શું બજારમાંથી ગાયબ થઈ ગઈ રૂ. 10, 20 અને 50ની નોટો,સાંસદે નાણાપ્રધાનને લખ્યો પત્ર
બજારમાં નાના મૂલ્યની એટલે કે રૂ. 10, 20 અને 50ની નોટોની અછતની વારંવાર ફરિયાદો મળી રહી છે. હવે કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે બજારમાં નાની નોટોની ઓછી ઉપલબ્ધતાનો મુદ્દો ઉઠાવ્યો છે અને આરોપ લગાવ્યો છે કે, ભારતીય રિઝર્વ બેંકે આ નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દીધું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં ટાગોરે કહ્યું કે, બજારમાં આ નોટોની ભારે અછત છે. જેના કારણે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ગરીબોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે નાણાપ્રધાન પાસે નાના મૂલ્યની ચલણી નોટોની અછતને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં ભરવાની પણ માગણી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2023-24માં હાજર કુલ ચલણમાં રૂ. 500 મૂલ્યની નોટોનો હિસ્સો માર્ચ 2024 સુધીમાં 86.5 હતો. 31 માર્ચ, 2024 સુધીમાં, રૂ. 500ની નોટોની મહત્તમ સંખ્યા 5.16 લાખ અસ્તિત્વમાં હતી, જ્યારે રૂ. 10ની નોટ 2.49 લાખની સંખ્યા સાથે બીજા ક્રમે હતી. જોકે નાની નોટોની અછતની ફરિયાદો અવારનવાર આવતી રહે છે. રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2023-24માં નોટ છાપવા પર 5,101 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જ્યારે, એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં એટલે કે 2022-23માં, RBIએ નોટ પ્રિન્ટિંગ પર 4,682 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
મણિકમ ટાગોર તમિલનાડુના વિરુધુનગર મતવિસ્તારના કોંગ્રેસના સાંસદ છે. નાણામંત્રીને લખેલા પત્રમાં ટાગોરે લખ્યું હતું કે, 'નાણા મંત્રી, હું તમારું ધ્યાન એક ગંભીર મુદ્દા તરફ દોરવા માંગુ છું, જે લાખો નાગરિકોને અસર કરી રહી છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને શહેરી ગરીબ સમુદાયોમાં. 'રૂ. 10, રૂ. 20 અને રૂ. 50 મૂલ્યની ચલણી નોટોની તીવ્ર અછતને કારણે ભારે અસુવિધા અને મુશ્કેલી ઊભી થઈ છે.' ટાગોરે પત્રમાં લખ્યું છે કે, અહેવાલો દર્શાવે છે કે, ભારતીય રિઝર્વ બેંક (RBI)એ આ નોટોનું પ્રિન્ટીંગ બંધ કરી દીધું છે, જેથી UPI અને કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપી શકાય. તેમણે કહ્યું કે, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ સમજી શકાય તેમ છે, પરંતુ નાની ચલણી નોટો છાપવાનું બંધ કરવાના પગલાથી તે લોકો પર અસર થઈ રહી છે જેમની પાસે ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઍક્સેસ નથી, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં.
ટાગોરે લખ્યું છે કે, સરકારનો આ નિર્ણય નાગરિકોના ચલણ મેળવવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે. દૈનિક વ્યવહારો માટે નાની નોટો જરૂરી છે. તેમની અછતને કારણે, નાના વ્યવસાયો, શેરી વિક્રેતાઓ અને દૈનિક વેતન કામદારો દ્વારા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેઓ રોકડ વ્યવહારો પર ખૂબ નિર્ભર છે.
Wrote a letter to Hon’ble Finance Minister @nsitharaman regarding the severe shortage of Rs. 10, 20, and 50 denomination notes, which is causing hardship in rural and urban poor communities. Urging for immediate intervention to resume 1/2 pic.twitter.com/NEYXsIOZ9d
— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) September 21, 2024
મણિકમ ટાગરે નાણાપ્રધાન નિર્મલા સીતારમણને RBI ને નાના મૂલ્યની ચલણી નોટોનું છાપકામ અને વિતરણ ફરી શરૂ કરવા નિર્દેશ આપવા માંગ કરી હતી. જાહેર માંગને પહોંચી વળવા આ નોટોનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવો જોઈએ અને ડિજિટલ વિભાજનને દૂર કરવા અને ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પહોંચને સુધારવા માટે પગલાં લેવા જોઈએ. જેથી કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોની મુશ્કેલીઓ ઓછી થઈ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp