4 કારણોથી શેરબજારમાં 6 લાખ કરોડ ધોવાયા, આ શેરોમાં 12 ટકાનો ઘટાડો!
છેલ્લા ત્રણ દિવસથી શેરબજારમાં અંધાધૂંધી છે, જેના કારણે રોકાણકારોના પોર્ટફોલિયોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેર વધુ તૂટ્યા છે. જો કે, લાર્જ કેપમાં કેટલાક શેરોને બાદ કરતાં અન્ય શેરોને નુકસાન થયું છે. ગુરુવારે, 17 ઓક્ટોબરે નિફ્ટી 222 પોઈન્ટ ઘટીને 24,750 પર બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સ 494 પોઈન્ટ ઘટીને 81,0006 પર બંધ થયો હતો.
છેલ્લા 3 દિવસમાં બંને ઈન્ડેક્સ લગભગ 1.5 ટકા ઘટ્યા છે. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો આજે અનુક્રમે 1.53 ટકા અને 1.23 ટકા ઘટ્યા છે. IT સિવાય BSEના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. જો નિફ્ટી સેક્ટરની વાત કરીએ તો સૌથી મોટો ઘટાડો ઓટો સેક્ટર્સમાં જોવા મળ્યો છે. માત્ર IT સેક્ટરમાં સુધારો જોવા મળ્યો છે.
શેરબજારમાં આજે ઘટાડાને કારણે BSE માર્કેટ કેપ રૂ. 4,63,29,045.07થી રૂ. 6 લાખ કરોડ ઘટીને રૂ. 4,57,27,893 થયું હતું. આજે છેલ્લા ત્રણ દિવસમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. તેની પાછળનું કારણ એ છે કે, કેટલાક હેવીવેઇટ શેર્સમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
શેરબજારમાં ઘટાડાને કારણે BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 21ના ભાવ ઘટ્યા હતા, જ્યારે 9 શેરોમાં તેજી જોવા મળી હતી. ઈન્ફોસિસના શેર 2.58 ટકા વધીને બંધ થયા છે. જ્યારે સૌથી મોટો ઘટાડો નેસ્લે ઈન્ડિયાના શેરમાં થયો હતો, જે 3.39 ટકા ઘટીને રૂ. 2379.70 પર બંધ થયો હતો. આ પછી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
શેરબજાર કેમ ઘટી રહ્યું છે? : વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી શેરબજારમાં દબાણ છે. ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ રૂ. 67,310.80 કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું છે. છેલ્લા 4.5 વર્ષમાં એક મહિનામાં તેમના દ્વારા કરવામાં આવેલ આ સૌથી વધુ વેચાણ છે.
શેરબજારનું ઊંચું મૂલ્યાંકન, મધ્ય પૂર્વમાં તણાવ અને ચીન તરફથી નવી આર્થિક જાહેરાતો પણ શેરબજારમાં દબાણના કારણોમાંથી એક છે.
ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધી જે કંપનીઓએ તેમના પરિણામો જાહેર કર્યા છે, તેમાંની મોટાભાગની કંપનીઓના નફામાં ઘટાડો જોવા મળ્યો છે. હવે દરેકની નજર ઈન્ફોસિસના પરિણામો પર ટકેલી છે.
છૂટક મોંઘવારી દરમાં વધારો થયો છે. સપ્ટેમ્બર મહિના દરમિયાન રિટેલ મોંઘવારી દર વધીને 5.5 ટકા થઈ ગયો છે, જે છેલ્લા 9 મહિનામાં સૌથી વધુ છે. તેનાથી માર્કેટ સેન્ટિમેન્ટ બદલાયું છે.
બજાજ ઓટોનો શેર આજે 12.89 ટકા ઘટીને રૂ. 10,119 પ્રતિ શેર પર બંધ થયો હતો. હેવેલ્સ ઇન્ડિયાનો શેર 6.09 ટકા ઘટીને રૂ. 1805 પર બંધ થયો હતો. જ્યારે BHELના શેરમાં 5.71 ટકા, ઓબેરોય રિયલ્ટીના શેરમાં 6.25 ટકા, BSEના શેરમાં 5.84 ટકા, ટાટા કોમ્યુનિકેશનના શેરમાં 4.81 ટકા, પિરામલ એન્ટરપ્રાઇઝના શેરમાં 6.16 ટકા, RBL બેન્કના શેરમાં 3.92 ટકા અને HFCLના શેરમાં 3.37 ટકાનો ઘટાડો નોંધાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp