કાયદો બધા માટે સમાન… સુપ્રીમ કોર્ટે નન-પાદરીઓના પગાર પર TDS કપાતને યોગ્ય ઠેરવી

PC: thecommunemag.com

ચર્ચ સંચાલિત સહાયિત શાળાઓમાં શિક્ષક તરીકે કામ કરતી સાધ્વીઓ અને પાદરીઓને ચૂકવવામાં આવતા પગાર પર TDS કાપવાને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યું છે. ગુરુવારે ચીફ જસ્ટિસ DY ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું હતું કે, આ નાણાં શાળાને પગાર અનુદાન તરીકે આપવામાં આવે છે, તેથી તેને સ્ત્રોત પર કર કપાત (TDS)માંથી મુક્તિ આપી શકાય નહીં. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, 'કાયદો દરેક માટે સમાન છે. એક હિંદુ પૂજારી પણ એમ કહી શકે છે કે, તે પોતાનો પગાર રાખશે નહીં અને તે કોઈ સંસ્થાને આપશે, પરંતુ જો તે નોકરી કરે છે અને પગાર મેળવે છે, તો તેના પર TDS વસૂલવામાં આવશે.'

અગાઉ, મદ્રાસ હાઈકોર્ટની સિંગલ બેન્ચે પાદરીઓ અને સાધ્વીઓની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું હતું કે, તેમના પગાર પર આવકવેરો લાદી શકાય નહીં, કારણ કે આ નાણાં તેમની પાસે નથી પરંતુ ડાયોસીઝ પાસે આવે છે. આ નિર્ણયને પાછળથી મદ્રાસ હાઈકોર્ટની બે સભ્યોની બેન્ચે બદલી નાખ્યો હતો. બેંચના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

અપીલકર્તા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અરવિંદ દાતારે કોર્ટને જણાવ્યું હતું કે, આ રકમ શાળાઓને નહીં પરંતુ સીધી ડાયોસીઝમાં મોકલવામાં આવે છે, જે ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે નોંધાયેલ છે. પરંતુ બેન્ચ આ દલીલ સાથે સહમત ન થઈ અને કહ્યું, 'સરકાર ડાયોસીઝને કેવી રીતે ચૂકવણી કરી શકે? સરકાર ડાયોસીઝને ક્યારેય ચુકવણી નહીં કરે. આ ચુકવણી શાળાને જ કરવામાં આવે છે.' જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, 'આ તે પગાર છે, જે કોઈ નન અથવા પાદરીને આપવામાં આવે છે. પછી ભલે તે તેને પોતાની પાસે નહીં રાખે, તેઓ તેને અન્ય ચેરિટી સંસ્થાઓને આપી દે છે, પરંતુ TDS તો કાપવો જ પડે. દાતારે એ પણ સ્વીકાર્યું કે ટેકનિકલી રીતે સરકાર શાળાને ચૂકવણી કરે છે, પરંતુ પૈસા સીધા ડાયોસીઝમાં જાય છે.

CJIએ કાયદાના એકસમાન ઉપયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે, કોઈપણ વ્યક્તિ જે નોકરી કરે છે અને પગાર મેળવે છે, તેના પર કર લાગુ કરવામાં આવશે. અરજદારોના વકીલે રજૂઆત કરી હતી કે નન અને પાદરીઓએ ગરીબી અપનાવી છે અને તેથી, સહાયિત સંસ્થાઓમાં શિક્ષક તરીકે કામ કરીને તેમના દ્વારા મેળવેલ પગાર ડાયોસીઝ/કોન્વેન્ટને સોંપી દેવામાં આવે છે. તેથી, પગાર તેમને વ્યક્તિગત રીતે પ્રાપ્ત થતો નથી.

CJIએ કહ્યું કે, પાદરીઓ અને નનને તેમનો પગાર તેમના અંગત બેંક ખાતામાં મળે છે. તેણે કહ્યું, 'પગાર મળે છે, પરંતુ ગરીબીની પ્રતિજ્ઞાને લીધે, તેઓ કહે છે કે, હું પગાર રાખીશ નહીં કારણ કે પંથક/પૈરિશમાં, તેઓ વ્યક્તિગત આવક મેળવી શકતા નથી… પરંતુ આ પગારની કરપાત્રતાને કેવી રીતે અસર કરે છે? TDS કાપવો જોઈએ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp