શું SEBI ચીફ પોતે IPOમાં રોકાણ કરે છે? છૂટક રોકાણકારોને તેમણે આપી મહત્વની સલાહ
હાલમાં ઘણી કંપનીઓ શેરબજારમાં એક પછી એક તેમના IPO લોન્ચ કરી રહી છે. એક દિવસમાં 3-4 IPO એક સાથે ખુલી રહ્યા છે. IPOમાં પણ રોકાણકારો રોકાણ કરવા તૂટી પડ્યા છે. દરમિયાન, માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના વડા માધાબી પુરી બુચે રિટેલ રોકાણકારોને પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) અંગે સલાહ આપી છે.
20 અને 24 નવેમ્બરની વચ્ચે રોકાણકારોએ 5 IPOમાં રૂ. અઢી લાખ કરોડથી વધુની અરજી કરી હતી. આના પર બૂચે રિટેલ રોકાણકારોને સ્પર્ધા ટાળવા અને સાવચેત રહેવા પણ જણાવ્યું છે.
IPO માર્કેટ માટે વર્ષ 2023 ખૂબ જ શાનદાર રહ્યું છે. ચાલુ વર્ષમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ મોટાભાગની કંપનીઓએ રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. આ અઠવાડિયે પણ Tata Techથી IREDA જેવી કંપનીઓના IPO સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવા જઈ રહ્યા છે, જેની રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આટલા બધા IPO લોન્ચ થવાથી રોકાણકારોમાં મૂંઝવણ છે કે, કયા IPOમાં નાણાંનું રોકાણ કરવું. આવી સ્થિતિમાં SEBIના વડા માધબી પુરી બુચે રિટેલ રોકાણકારોને IPOમાં રોકાણ કરવા અંગે વિશેષ સલાહ આપી છે. ઉપરાંત, SEBI ચીફે કહ્યું કે, તે પોતે પણ IPOમાં રોકાણ કરવાનું પસંદ નથી કરતી.
હકીકતમાં, એક કાર્યક્રમમાં, માધબી પુરી બુચને શેરોની મોંઘી પ્રાઇસ બેન્ડ અને IPO લાવનારી કંપનીઓ દ્વારા શેરની કિંમતો નક્કી કરતી વખતે પારદર્શિતાના અભાવ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નનો જવાબ આપતા SEBI ચીફે કહ્યું કે, SEBI ચીફ હોવાને કારણે તેમને IPOમાં રોકાણ કરવાની મંજૂરી નથી. તેમણે કહ્યું કે, તેણે IPOમાં રોકાણ કર્યાને સદીઓ થઈ ગઈ છે અને તેને યાદ નથી કે તેણે IPOમાં છેલ્લે ક્યારે રોકાણ કર્યું હતું. પરંતુ IPOના મોંઘા ભાવ પર SEBI ચીફે કહ્યું કે, અમે ચોક્કસપણે તેનો ઉકેલ શોધીશું. તેમણે કહ્યું કે, અમે તેની પદ્ધતિઓની સમીક્ષા કરીશું.
IPOમાં રોકાણ કરનારા નાના રોકાણકારોને સલાહ આપતાં માધબી પુરી બુચે જણાવ્યું હતું કે, જે રિટેલ રોકાણકારો ઓછી માત્રામાં શેર ખરીદવા માગે છે તેમના માટે સારી વ્યૂહરચના એ છે કે, IPOને પહેલા આવવા દો અને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયા પછી શેરના ભાવને સેટ થવા દો. તેને સ્થિર થવા દો. કંપનીના એક-બે ક્વાર્ટરના નાણાકીય પરિણામો જુઓ અને જો તેમને લાગે કે કંપની વધુ સારી સ્થિતિમાં છે અને તેમાં વૃદ્ધિ થવાની ઘણી સંભાવનાઓ છે, તો સેકન્ડરી માર્કેટ દ્વારા કંપનીના શેર ખરીદીને રોકાણ કરો. તેમણે કહ્યું કે IPOનું કદ ઘણું નાનું હોય છે, તેથી માત્ર IPO દ્વારા જ કંપનીમાં રોકાણ કરવું એ જરૂરી નથી હોતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp