ભારત પર દેવું વધ્યું, આંકડો 205 લાખ કરોડને પાર, IMFનું એલર્ટ, GDP...
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. પરંતુ તેની સાથે દેશ પર દેવાનો બોજ પણ વધી રહ્યો છે, અમે આ નથી કહી રહ્યા પરંતુ આંકડાઓ જણાવી રહ્યા છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્તમાન નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનું કુલ દેવું વધીને 2.47 ટ્રિલિયન ડૉલર અથવા 205 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જોકે, આ દરમિયાન ડૉલરની કિંમતમાં થયેલા વધારાની પણ અસર થઈ છે, જેના કારણે દેવાનો આંકડો વધી ગયો છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ અગાઉ ગયા નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં, કુલ દેવું 2.34 ટ્રિલિયન ડૉલર અથવા લગભગ 200 લાખ કરોડ રૂપિયા હતું. Indiabonds.comના સહ-સ્થાપક વિશાલ ગોએન્કાએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટાને ઉલ્લેખીને કેન્દ્ર અને રાજ્યો પર દેવાના આંકડા રજૂ કર્યા છે.
તેમણે કહ્યું છે કે, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કેન્દ્ર સરકારનું દેવું 161.1 લાખ કરોડ રૂપિયા હતું, જે માર્ચ ક્વાર્ટરમાં 150.4 લાખ કરોડ રૂપિયા હતું. આ સાથે જણાવવામાં આવ્યું છે કે, કુલ દેવામાં રાજ્ય સરકારોનો હિસ્સો 50.18 લાખ કરોડ રૂપિયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમયગાળા દરમિયાન US ડૉલરના મૂલ્યમાં થયેલા વધારાની અસર પણ આ દેવાના આંકડા પર પડી છે. હકીકતમાં, આને એ રીતે પણ સમજી શકાય છે કે, માર્ચ 2023 મહિનામાં એક ડોલર 82.5441 રૂપિયા હતો, જે હવે વધીને 83.152506 રૂપિયા થઈ ગયો છે.
Indiabonds.comનો આ રિપોર્ટ RBI, CCI અને SEBI પાસેથી એકત્ર કરવામાં આવેલા ડેટાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર પર સૌથી વધુ 161.1 લાખ કરોડ રૂપિયા એટલે કે, કુલ દેવાના 46.04 ટકા છે. આ સિવાય રાજ્યોનો હિસ્સો એટલે કે 50.18 લાખ કરોડ રૂપિયા એટલે કે, 24.4 ટકા છે.
રિપોર્ટમાં રાજકોષીય ખર્ચની વિગતો પણ આપવામાં આવી છે, જે રૂ. 9.25 લાખ કરોડ છે અને કુલ દેવાના 4.51 ટકા છે. આ સિવાય ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કુલ દેવામાં કોર્પોરેટ બોન્ડનો હિસ્સો 21.52 ટકા હતો, જે 44.16 લાખ કરોડ રૂપિયા છે.
આ પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ પણ દેવાને લઈને ભારતને ચેતવણી આપી છે. વૈશ્વિક સંસ્થાએ કહ્યું છે કે, કેન્દ્ર અને રાજ્યો સહિત ભારતનું સામાન્ય સરકારી દેવું મધ્યમ ગાળામાં કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)ના 100 ટકાથી ઉપર પહોંચી શકે છે. આવી સ્થિતિમાં લાંબા ગાળામાં લોન ચૂકવવામાં મુશ્કેલી આવી શકે છે. જો કે, કેન્દ્ર સરકારે IMFના આ અહેવાલ સાથે અસહમતિ વ્યક્ત કરી છે અને માને છે કે, સરકારી દેવાથી જોખમ ઘણું ઓછું છે, કારણ કે મોટા ભાગનું દેવું ભારતીય ચલણ એટલે કે રૂપિયામાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp