વધુ 10 દિવસનો સમય આપો... કંપની વેચવા માટે અનિલ અંબાણીએ RBIને અપીલ કરી

PC: instagram.com/anilambani606/

ભારે દેવામાં ડૂબેલા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલના ખરીદનાર હિન્દુજા ગ્રૂપને એક્વિઝિશન પૂર્ણ કરવામાં વધુ સમય લાગશે. કારણ કે રિલાયન્સ કેપિટલના એડમિનિસ્ટ્રેટરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને અપીલ કરી છે અને 10 દિવસનો સમય માંગ્યો છે. રિલાયન્સ કેપિટલે હિંદુજા ગ્રુપની કંપનીને સંપત્તિ ટ્રાન્સફર કરવા માટે આ સમય માંગ્યો છે.

રિલાયન્સ કેપિટલની સંપત્તિ હિન્દુજા ગ્રુપની કંપનીને ટ્રાન્સફર કરવાની સમય મર્યાદા શુક્રવાર સુધી હતી. દેશની સેન્ટ્રલ બેંકે 17 નવેમ્બર 2023ના રોજ પ્રોપર્ટી ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી. આ મંજૂરી માત્ર 6 મહિના માટે જ માન્ય હતી. મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, હવે રિલાયન્સ કેપિટલના એડમિનિસ્ટ્રેટરે RBI પાસેથી 27 મે સુધીનો સમય માંગ્યો છે. સંપત્તિના સ્થાનાંતરણ પછી, રિલાયન્સ કેપિટલ સંપૂર્ણપણે હિન્દુજા જૂથની થઇ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, NCLTના આદેશ મુજબ હિન્દુજા ગ્રૂપની કંપની માટે રિઝોલ્યુશન પ્લાન લાગુ કરવાની અંતિમ તારીખ પણ 27મી મે છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મુંબઈ બેન્ચે 27 ફેબ્રુઆરીએ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડને 27 મે સુધીમાં રિઝોલ્યુશન પ્લાન લાગુ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

NCLTએ હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડની રિલાયન્સ કેપિટલ માટે રૂ. 9,650 કરોડના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. તાજેતરમાં, IRDAIએ અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલના અધિગ્રહણ માટે હિન્દુજા ગ્રૂપની કંપનીની બિડને પણ મંજૂરી આપી છે.

અહીં તમને જણાવી દઈએ કે, રિલાયન્સ કેપિટલ માટે બિડનું આમંત્રણ ફેબ્રુઆરી 2022માં બહાર પાડવામાં આવ્યું હતું. શરૂઆતમાં ચાર કંપનીઓ રિલાયન્સ કેપિટલને હસ્તગત કરવા આગળ આવી હતી, પરંતુ ઓછી બિડને કારણે ધિરાણકર્તા જૂથે તેને નકારી કાઢી હતી. ત્યાર પછી હિન્દુજા ગ્રૂપ અને ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટે ફરીથી બિડ સબમિટ કરી, જેમાં હિંદુજા ગ્રૂપની બિડને મંજૂરી આપવામાં આવી. આ કંપની પર 40 હજાર કરોડ રૂપિયાનું દેવું હોવાનું કહેવાય છે.

તાજેતરમાં, ઇન્ડસઇન્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે શક્ય તેટલું જલ્દી સંપાદન પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમારું લક્ષ્ય 27 મે, 2024ની NCLT સમયમર્યાદા સુધીમાં પૂર્ણ કરવાનું છે. અગાઉ, ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલના ચેરમેન અશોક હિન્દુજાએ કહ્યું હતું કે, તે IRDAIની મંજૂરીના 48 કલાકની અંદર બિડની રકમ ચૂકવીને સોદો પૂર્ણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp