ફાસ્ટેગ નહીં, વાહનની નંબર પ્લેટ પરથી ટોલ કપાશે, આ રીતે કામ કરશે સિસ્ટમ
દેશમાં ટોલ પ્લાઝા પર ટોલ ફી વસૂલવાની રીતમાં ધરખમ ફેરફાર થવા જઈ રહ્યો છે, આ માટે ટોલ પ્લાઝા પર ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન કેમેરા એટલે કે ANPR કેમેરા લગાવવામાં આવશે. તેમની મદદથી ફાસ્ટેગને બદલે વાહનની નંબર પ્લેટ પરથી ટોલ ટેક્સ કાપવામાં આવશે. હરિયાણાના હિસાર અને રોહતક જિલ્લામાં એક-એક ટોલ પર નવી સિસ્ટમ લગાવવાનું કામ શરૂ પણ થઈ ગયું છે. લગભગ બે મહિના પછી આ બંને ટોલ પોઈન્ટ પર વાહનની નંબર પ્લેટ પરથી ટોલ ટેક્સ કપાવવાનું શરૂ થઈ જશે. આનો એક ફાયદો એ થશે કે, વાહન પર નકલી નંબર પ્લેટ લગાવવામાં આવશે તો તે પણ પકડાઈ જશે.
આ બે ટોલ પ્લાઝા પર સફળ ટ્રાયલ પછી તેને પહેલા હરિયાણામાં અને પછી દેશના અન્ય રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. ટોલ કંપનીઓનું માનવું છે કે, આનાથી ટોલ પોઈન્ટ પર છેતરપિંડી થતી અટકશે. જ્યારે નવી સિસ્ટમ લાગુ થશે, ત્યારે વાહનની નંબર પ્લેટ પણ ફાસ્ટેગ સાથે જોડાયેલા બેંક ખાતા સાથે લિંક કરવામાં આવશે, જેથી વાહન ટોલ પર પહોંચતાની સાથે જ કેમેરા નંબર પ્લેટને ઓળખી ટોલ ટેક્સ કાપી લેશે.
હિસારના રામાયણ ટોલ પ્લાઝા અને રોહતક ટોલ પર ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન આધારિત સ્કેનિંગ કેમેરા અને નવી કોમ્પ્યુટર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી રહી છે. આ કેમેરા નંબર પ્લેટને ઓળખીને તેને ડિજિટલ બનાવે છે. કેમેરાની ખાસ વાત એ છે કે, આ કેમેરા ખૂબ જ પાવરફુલ હશે અને પ્લેટને તરત જ સ્કેન કરશે.
વાહન ટોલ નજીક પહોંચતાની સાથે જ લાલ લાઇટ થશે. જ્યાં સુધી ઓપરેટર દ્વારા લીલીઝંડી આપવામાં ન આવે ત્યાં સુધી વાહન ત્યાં જ રોકાયેલું રહેશે. આ સાથે ટોલ ચૂકવવા માટે રોકાયેલા વાહનનો નંબર અને વાહનનું મોડલ પણ સ્ક્રીન પર લખવામાં આવશે. જો ડ્રાઇવરનું FASTag કામ કરતું નથી, તો નંબર પ્લેટ સ્કેન થતાંની સાથે જ બેંકના સર્વરમાંથી ટોલ કંપનીને સંદેશ મોકલવામાં આવશે. તે એ પણ જણાવશે કે આ ફાસ્ટેગ ઓરિજિનલ છે કે નહીં.
ભારતમાં, વાહનોમાં હવે ઉચ્ચ-સુરક્ષા રજીસ્ટ્રેશન પ્લેટ એટલે કે HSRP લગાવવામાં આવે છે. આવી નંબર પ્લેટ પરથી વાહનને લગતી તમામ માહિતી ઉપલબ્ધ થઇ જાય છે. સરકારે 2019માં જ આ ખાસ નંબર પ્લેટ લગાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે સરકારે તમામ પેસેન્જર વાહનોને કંપની ફીટ કરેલી નંબર પ્લેટ લગાવવા જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp