલી રકમ અને રોકડ બેલેન્સમાંથી માત્ર 43 ટકા જ લોન વસૂલ કરી શકાય છે. આનો અર્થ એ થયો કે બેંકોની મોટી રકમ ડુબી જશે, જેમાં EPFO અને LIC પણ સામેલ છે.

હિંદુજા ગ્રુપે એપ્રિલ મહિનામાં બીજી વખતની હરાજીમાં રિલાયન્સ કેપિટલને ખરીદવા ટે 9650 કરોડ રૂપિયાની સૌથી મોટી બીડ ભરી હતી.

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલે સપ્ટેમ્બર 2021માં શેરધારકોને તેના દેવા અંગે માહિતી આપી હતી. કંપનીએ કહ્યું હતું કે તેના પર બેંકોનું 40 હજાર કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. એડમિનિસ્ટ્રેટરે રૂ. 23,666 કરોડના નાણાકીય લેણદારોના દાવાની ચકાસણી કરી છે, જેનો અર્થ છે કે બેન્કોને માત્ર 43 ટકા હિસ્સો મળશે.

ભારે દેવાદાર રિલાયન્સ કેપિટલ પર ભારતીય જીવન વીમા નિગમનું લગભગ રૂ. 3,400 કરોડનું દેવું છે. જ્યારે EPFOએ રિલાયન્સ કેપિટલના બોન્ડમાં 2,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમાંથી LICને 1,460 કરોડ રૂપિયા અને EPFOને લગભગ 1,075 કરોડ રૂપિયા મળવાની ધારણા છે. એનો મતલબ એ થયો કે LICએ 1940 કરોડ રૂપિયા અને EPFOએ 1425 કરોડ રૂપિયાની મસમોટી રકમ ગુમાવવી પડશે.

રિલાયન્સ કેપિટલ માટે બે વખત હરાજી હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રથમ હરાજી દરમિયાન ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સે રૂ. 8,640 કરોડની બોલી લગાવી હતી. જો કે, બાદમાં કંપનીના લેણદારો જૂથે ફરીથી હરાજી યોજવાનું નક્કી કર્યું અને બીજી વખત હિન્દુજાએ રૂ. 9,650 કરોડની સૌથી વધુ બોલી લગાવી. રિલાયન્સની હરાજીની રકમ અને રોકડ બેલેન્સને ધ્યાનમાં લેતા, આશરે રૂ. 10,050 કરોડની વસૂલાતની અપેક્ષા છે.

રિલાયન્સ કેપિટલ એ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની છે, જે અનિલ અંબાણીના નાણાકીય સેવાઓના બિઝનેસ માટે હોલ્ડિંગ કંપની હતી. રિલાયન્સ કેપિટલમાં લગભગ 20 નાણાકીય સેવા કંપનીઓ છે. તેમાં સિક્યોરિટીઝ બ્રોકિંગ, વીમો અને એઆરસીનો સમાવેશ થાય છે. RBIએ 30 નવેમ્બર, 2021 ના રોજ રિલાયન્સ કેપિટલના બોર્ડને વિસર્જન કર્યું અને નાદારીની કાર્યવાહી શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp