આ સપ્તાહમાં શેરબજાર કેવું રહેશે? આ પરિબળો ભજવશે મુખ્ય ભૂમિકા
છેલ્લાં કેટલાક સમયથી ભારતીય શેરબજારો ઓલટાઇમ હાઇની સપાટી પર પહોંચી રહ્યા છે. જો કે ગયા સપ્તાહમાં જ્યારે શુક્રવારે બજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. હવે રોકાણકારોને ચિંતા છે કે સામે બજેટ છે તો આવતા સપ્તાહમાં શેરબજાર કેવું રહેશે. આ બાબતે શેરબજારના જાણકારોનું કહેવું છે કે અનેક પરિબળો મૂખ્ય ભૂમિકા ભજવશે.
સ્થાનિક શેરબજારોની દિશા આ સપ્તાહમાં સ્થાનિક મોરચે મેક્રો ઇકોનોમિક ડેટા, વૈશ્વિક વલણ અને વિદેશી રોકાણકારો પર નિર્ભર રહેશે. માર્કેટ એનાલિસ્ટે આ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. વિશ્લેષકોનું કહેવું છે કે ગયા અઠવાડિયે રેકોર્ડ ઉછાળા પછી ઊંચા વેલ્યુએશનને કારણે આ સપ્તાહે બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. રોકાણકારો વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ અને રૂપિયા-ડોલરની વધઘટ પર પણ નજર રાખશે.
સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના વરિષ્ઠ ટેકનિકલ એનાલિસ્ટ પ્રવેશ ગૌરે જણાવ્યું હતું કે આ સપ્તાહે શેરબજારમા ઉતાર-ચઢાવની સંભાવના રહેશે. ઊંચા મૂલ્યાંકન ચિંતાનો વિષય છે. રોકાણકારો હવે ચોમાસાની પ્રગતિ અને ગ્રામીણ અર્થતંત્ર પર તેની અસર પર નજર રાખશે. જુલાઈમાં આવનારા સામાન્ય બજેટ પર પણ સૌની નજર છે. બજારમાં વૃદ્ધિ લક્ષી નીતિઓની અપેક્ષા રાખવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (FII અને DII)ની પ્રવૃત્તિઓ અને ક્રૂડ ઓઈલના ભાવ પણ બજારના સેન્ટિમેન્ટને પ્રભાવિત કરશે.
વૈશ્વિક મોરચે અમેરિકન માર્કેટમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. અમેરિકાના રોજગાર ડેટા 2 જુલાઈના રોજ આવશે. આ પછી, ISM સેવાઓ PMI ડેટા 3 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. 2 જુલાઈએ યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના વડાનું પણ સંબોધન થવાનું છે.
ગયા સપ્તાહે BSE ના 30 સેન્સેક્સમાં 1,822.83 પોઈન્ટનો વધારો થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 509.5 પોઈન્ટ ઉપર ગયો હતો. જૂનમાં સેન્સેક્સ 7.14 ટકા વધ્યો છે.
માસ્ટર કેપિટલ સર્વિસિસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અરવિંદર સિંહ નંદાએ જણાવ્યું હતું કે બજારનો ટ્રેન્ડ મુખ્ય સ્થાનિક અને વૈશ્વિક આર્થિક ડેટા દ્વારા નક્કી કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, HSBC India Manufacturing PMI, HSBC India Services PMI, S&P ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ PMI, ફેડરલ રિઝર્વ ચીફનું સંબોધન, અમેરિકાના બેરોજગારી દાવાઓના ડેટા એ બજાર માટે મુખ્ય ઘટનાક્રમ રહેશે.
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિ.ના સિનિયર ગ્રૂપ વાઇસ પ્રેસિડેન્ટ-હેડ (રિસર્ચ, બ્રોકિંગ અને ડિસ્ટ્રિબ્યુશન) સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે અમને આશા છે કે બજારની ગતિ ચાલુ રહેશે અને સ્ટોક સ્પેસિફીક એક્ટિવીટી જોવા મળશે. ઓટો કંપનીઓ તેમના માસિક વેચાણના આંકડા જાહેર કરશે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાના શેર પર નજર રાખવી જોઈએ.
નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp