આધુનિક મશીનરીથી સુરતના કાપડ ઉદ્યોગ નવી ક્રાંતિ આવી છે, સિટેક્સનું ઉદઘાટન
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી(SGCCI) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે તા. ૬, ૭ અને ૮ જાન્યુઆરી, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સીટેક્ષ ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભારત સરકારના એડિશનલ ટેક્સટાઇલ કમિશ્નર એસ. પી વર્મા અને સ્ટોબલી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેકટર સુરજીત સિંઘ મહાજન સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
SGCCI પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ‘સુરત એ ભારતનું એમએમએફ ટેક્ષ્ટાઇલનું હબ છે, મોટાભાગના આધુનિક મશીનો મેન મેઇડ ફેબ્રિક ટેક્ષ્ટાઇલ સેકટરમાં ઉપયોગ માટે અપગ્રેડ કરવામાં આવ્યા છે, આમ ટેક્ષ્ટાઇલ મશીનરી માટે સુરત ભારતનું સૌથી મોટું સંભવિત બજાર છે. નવસારી ખાતેનો પીએમ મિત્રા પાર્ક ગુજરાતનો પ્રથમ ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઇલ પાર્ક હશે
ભારતના અધિક ટેક્ષ્ટાઇલ કમિશ્નર એસ.પી. વર્માએ સુરતીઓના વખાણ કરતાં જણાવ્યું હતું કે, ‘સુરતીઓને એક વાર કોઈ વસ્તુ સમજાવવામાં આવે તો તેઓ કાર્ય મોજ–મસ્તીની સાથે નવું કંઈક ઉમેરીને પૂર્ણ કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીને પરિપૂર્ણ મેન્યુફેકચરિંગ હબ બનાવવાની દિશામાં કાર્ય કરવામાં આવી રહયું છે. ભારતમાં મશીનરીના ક્ષેત્રે રૂપિયા ૧૪ હજાર કરોડનો બિઝનેસ છે.
કાર્યક્રમના મુખ્ય અતિથી સ્ટોબલી ઇન્ડિયા પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેકટર સુરજીત સિંઘ મહાજને જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીમાં ગત એક દશકમાં ખૂબ જ ઝડપી ગતિથી વિકાસ થયો છે. સુરત ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીમાં આધુનિક મશીનરીથી એક નવી ક્રાંતિ આવી છે. આજે સુરતમાં બનતું ફેબ્રિક માત્ર ભારતમાં જ નહીં પણ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. ભારતની કુલ જીડીપીમાં સુરતનો મહત્વનો ભાગ છે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ સીટેક્ષ એક્ષ્પોની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રી માટે દક્ષિણ ગુજરાતના વિકાસમાં સીટેક્ષ એકઝીબીશને સિંહફાળો આપ્યો છે.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર, સીટેક્ષ એક્ષ્પોના ચેરમેન સુરેશ પટેલ તથા પૂર્વ પ્રમુખો આશિષ ગુજરાતી, હેતલ મહેતા, અરવિંદ કાપડીયા, મહેન્દ્ર કાજીવાલા અને પ્રફુલ્લ શાહ, ગૃપ ચેરમેનો અને ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરની એસબીસી કમિટીના ચેરમેન ચિરાગ દેસાઇએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp