
સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, યુનો દ્વારા વર્ષ-2023ને 'ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા સુરત શહેરના દયાળજી અનાવિલ કેળવણી મંડળ, મજુરાગેટ ખાતે ‘રાષ્ટ્રીય ખાદ્યસુરક્ષા મિશન- ન્યુટ્રીસિરીલ યોજના’ અંતર્ગત મિલેટ્સ પાકોનો રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો. સાથોસાથ તા.12 થી 16 માર્ચ સુધી 100% ડાંગ ઓર્ગેનિક યોજના હેઠળ આયોજિત મિલેટ્સ પાકોની પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ અને પ્રદર્શનને ખેતી નિયામક એસ.જે.સોલંકીએ ખૂલ્લું મૂક્યું હતું.
રાજ્યના ખેતી નિયામક એસ.જે.સોલંકીએ જણાવ્યું કે, મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, જવ, રાગી, કોદરા, નાગલી, રાજગરો વગેરે જાડા ધાન અનેક પોષકતત્વોથી ભરપૂર અને શક્તિદાયક છે, પાચનમાં પણ મદદરૂપ છે. મિલેટ્સના નિયમિત ભોજનથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રોક, આંતરડાના કેન્સર અને અન્ય ગંભીર બિમારીનું જોખમ ઘટી જાય છે.
તેમણે કહ્યું કે, આપણા પરંપરાગત ધાન એવા બાજરી, જુવાર, રાગી, મકાઈને વિશ્વના દેશો પણ અપનાવે તેવી વડાપ્રધાનની સંકલ્પના યુનાઈટેડ નેશન્સના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણીથી સાકાર થશે એમ જણાવતા સોલંકીએ ઉમેર્યું કે, ખેતી ખર્ચ ઘટાડી, પ્રગતિશીલ અને આધુનિક ખેતપદ્ધતિ અપનાવીને ખેડૂતો બમણી આવક મેળવી શકે છે. ઓછા ખર્ચે, ઓછા પાણીએ અને પ્રતિકૂળ આબોહવામાં પાકતા હોવાથી મિલેટ્સ પાકો ખેડૂતોને નાણાકીય ખર્ચમાંથી બચાવે છે, અને બમણી આવકનો સ્ત્રોત બને છે.
સોલંકીએ વધુમાં જણાવ્યું કે, ‘જેવો અન્ન તેવો ઓડકાર’ એ ન્યાયે યોગ્ય પોષક આહાર લેવાથી સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. કોરોનાએ માનવીને આરોગ્યનું મહત્વ સુપેરે સમજાવ્યું છે, જેથી હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્ત બન્યા છે અને આહારશૈલીમાં પરિવર્તન લાવી રહ્યા છે. આ સંદર્ભે તેમણે કહ્યું કે, પરંપરાગત ધાન્યને હલકા ધાન્ય પાકો એટલે કહ્યાં કે તે પચવામાં હલકા છે, પરંતુ આપણે તેને ગુણવત્તામાં હલકા સમજી ખોરાકમાંથી જ દૂર કર્યા. આ બધા ધાન્યમાં એક ગુણધર્મ સામાન્ય છે કે તે ગ્લુટેન ફ્રી છે. આપણે આજે પચવામાં ભારે ઘઉં જેવાં ગ્લુટેનયુક્ત ધાન્ય પાકો ખાઈને હ્રદયરોગ તેમજ ડાયાબિટીસ જેવાં રોગોને સામે ચાલીને આમંત્રણ આપ્યું છે.
અધિક ખેતી નિયામક કમલા છૈયાએ જણાવ્યું કે સદીઓથી મિલેટ પાકો આપણા આહારનો અભિન્ન ભાગ રહ્યા છે. અગણિત સ્વાસ્થ્યવર્ધક લાભો ઉપરાંત મિલેટ ઓછાં પાણી અને ઓછા ઈનપુટની જરૂરિયાત સાથે જમીન સુધારણા અને પર્યાવરણ માટે પણ લાભકારક છે. મિલેટ વર્ષની ઉજવણીથી લોકોમાં મિલેટ્સ પ્રત્યે જાગૃતિ આવી રહી છે અને દૈનિક આહારમાં સ્થાન આપી રહ્યા છે.
જુવાર સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડો.બી.કે.દાવડાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ જયારે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી કરી રહ્યું છે,ત્યારે બાજરી, જુવાર, રાંગી, બન્ટી-બાવટો, કોદરા, સામો, મોરૈયો, કાંગ, ચેણો જેવા આઠ પાકોનો મિલેટ્સમાં સમાવેશ થાય છે. આ મિલેટ્સ ધાન્ય પાકો પોષકતત્વોથી ભરપુર અને તંદુરસ્તીનો ખજાનો છે. આ ગરીબોનો ખોરાક નહી પણ આજે સુખી સંપન્ન લોકો પણ તેને અપનાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp