PMMY યોજના હેઠળ 40 કરોડ લોન ખાતામાં 23 લાખ કરોડ મંજૂર કરાયાઃ નાણામંત્રી

PC: twitter.com

ભારત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી દ્વારા 8 એપ્રિલ 2015ના રોજ PM મુદ્રા યોજના (PMMY)નો આરંભ કરવામાં આવ્યો હતો. બિન-કોર્પોરેટ, બિન-કૃષિ લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકોને આવકનું સર્જન કરવામાં મદદરૂપ થવા માટે ₹10 લાખ સુધીની સરળ જામીન-મુક્ત માઇક્રો ધીરાણની સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. PMMY હેઠળ આપવામાં આવતી લોન સભ્ય ધીરાણ સંસ્થાઓ (MLI), એટલે કે, બેંકો, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFC), માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ (MFI) અને અન્ય નાણાકીય મધ્યસ્થીઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

PMMYની સફળ 8મી વર્ષગાંઠ નિમિત્તે, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવેલી, આ યોજનાએ સૂક્ષ્મ ઉદ્યોગોને ધીરાણની સરળ અને ઝંઝટ મુક્ત સુલભતા પૂરી પાડી છે અને મોટી સંખ્યામાં યુવા ઉદ્યોગ સાહસિકોને તેમના પોતાના વ્યવસાયો સ્થાપિત કરવામાં મદદ કરી છે.

સીતારમણે PMMYના ડેટાના સંદર્ભમાં જણાવ્યું હતું કે, આ યોજના શરૂ કરવામાં આવી ત્યારથી 24.03.2023 સુધીમાં, તે અંતર્ગત 40.82 કરોડ લોન ખાતાઓમાં લગભગ ₹23.2 લાખ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળના આપવામાં આવેલી કુલ લોનમાંથી લગભગ 68% ખાતાઓ મહિલા ઉદ્યોગસાહસિકોના છે અને 51% ખાતાઓ SC/ST અને OBC શ્રેણીના ઉદ્યોગસાહસિકોના છે. આ આંકડાઓ દર્શાવે છે કે, દેશના ઉભરતા સાહસિકોને ધીરાણ સરળતાથી ઉપલબ્ધ થઇ રહ્યું હોવાથી તેઓ આવિષ્કાર તરફ આગળ વધ્યા છે અને માથાદીઠ આવકમાં એકધારો વધારો થયો છે.

MSMEની મદદથી સ્વદેશી નિર્માણની વૃદ્ધિ પર પ્રકાશ પાડતા, નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, MSMEના વિકાસથી મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમમાં મોટા પાયે યોગદાન મળ્યું છે કારણ કે મજબૂત ઘરેલું MSMEના કારણે સ્થાનિક બજારોમાં તેમજ નિકાસ એમ બંને માટે સ્વદેશી ઉત્પાદનમાં વધારો થયો છે. PMMY યોજનાએ ભારતના અર્થતંત્રને વેગ આપવાની સાથે-સાથે પાયાના સ્તરે ખૂબ જ વિશાળ સંખ્યામાં રોજગારીની તકોનું સર્જન કરવામાં મદદ કરી છે અને ગેમ ચેન્જર પણ સાબિત થઇ છે.

કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી (MoS) ડૉ. ભાગવત કિશનરાવ કરાડે જણાવ્યું હતું કે, PMMY યોજના શરૂ કરવા પાછળનો મૂળ ઉદ્દેશ્ય દેશમાં સૂક્ષ્મ ઉદ્યોગસાહસોને વિના અવરોધે જામીન મુક્ત ધીરાણની સુલભતા પૂરી પાડવાનો છે. આ યોજનાએ સમાજના સેવા વંચિત અને પૂરતી સેવાઓ ન મેળવી શકનારા વર્ગોને સંસ્થાકીય ધીરાણના માળખામાં લાવી દીધા છે. મુદ્રાને પ્રોત્સાહન આપવાની સરકારની નીતિએ લાખો MSME સાહસોને ઔપચારિક અર્થવ્યવસ્થા તરફ દોર્યા છે અને ભંડોળ માટે વ્યાજખોરો પાસેથી ખૂબ જ ઊંચા દરે ધીરાણ લેવાના વિષચક્રમાંથી પણ તેમને મુક્તિ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp