મુકેશ અંબાણીએ 82 વર્ષ જૂની કંપની ખરીદી લીધી, આ બિઝનેસ પણ કરશે
એશિયાના સૌથી ધનિક અને દુનિયાના અબજોપતિઓની યાદીમાં 11મા સ્થાને રહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના અનેક બિઝનેસ છે. ટેક્સટાઇલ, પેટ્રોલિયમ, ટેલીકોમ, ગ્રીન એનર્જિ, રિટેલ, ક્ન્ઝુયમર આવા તો અનેક બિઝનેસમાં રિલાયન્સ સામેલ છે. હવે જાણવા મળ્યું છે કે મુકેશ અંબાણીએ એક 82 વર્ષ જુની કંપની ખરીદી લીધી છે, જે ચોકલેટ બ્રાન્ડ તરીકે જાણીતી છે. મતલબ કે મુકેશ અંબાણી હવે ચોકલેટ પણ વેચશે. જો કે, મુકેશ અંબાણીની કંપનીએ જે રકમની ડીલ કરી છે તે સાવ સામાન્ય રકમ છે. રિટેલ સેક્ટરમાં કંપની ભારે પગપેસારો કરી રહી છે.
ભારત અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીની ઝોળીમાં વધુ એક કંપની આવી ગઇ છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સની FMCG કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે રાવલગાંવ સુગર ફાર્મનો કન્ફેક્શનરી બિઝનેસ ખરીદી લીધો છે. આ ડીલ 27 કરોડ રૂપિયામાં થઈ છે. ડીલ મુજબ આ કંપનીના ટ્રેડમાર્ક, રેસિપી અને ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ હવે રિલાયન્સ પાસે આવી ગયા છે.
રાવલગાંવએ શુક્રવારે એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી હતી. ઉદ્યોગપતિ વાલચંદ હીરાચંદે 1933માં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના રાવલગાંવ ગામમાં સુગર મિલની સ્થાપના કરી હતી. 1942 માં, આ કંપનીએ રાવલગાંવ બ્રાન્ડ હેઠળ ટોફી બનાવવાનું શરૂ કર્યું. આ કંપની પાસે પાન પસંદ, મેંગો મૂડ અને કોફી બ્રેક જેવી નવ બ્રાન્ડ્સ છે.
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ એક્વિઝિશન અને ભાગીદારી દ્વારા ઝડપથી વિસ્તરી રહી છે. રાવલગાંવનું અધિગ્રહણ તેના FMCG પોર્ટફોલિયોને વિસ્તૃત કરશે. કંપનીમાં પહેલેથી જ કેમ્પા, ટોફીમેન અને રાસ્કિક જેવી બ્રાન્ડ સામેલ છે. કન્ઝ્યુમર માર્કેટમાં મહત્તમ હિસ્સો મેળવવા માટે FMCG કંપનીઓ વચ્ચે હોડ મચી છે.વધુને વધુ ગ્રાહકો સુધી પહોંચવા માટે તેઓ અન્ય કંપનીઓને હસ્તગત કરી રહ્યા છે.
જોકે, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે આ ડીલ અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી. નિષ્ણાતો કહે છે કે સંગઠિત અને અસંગઠિત ઉદ્યોગના ખેલાડીઓની વધતી સ્પર્ધાને કારણે રાવલગાંવનો બજાર હિસ્સો ઘટી રહ્યો હતો. આ જ કારણ છે કે કંપનીએ તેનો કન્ફેક્શનરી બિઝનેસ વેચવાનો નિર્ણય કર્યો.
રાવલગાંવ સુગરનો શેર શેરબજારમાં લિસ્ટેડ છે. આજે BSEમાં શેરનો ભાવ 785 રૂપિયા રહ્યો છે. 52 સપ્તાહનો સૌથી ઉંચો ભાવ 1157 રૂપિયા છે અને સૌથી નીચો ભાવ 596 રૂપિયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp