સુરતમાં ITના દરોડા, ચૂંટણી પૂરી થતા જ હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં રેડ

PC: india.com

1 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની 89 સીટો માટે પહેલા ચરણની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. પ્રથમ ચરણનાનું મતદાન પૂરું થતા જ સુરતમાં ઇનકમટેક્સ (IT) વિભાગ સક્રિય થઈ ગયો છે. વહેલી સવારે 6 વાગ્યે ઇનકમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવાની કામગીરી હાથ ધરી છે. લગભગ 20 કરતા વધુ સ્થળો પર ઇનકમટેક્સ વિભાગની ટીમો દ્વારા રેડ કરવામાં આવી રહી છે, જેમાં 100 કરતા વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત સહિત મુંબઇમાં દરોડા પાડ્યા છે.

હીરા ઉદ્યોગકારોને ત્યાં રેડ પડી હોવાના સમાચાર આવી રહ્યા છે. ધાનેરા ડાયમંડ કંપની અને તેની સાથે સંકળાયેલા લોકોને ત્યાં વહેલી સવારે 6 વાગ્યાથી ઇનકમટેક્સની ટીમ દ્વારા રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે. હીરા ઉદ્યોગમાં ઘણા સમય બાદ રેડ પડતા ઉદ્યોગકારોમાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે. ધાનેરા ગ્રુપના અરવિંદ અજબાની સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. હીરાની સાથે-સાથે ઇનકમટેક્સ વિભાગ દ્વારા બિલ્ડર લોબીને પણ વરુણીમાં લેવામાં આવી છે.

રમેશ ચોગઠ નામના બિલ્ડરને ત્યાં પણ રેડની કામગીરી કરવામાં આવી છે, જેથી દિવાળી બાદ બિલ્ડિંગ વ્યવસાયમાં જોવા મળી રહેલી તેજીની સામે રેડથી ડરનો માહોલ ઉત્પન્ન થયો છે. ઇનકમટેક્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, સુરતના હીરા ઉદ્યોગમાં મોટું નામ ધરાવતા અને અરવિંદ ધાનેરા તરીકે ઓળખાતા ધાનેરા ગ્રુપને નિશાન બનાવવામાં આવ્યું છે અને તેમની સાથે સંકળાયેલા બે બિલ્ડરો નરેશ વીડિયો અને હિંમતભાઈને પણ ઝપેટમાં લેવામાં આવ્યા છે. ત્રણેયના આવાસ ઉપરાંત ઓફિસો તથા બિલ્ડિંગ સાઈટોને પણ દરોડામાં આવરી લેવામાં આવી છે.

40 જેટલાં સ્થળો પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે અને મોટી રકમના બિનહિસાબી વ્યવહારો તથા કરચોરી પકડવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થયેલી રેડની કામગીરીમાં સુરતની સાથે-સાથે વડોદરા સહિતના અધિકારીઓ પણ જોડાયા છે. અંદાજે 100થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં વેસુથી લઈને હીરા ઉદ્યોગકારોના ઘર અને બિલ્ડરની ઓફિસથી લઈને ઘર સુધીના અલગ-અલગ અંદાજે 20-22થી વધુ સ્થળો પર રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઇનકમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી રેડમાં દિવાળી બાદ બિલ્ડરલોબી દ્વારા બ્લેકમાં કરાયેલા વેપાર તેમજ હીરા ઉદ્યોગમાં હાલ મંદી હોવા છતા દિવાળી પહેલાં દબાવી રાખવામાં આવેલા નફાને લઈને બેનામી સંપત્તિ મોટી માત્રામાં બહાર આવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મતદાનના બીજા જ દિવસે દરોડા પડતા લોકોમાં ગણગણાટ શરૂ થયો છે. લોકોમાં એવી ચર્ચા થવા લાગી છે કે, આ વખતે બિલ્ડરલોબી અને હીરા ઉદ્યોગકારો દ્વારા યોગ્ય રીતે સાથ ન આપ્યો હોવાના કારણે રેડ પડી છે.

આ અગાઉ પણ બિલ્ડિંગ અને જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર વહેલી સવારથી આવકવેરા વિભાગની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ અને સુરતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં સંગીની ગ્રુપ, અરિહંત ગ્રુપ, અશેષ દોષી, મહેન્દ્ર ચંપક ગ્રુપ ખાતે ઈન્કમ ટેક્સ DDI વિંગના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. જેથી ટીમને કોરોનાકાળ બાદ થયેલી ડીલમાં મોટા પાયે ગેરરીતિ આચરાઇ હોવાથી મોટી રકમ મળી આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરત DRI એટલે કે ડિરેકટોરેટ રેવન્યુ ઈન્ટેલિજન્સે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વરાછા લંબેહનુમાન રોડના જવેલર્સ અને મહિધરપુરામાં વેપારી ત્યાં દરોડા પાડ્યા છે. જેમાં અંદાજે 10 કરોડની કિમતનુ 18 કિલો સોનુ કબજે કર્યુ છે.4 લોકોને પૂછપરછમાં પણ લીધા છે. જ્વેલર્સ અને બુલિયન વેપારીના ત્યાં DRIની રેડમાં ઝડપાયેલા જ્વેલર્સ અને બુલિયન વેપારીના ત્યાં DRIની રેડમાં દાણાચોરીનુ સોનુ હોવાની શંકા છે કારણ કે કબજે કરેલ સોના પર કસ્ટમ ડ્યુટી અને GST ચુકવાણો નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp