કોઈપણ ચાર્જ ચૂકવ્યા વગર બાળકો ફ્લાઇટમાં પરિવાર સાથે બેસી શકશે! DGCAનો નિર્ણય

PC: zeebiz.com

દેશમાં હવાઈ મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હાલમાં જો આપણે ઘરેલુ હવાઈ મુસાફરી પર નજર કરીએ તો, ભારત વિશ્વનું ત્રીજું ઉડ્ડયન બજાર બની ગયું છે. આવી સ્થિતિમાં સરકારે હવાઈ મુસાફરોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. હવે, પ્લેનની ટિકિટમાં જબરદસ્તી ભોજનનો ચાર્જ સામેલ કરવામાં આવશે નહીં. એટલું જ નહીં, જો કોઈ ગ્રુપમાં 12 વર્ષ સુધીનું બાળક હોય તો તેને પરિવાર સાથે સીટ આપવા માટે પસંદગીનો સીટ ચાર્જ લેવામાં આવશે નહીં.

કેન્દ્ર સરકારના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી મળેલી માહિતી અનુસાર, હવે એર ટ્રાન્સપોર્ટ સર્ક્યુલરમાં ફેરફાર કરવામાં આવ્યા છે, આ સાથે જ નિર્ધારિત એરલાઇન્સની સેવાઓ અને ફી પણ અનબંડલ કરવામાં આવી છે. જેનો અર્થ છે કે, એરલાઇન મુસાફરોને ભોજન, નાસ્તા, પીણાં વગેરે માટે ચાર્જ નહીં કરી શકશે. આનો અર્થ એ છે કે જો તમે વિસ્તારા અથવા એર ઈન્ડિયા જેવી સંપૂર્ણ સેવા કેરિયર સાથે મુસાફરી કરી રહ્યાં છો, તો તમે ઈચ્છો તો ભોજન અથવા નાસ્તાના ચાર્જીસ ન ચૂકવો તો પણ ચાલશે, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી બજેટ ફ્લાઈટમાં પહેલાથી જ આવી વ્યવસ્થા છે.

સુધારેલા DGCAના પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, એરલાઈન્સ તેમના માતા-પિતા અથવા વાલી સાથે મુસાફરી કરતા બાળકો પાસેથી સીટ શેર કરવા માટે કોઈ પસંદગીનો સીટ ચાર્જ વસૂલ કરી શકશે નહીં. હવે 12 વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ ફી લીધા વિના તેમના માતાપિતા અથવા વાલીની બાજુમાં સીટ ફાળવવાની રહેશે. અગાઉ એવું જોવામાં આવ્યું હતું કે, એરલાઈન્સ માતા-પિતા અથવા વાલી સાથે મુસાફરી કરતા બાળકોને તેમની સાથે બેસવા માટે, સીટ ફાળવવા માટે કેટલીક ફી વસૂલતી હતી.

છેલ્લા 10 વર્ષોમાં દેશમાં હવાઈ સેવાનું જબરદસ્ત વિસ્તરણ થયું છે. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી PM બન્યા ત્યારે દેશમાં કુલ ડોમેસ્ટિક પેસેન્જરોની સંખ્યા લગભગ 60 મિલિયન હતી. હવે તે વધીને લગભગ 143 મિલિયન થઈ ગઈ છે. એ જ રીતે, આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે, પરંતુ તે  તેટલી ઝડપથી નથી થઇ. વર્ષ 2024માં, આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા 43 મિલિયન હતી, જે હવે વધીને 64 મિલિયન થઈ ગઈ છે.

ભારતીય જનતા પાર્ટીના સાંસદ GVL નરસિમ્હા રાવે તાજેતરમાં કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં વિમાનોની સંખ્યામાં 80 ટકાનો વધારો થયો છે. 10 વર્ષ પહેલા દેશમાં કુલ 400 એરક્રાફ્ટ હતા. હવે આ સંખ્યા વધીને 723 થઈ ગઈ છે. એ જ રીતે એરપોર્ટની સંખ્યા પણ 74થી વધીને 150 થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp