તેલંગાણા અને કેરળ પોલીસે સુરતના 27 ડાયમંડ વેપારીઓના બેંક ખાતા કેમ ફ્રિજ કરી દીધા

PC: asiaconverge.com

તેલંગાણા અને કેરળ પોલીસે સુરતની ડાયમંડ કંપનીઓના 27 બેંક ખાતાઓ ફ્રિજ કરી દિધા હોવાના અહેવાલોએ હીરાઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લાં 20 દિવસથી આ બેંક ખાતાઓ સીલ થઇ જવાને કારણે હીરાઉદ્યોગકારો મોટી મુશ્કેલીમાં મુકાયા છે અને હવે સરકારને રજૂઆત કરશે.

જેમ એન્ડ જ્વેલરી એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ ( GJEPC)ના પૂર્વ રિજિયોનલ ચેરમેન અને અત્યારે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિયૂટના ચેરમેન દિનેશ નાવડીયાએ કહ્યું હતું કે,તેલંગાણા, કેરળ જેવા રાજ્યોમાં થયેલી સાઇબર ક્રાઇમની ફરીયાદને આધાર બનાવીને ત્યાંની સ્થાનિક પોલીસે સુરતની 27 જેટલી મોટી હીરા પેઢીઓના બેંક ખાતા ફ્રિજ કરી દીધા છે. બેંકોએ પણ પરરાજ્યોની પોલીસે આપેલી સુચનાનું પાલન કરીને પૂરેપૂરો કેસ જાણ્યા વગર હીરા પેઢીઓના બેંક ખાતા સીલ કરી દેતા સુરતના હીરા ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના વ્યવહારો સ્થગિત થઇ ચૂક્યા છે.

નાવડીયાએ કહ્યું કે,સુરતના અનેક હીરા ઉદ્યોગપતિઓની મૌખિક અને લેખિત ફરીયાદ મળી છે. પર રાજ્યોની પોલીસે સુરતની હીરા પેઢીઓના કરન્ટ એકાઉન્ટ કે જેમાંથી પગાર, ખર્ચા, ખરીદીના બિલો ચૂકવાય છે એવા એકાઉન્ટને રાતોરાત સ્થગિત કરી દીધા છે. આ મામલો ખૂબ ગંભીર છે એટલે અમે સુરતના એડિશનલ પોલિસ કમિશનર શરદ સિંઘલને જાણ કરી છે. આ બાબતે સુરતના એડિશનલ કમિશ્નર શરદ સિંઘલને રજૂઆત કરવામાં આવી છે.

દિનેશ નાવડીયાએ જણાવ્યું કે પ્રથમદર્શી નજરે જોતા એવું જણાય છે કે વેપારીઓને બેંકોએ કોઇપણ કારણ આપ્યું નથી કે કયા કારણથી બેંક એકાઉન્ટ ફ્રીઝ થયું છે.બીજુ એવું જણાય છે કે ત્રાહિત વ્યક્તિની ફરીયાદ છે, જે વ્યક્તિનું એકાઉન્ટમાં સાઇબર ક્રાઇમ થયો છે તેની એકેય એન્ટ્રી નથી, આમ છતાં પોલીસે ત્રાહિત પેઢી કે જેને સાઇબર ક્રાઇમના કેસમાં ક્યાંય સંબંધ નથી તેવા વેપારીઓના એકાઉન્ટ ફ્રીઝ કરીને વેપારીઓ માટે તહેવારોના સમયમાં મોટી આફત ઉભી કરી આપી છે.

જેમનું ખાતું સ્થગિત કરી દેવામાં આવ્યું છે તેવા એક ડાયમંડના વેપારીએ નામ નહીં છાપવાની શરતે કહ્યું હતું કે, અમારી કંપનીએ એક કંપનીને રફ ડાયમંડ વેચ્યા હતા, જે કંપનીને રફ ડાયમંડ વેચ્યા હતા તેનું ખાતું પોલીસે સ્થિગત કર્યું હતું. પોલીસ તપાસમાં લેવડ-દેવડમાં અમારી કંપનીનું પણ નામ હોવાથી કોઇ પણ કારણ આપ્યા વિના અમારા બેંક ખાતા સ્થગિત કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp