અમદાવાદની કંપની તીર્થ ગોપીકોન લિમિટેડનો IPO આવે છે

PC: Khabarchhe.com

એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ ખાસ કરીને રોડ, ગટર અને વોટર ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપતી અમદાવાદ સ્થિત તીર્થ ગોપીકોન લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ સુધીની રકમ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેના પબ્લિક ઇશ્યૂને લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. પબ્લિક ઇશ્યૂ સબ્સ્ક્રીપ્શન માટે 8 એપ્રિલે અને 10 એપ્રિલે બંધ થશે. પબ્લિક ઇશ્યૂથી મળનારી રકમનો કાર્યશીલ મૂડીની જરૂરિયાતો સંતોષવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિતની કંપનીની વિસ્તરણ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા માટે ઉપયોગ કરવામાં આવશે. ઇન્ટરેક્ટિવ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ આ ઇશ્યૂના લીડ મેનેજર છે.

આઈપીઓમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 39.99 લાખ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઇશ્યૂ માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 111 (ઇક્વિટી શેર દીઠ રૂ. 101ના પ્રિમિયમ સહિત)ની પ્રાઇઝ ફિક્સ કરી છે. રૂ. 44.40 કરોડની ઇશ્યૂની રકમમાંથી કંપની રૂ. 33.40 કરોડની રકમ કાર્યશીલ મૂડીની જરૂરિયાતો સંતોષવા અને રૂ. 10.24 કરોડની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. અરજી માટે લઘુતમ લોટ સાઇઝ 1200 શેર્સ છે જે અરજી દીઠ રૂ. 1.33 લાખના રોકાણમાં અનુવાદિત થાય છે. આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટર ક્વોટા નેટ ઓફરના 50 ટકા પર રાખવામાં આવ્યો છે.

વર્ષ 2019માં શરૂ કરાયેલી તીર્થ ગોપીકોન લિમિટેડ મધ્ય પ્રદેશમાં માર્ગ નિર્માણ, ગટર અને પાણી પુરવઠાના વ્યવસાય સાથે સંકળાયેલી છે. કંપનીનો વ્યવસાય મધ્ય પ્રદેશ રાજ્યમાં અને મુખ્યત્વે ઇન્દોર, છતરપુર, સાગર, દિંદોરી, જબલપુર તથા ઉજ્જૈન જેવા શહેરોમાં કેન્દ્રિત છે અને અન્ય રાજ્યોમાં તેની હાજરીને ક્રમિકપણે વિસ્તારી રહી છે. ISO 9001:2015, ISO 14001:2015 અને ISO 45001:2018 સર્ટિફાઇડ કંપની તરીકે તે ઓલ ક્લાસ સિવિલ એન્ડ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર તરીકે પણ રજિસ્ટર્ડ થયેલી છે અને સરકારી વિભાગોના અનેક પ્રોજેક્ટ્સ પૂરા કરેલા છે. કંપનીએ આઈએસસીડીએલ, આઈએમસી, યુએસસીએલ, યુએમસી, એમપીજેએનએમ વગેરે જેવા વિવિધ કેન્દ્ર/રાજ્ય સરકારના વિભાગો માટે રજિસ્ટર્ડ સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરેલું છે અને પ્રાઇવેટ સેક્ટર માટે બિલ્ડિંગ કામો પણ હાથ ધરેલા છે. 31 જાન્યુઆરી, 2024ના રોજ કંપનીની ઓર્ડર બુક રૂ. 904.98 કરોડની છે.

કંપની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, વોટર સપ્લાય, પાઇપલાઇન્સ, સીવેજ નેટવર્ક, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નલ્લા ટેપ્સ, રિયુઝ નેટવર્ક, ઓવરહેડ ટાંકી, જીએસઆર, રોડ કન્સ્ટ્રક્શન, જળાશયોના પુનઃનિર્માણ વગેરે જેવા વિવિધ સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. 29 ફેબ્રુઆરી, 2024ના રોજ કંપની વિવિધ વિભાગોમાં 164 કાયમી કર્મચારીઓ (વર્કમેન સહિત) ધરાવતી હતી.

તીર્થ ગોપીકોન લિમિટેડના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર ડો. મહેશભાઈ કુંભાણીએ જણાવ્યું હતું કે કંપની છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્કૃષ્ટ ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સ ધરાવે છે. કંપનીનો હાલનો બિઝનેસ મધ્ય પ્રદેશમાં સ્થિત છે અને અમે તબક્કાવાર અન્ય રાજ્યોમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવીએ છીએ. અમને આશા છે કે સૂચિત પબ્લિક ઇશ્યૂ પછી અમે અમારી વૃદ્ધિ વ્યૂહરચનાને એ પ્રમાણે અમલમાં મૂકીશું જેથી ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ સતત પૂરી પાડવાની સાથે તમામ હિસ્સેદારો માટે મહત્તમ મૂલ્યસર્જન થાય.

કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી દર્શાવી છે. કંપનીએ આવક તથા નફાકારકતામાં અનેકગણો વધારો જોયો છે. જાન્યુઆરી, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2023-24ના 10 મહિનામાં કંપનીએ રૂ. 7.84 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 69.70 કરોડની આવક નોંધાવી છે જેની સામે નાણાંકીય વર્ષ 2022-23માં સંપૂર્ણ વર્ષની નફાકારકતા તથા આવકો અનુક્રમે રૂ. 1.80 કરોડ અને રૂ. 39.15 કરોડ હતી. 31 જાન્યુઆરી, 2024 રોજ કંપનીની નેટવર્થ રૂ. 15.72 કરોડ, રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 7.73 કરોડ તથા એસેટ બેઝ રૂ. 137.20 કરોડ હતી. 31 જાન્યુઆરી, 2024ના રોજ કંપનીની આરઓઈ 66.40 ટકા, આરઓસીઈ 48.40 ટકા અને આરઓએનડબ્લ્યુ 22.72 ટકા હતું. કંપનીના શેર્સ એનએસઈના ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp